Business

ટોયોટા ઇનોવા હાઇક્રોસ: 100% ઇથેનોલ સાથે નીતિન ગડકરીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યૂલ કાર

નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પરંપરાગત ઇંધણ પર દેશની નિર્ભરતા ઘટાડવા હાઇડ્રોજેન, ફ્લેક્સ-ઇંધણ, બાયો-ઇંધણ વગેરે જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. જેના માટે એક ડગલું આગળ વધીને, આજે ગડકરીએ ભારતમાં (India) વિશ્વની પ્રથમ BS-VI (સ્ટેજ-II), ઇલેક્ટ્રિક ફ્લેક્સ-ફ્યુઅલ કાર (Flex fuel car) લોન્ચ કરી છે. આ કાર ટોયોટા ઈનોવા હાઇક્રોસ (Toyota Innova Highcross) છે, જે 100% ઈથેનોલ-ઈંધણ (Ethanol) પર ચાલશે. આ કાર વિશ્વની પ્રથમ BS-VI (સ્ટેજ-II), ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ઇંધણ કાર હશે. જેને સંપૂર્ણ રીતે ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેનાથી 40 ટકા વીજળી પણ પેદા કરી શકાય છે. જેના કારણે ઇથેનોલની અસરકારક કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

ફ્લેક્સ ફ્યુઅલ વાહનો (FFVs)માં પણ ICE હોય છે અને તે 83% સુધી ગેસોલિન અથવા ગેસોલિન અને ઇથેનોલના મિશ્રણ પર ચલાવવા માટે સક્ષમ હોય છે. આ બળતણ E85 તરીકે ઓળખાય છે. તેમાં 85 ટકા ઇથેનોલ ઇંધણ અને 15 ટકા ગેસોલિન અથવા અન્ય હાઇડ્રોકાર્બનનો સમાવેશ થાય છે. બાયો-ઇથેનોલમાં પેટ્રોલ કરતાં લિટર દીઠ ઓછી ઉર્જા હોય છે પરંતુ એડવાન્સ ટેક્નોલોજીના ઉપયોગથી બાયો-ઇથેનોલનું કેલરીફિક મૂલ્ય પેટ્રોલ જેટલું જ થશે. FFV પેટ્રોલ અથવા ઇથેનોલ પર ચલાવવા માટે સક્ષમ હોવાથી, તે ભારતીય રસ્તાઓ પર ચાલવા માટે તેના પ્રકારનું 100 ટકા ડ્યુઅલ ઇંધણનું પ્રથમ વાહન હશે.

ફ્લેક્સ-ફ્યુઅલ એક ખાસ પ્રકારની ટેક્નોલોજી છે, જે વાહનોને 20 ટકાથી વધુ ઇથેનોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ફ્લેક્સ ફ્યુઅલ એ ગેસોલિન (પેટ્રોલ) અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી બનેલું વૈકલ્પિક બળતણ છે. ફ્લેક્સ-ઇંધણ વાહન એન્જિન એક કરતાં વધુ પ્રકારના ઇંધણ પર ચાલવા માટે રચાયેલ છે. એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમમાં કેટલાક ફેરફારો સિવાય, આ વાહનો નિયમિત પેટ્રોલ મોડલ્સ જેવા જ છે.

2022 માં, ગડકરીએ ટોયોટા મિરાઈ, હાઇડ્રોજન સંચાલિત કાર લોન્ચ કરી. ગ્રીન હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (FCEV) ટેક્નોલોજીની ઉપયોગિતા વિશે જાગરૂકતા ઊભી કરીને ભારતમાં ગ્રીન હાઇડ્રોજન આધારિત ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ કારને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ઉપરાંત, બાયો-ફ્યુઅલ તરફના પગલાનો હેતુ પેટ્રોલિયમની આયાત પર ખર્ચવામાં આવતી જંગી રકમ (રૂ. 16 લાખ કરોડ) ઘટાડવા અને ઊર્જામાં ભારતની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે.

ફ્લેક્સ ઇંધણનું ઉત્પાદન ભારત માટે ચિંતાનો વિષય નથી, કારણ કે તે શેરડી, મકાઈ જેવા ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે અને ભારત આ પાકોના પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. શેરડી અને મકાઈમાંથી બનાવવામાં આવતું હોવાથી તેને આલ્કોહોલ બેઝ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે. સ્ટાર્ચ અને ખાંડનો આથો તેની ઉત્પાદન પ્રક્રિયામાં કરવામાં આવે છે. આ સિવાય ઇથેનોલ ઇંધણ સામાન્ય પેટ્રોલની તુલનામાં ખૂબ જ આર્થિક છે, જ્યાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની આસપાસ છે, જ્યારે ઇથેનોલની કિંમત 60 થી 70 રૂપિયાની વચ્ચે જોવા મળે છે. આવી સ્થિતિમાં, તે વધુ સારો વિકલ્પ સાબિત થશે.

Most Popular

To Top