Gujarat

ગુજરાતના આ શહેરની સ્કૂલોમાં માસ્ક ફરી ફરજિયાત કરાયું, હાઈકોર્ટે પણ કરી આ ટકોર

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક પહેરવું અને કોવિડ નિયમોનું પાલન કરવા અંગે આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ઉનાળા વેકેશન બાદ શાળાઓ ફરી ખુલી છે. ત્યારે વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યની ઘણી શાળાઓમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગે બાળકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં શિક્ષણ વિભાગના આદેશ અનુસાર બાળકોને શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જવાનું રહેશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટતા થતા માસ્કના નિયમમાં છૂટછાટ મળી હતી. પરંતુ જ્યારે રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટના શિક્ષણ વિભાગે જિલ્લા અને શહેરની તમામ શાળામાં માસ્ક ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કોવિડ19 માટે જાહેર કરવામાં આવેલ SOP એટલેકે માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની પણ સૂચના અપાઈ છે.

કોરોનાના કેસ વધતા હાઈકોર્ટએ ટકોર
દેશમાં કોરોનાના કેસ વધતા સરકાર ચિંતામાં મૂકાઈ ગઈ છે. ત્યારે હાઈકોર્ટે પણ આ અંગે ટકોર કરી હતી. કોર્ટમાં વકીલ, આરોપી, જજ સિવાય કોઈ પ્રવેશવું નહીં. તેમજ માસ્ક સહિત કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિએ આરોગ્ય તંત્રને દોડતું કરી દીધું છે. તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.

દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 4 દિવસમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા છે. જ્યારે 131 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં હાલ 1102 કોરોનાના એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 116 કેસ નોંધાયા છે. રાજયમાં હાલ કુલ 1374 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જયારે 1369 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1215323 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. જયારે 10946 દર્દીઓએ કોરોનાની સારવાર દરમ્યાન મોતને ભેટયા છે. કોરોનાનું સંક્રમણ ફરીથી વધતા નિષ્ણાંતોની સલાહ છે કે લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા. જો સરકાર દ્વારા આપવામાં આવેલી આ ગાઈડલાઈન્સને ફોલો નહીં કરવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે.

Most Popular

To Top