National

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ પહોંચીને કર્યું આ કામ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની (Nepal) મુલાકાત લીધી હતી. તેઓ નેપાળના વડાપ્રધાન (Nepal’s PM) શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની (Lumbini) પહોચ્યા હતા. એરપોર્ટ (Airport) પર દેઉબાએ જ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે નેપાળમાં ભારતની પહેલ પર બની રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો હતો. PMની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.

નેપાળમાં પીએમ મોદીએ બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરનો શિલાન્યાસ કર્યો
સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશીનગર ગયા હતા. ત્યાંથી તેઓ નેપાળમાં લુમ્બિની પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાથે મળી લુમ્બિનીના મહામાયા મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી. તેની સાથે-સાથે તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પણ પૂજા કરી હતી. PM મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરનો શિલાન્યાસ કરવા માટે આયોજિત સમારોહમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ બંને દેશોના વડા પ્રધાને લુમ્બિની મઠ વિસ્તારમાં ઇન્ટરનેશનલ બૌદ્ધ સંઘ (IBC), દિલ્હી સાથે જોડાયેલા પ્લોટમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ નેપાળના અદ્ભુત લોકોમાં સામેલ થઈને ખૂબ જ ખુશ છે. આ પછી પીએમ મોદી પીએમ દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા થઈ હતી. આ સંવાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોએ પણ ભાગ લીધો હતો. તેમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન બંને નેતાઓએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નેપાળ વિના આપણા રામ પણ અધૂરા છે: પીએમ મોદી
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે જ્યાં ભગવાન બુદ્ધે જન્મ લીધો છે, ત્યાંની ઊર્જા, ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. અગાઉ જનકપુરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે નેપાળ વિના આપણા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે નેપાળના લોકો પણ એટલા જ ખુશ છે. વડાપ્રધાને વધુમાં કહ્યુ કે આજે જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં ભારત અને નેપાળની સતત મજબુત થતી મિત્રતા, નિકટતા, સમગ્ર માનવતાના હિતમાં કામ કરશે. બુદ્ધ જ્ઞાન છે, અને બુદ્ધ સંશોધન પણ છે. બુદ્ધ વિચારો છે, અને બુદ્ધ સંસ્કાર પણ છે.

યોગી સરકાર 2.0 ના મંત્રીઓ સાથે પીએમ મોદીની પ્રથમ મુલાકાત
નેપાળની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી સીધા લખનઉ પહોંચશે. યુપીમાં સતત બીજી વાર સત્તામાં આવેલા યોગી સરકારના મંત્રીઓ સાથે પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ બેઠકમાં તેઓ યુપીના મંત્રીઓને સરકારની પ્રાથમિકતાઓ અને સુશાસન વિશે જણાવશે. ત્યાર બાદ સીએમ યોગીના નિવાસસ્થાને આ બીજી વખત રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તેઓ રાત્રિભોજન કરશે.

Most Popular

To Top