SURAT

સુરત: જિન્સનો પેન્ટ ફાડી રખડું શ્વાને 14 વર્ષના બાળકને બચકું ભરી લીધું

સુરત(Surat): શહેરમાં રખડતાં શ્વાનનો (Stray Dog) આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સુરત મનપા (SMC) રખડું શ્વાન પર કાબુ મેળવવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. આજે વધુ એક બાળકને શ્વાન કરડ્યું (DogBite) છે. માતા સાથે જઈ રહેલાં 14 વર્ષીય બાળકને શ્વાને બચકું ભરી લીધું છે. આ બાળકને નવી સિવિલ હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં રહેતા 14 વર્ષીય ગણેશ કહાને આજે સવારે શ્વાન કરડ્યું હતું. ગણેશ ધો. 6માં ભણે છે. તે આજે સવારે માતા સાથે સંબંધીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રખડતા શ્વાને નજીક આવી તેને પગમાં બચકું ભરી લીધું હતું. પગની પીંડીમાં ઉંડા ઘા પડી ગયા હતા. તેથી માતા પુત્ર ગભરાઈ ગયા હતા. માતા તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.

જણાવી દઈએ કે સુરત મનપા દ્વારા દર વર્ષે શ્વાનના ખસીકરણ અને રસીકરણના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં રખડું શ્વાનનો આતંક ઘટી રહ્યો નથી. સુરતની નવી સિવિલમાં રોજના 20થી 25 કેસો ડોગ બાઈટના નોંધાઈ રહ્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

શુક્રવારે પાંડેસરાના 9 વર્ષના બાળકને શ્વાન કરડ્યું હતું
શહેરના પાંડેસરાના નાગસેન વિસ્તારમાં સ્કૂલ જતાં 9 વર્ષના બાળકને રખડતા કૂતરાંએ બચકું ભરી લીધું હતું. બાળકને શ્વાન કરડી લેતા તે સ્કૂલ જવાના બદલે ઘરે પરત ગયો હતો અને માતા પિતાને જાણ કરી હતી. તેથી ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી. શ્વાન કરડવાના કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top