Editorial

ઓગસ્ટમાં મોંઘવારી ઈન્ડેક્ષ ઘટતાં ભારતે રાહતનો શ્વાસ લીધો

છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. ભારતમાં ફુગાવાનો દર વધી રહ્યો હતો અને તેને કારણે રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વધારવાની ફરજ પડી રહી હતી. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકામાં પણ મોંઘવારીના આંકડા ચોંકાવનારા આવ્યા છે. અમેરિકાના આ આંકડાઓને કારણે બુધવારે વૈશ્વિક શેરબજારો તૂટ્યા હતા. સાથે સાથે ભારતીય શેરબજાર પણ તૂટ્યું હતું પરંતુ સામે એ વાતે રાહત થઈ હતી કે ઓગસ્ટ માસના જથ્થાબંધ ફુગાવાના જે આંકડા આવ્યા છે તે ભારત માટે સારા છે. ઓગસ્ટ માસમાં જથ્થાબંધ ફુગાવાનો આંક 11 મહિનાના તળિયાનો નોંધાયો છે. જેને કારણે એવું માની શકાય કે ભારતમાં મોંઘવારી ઘટી છે. અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં કરવા માટે ફેડ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સમસ્યા એ છે કે અમેરિકામાં મોંઘવારી ઘટતી નથી. અનુમાન કરતાં વધારે રહે છે. જે વૈશ્વિક શેરબજારોમાં ભારે તારાજી સર્જી રહી છે.

ઓગસ્ટ માસમાં જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક 12.41 ટકાના દરે જોવા મળ્યો હતો. અગાઉ જુલાઈ માસમાં જથ્થાબંધ ફુગાવો 13.93 ટકા હતો. ગત વર્ષે ઓગસ્ટ માસમાં ફુગાવો 11.64 ટકા હતો. જથ્થાબંધ ફુગાવો છેલ્લા કેટલાક મહિનાઓથી વધી જ રહ્યો હતો. જેને કારણે એવું અનુમાન હતું કે ઓગસ્ટ માસમાં પણ ફુગાવાનો દર 13 ટકાથી પણ વધારે નોંધાઈ શકે છે. જોકે ઓગસ્ટ માસમાં જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક ઓછો આવ્યો. આમ તો ઓગસ્ટ માસમાં ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારીનો આંક 9.41 ટકાથી વધીને 9.93 ટકા નોંધાયો છે. શાકભાજીનો જથ્થાબંધ મોંઘવારી દર પણ 18.25 ટકાથી વધીને 22.3 ટકા નોંધાયો છે.

ફ્યુઅલ અને પાવરનો જથ્થાબંધ મોંઘવારી આંક 43.75 ટકાથી ઘટીને 33.67 ટકા થયો છે. મેન્યુફેકચરિંગમાં પણ મોંઘવારી દર ઘટ્યો છે. બટાકા, ડુંગળીથી માંડીને અન્ય ખાદ્યપદાર્થોનો મોંઘવારી ઈન્ડેક્ષ પણ ઘટ્યો છે. ઓગસ્ટ માસમાં કોમોડિટિ ઈન્ડેક્ષ 0.5 ટકા ઘટ્યો છે. જ્યારે મેન્યુફેકચરિંગ ઈન્ડેક્ષ પણ ઘટ્યો છે. આ જે આંકડાઓ ઘટ્યા છે તેનાથી ભારત સરકારને ભારે રાહત થઈ છે. જો કે, જે રીતે વિશ્વમાં મોંઘવારીનો આંક વધી રહ્યો છે તે ભારત માટે ચિંતાજનક છે. ભલે ઓગસ્ટ માસમાં જથ્થાબંધ મોંઘવારી ઈન્ડેક્ષ ઘટ્યો હોય પરંતુ આગામી મહિનાઓમાં આ ઈન્ડેક્ષ ઘટશે જ તેવી કોઈ ખાતરી નથી. બજારોમાં રોકડ નાણાંની અછત છે. રોકડ નાણાં બજારમાં ફરી રહ્યા નથી અને તેને કારણે મંદીના માહોલનો લોકો અનુભવ કરી રહ્યા છે.

ઓગસ્ટ માસમાં થોડી રોકડ નાણાંની હલચલ વધી હોવાથી એવું માની શકાય કે તેની અસરને કારણે ઓગસ્ટ માસમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ ઘટ્યો હોય પરંતુ જ્યાં સુધી નાનામાં નાની વ્યક્તિ દ્વારા ખરીદી કરવાની માત્રા વધશે નહીં ત્યાં સુધી મોંઘવારીનો ઈન્ડેક્ષ ઘટે તેવી સંભાવના જોવાતી નથી. અમેરિકામાં ઘેરી બનેલી મંદીને કારણે જ મોંઘવારી વધી રહી છે. આ જ રીતે ભારતમાં પણ મોંઘવારીનો વધારો જોવા મળી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ બંધ થયું નથી. જોકે, વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા છે તે ભારત માટે સારા સમાચાર છે. જો ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર માસમાં પણ મોંઘવારી ઈન્ડેક્ષ ઘટશે તો ભારતમાં મંદી ધીરેધીરે દૂર થઈ રહી છે તેવું માની શકાશે. સરકારે આ મામલે ગંભીર રહેવાની જરૂરીયાત છે. મોંઘવારી ઈન્ડેક્ષ જેમ વધશે તેમ આર્થિક સ્થિતિ નબળી થશે તે ચોક્કસ છે.

Most Popular

To Top