Business

રાષ્ટ્રપતિ મુર્મુએ વૈષ્ણો દેવી મંદિરમાં પ્રાર્થના કરી, સ્કાયવોક અને પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી: ભારતના (India) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) તેમની જમ્મુ અને કાશ્મીરની (Jammu and Kashmir) મુલાકાતના બીજા દિવસે ગુરુવારે જમ્મુમાં માતા વૈષ્ણોદેવીના (Vaishno devi) દર્શન કરવા પહોંચ્યા હતા. માતા વૈષ્ણોદેવીના દર્શન સાથે તેમણે સ્કાયવોકનું (Skywalk) ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ ગુરુવારે વૈષ્ણો દેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી અને ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરમાં ‘સ્કાયવોક’ અને પાર્વતી ભવનનું નવીનીકરણ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અંશુલ ગર્ગે મુર્મુને પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી.

અધિકારીઓએ જણાવ્યું કે 200 મીટરનો સ્કાયવોક ભક્તોની મુસાફરીને સરળ બનાવશે. સ્કાયવોક બન્યા બાદ બિલ્ડીંગમાં જનારા અને દર્શન કરીને પરત આવતા લોકો માટે અલગ-અલગ માર્ગો બની ગયા છે. આ પ્રોજેક્ટમાં રૂ. 9.89 કરોડથી વધુનો ખર્ચ થયો છે. રૂટથી 20 ફૂટની ઉંચાઈ પર સ્કાય વોક બનાવવામાં આવી છે. આનાથી મનોકામના ભવન અને ગેટ નંબર 3 વચ્ચે ભીડને કાબૂ બહાર જતી અટકાવવામાં મદદ મળશે. વર્ષ 2022માં નવા વર્ષના દિવસે આ જ જગ્યાએ નાસભાગ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.

પાર્વતી ભવનનું લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તે યાત્રાળુઓ માટે મફત સુવિધા હશે. તે સ્કાયવોક સાથે જોડાયેલ છે જેથી શ્રદ્ધાળુઓ તેમનો સામાન જમા કરાવ્યા પછી સીધા જ મંદિરમાં જઈ શકે. અધિકારીઓએ કહ્યું કે તેમાં 1,500 લોકરની સુવિધા છે, જેનો લાભ દરરોજ 10 થી 15 હજાર શ્રદ્ધાળુઓને મળશે. તેમણે શ્રાઈન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવનાર મફત લંગરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

Most Popular

To Top