National

કોઈએ આમંત્રણ નહીં આપ્યું એટલે ધારાસભ્ય પોતાના જ લગ્નમાં ન ગયા!

ઓડિશા: (Odisha) એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના એક ધારાસભ્ય પોતાના જ લગ્નમાં પહોંચ્યા નહીં હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ તેની ગર્લફ્રેન્ડે જ દાખલ કરાવી છે. હવે બંને પક્ષ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે ઓડિશાના એક યુવાન ધારાસભ્ય પોતાના લગ્નમાં જવાનું જ ભૂલી ગયા હતા. ધારાસભ્ય બિજય શંકર દાસ લગ્ન માટે રજિસ્ટ્રાર ઓફિસ સમયસર નહીં પહોંચતા તેમની મંગેતરે પોલીસ ફરિયાદ કરી છે. આ અંગે ધારાસભ્ય બિજય શંકર દાસને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું મને કોઈએ લગ્નમાં આમંત્રણ જ આપ્યું નહોતું, હું કેવી રીતે જાઉં? જોકે, ધારાસભ્યએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે યુવતી તેમની જ મંગેતર છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, તેઓ હજુ પણ તે યુવતી સાથે લગ્ન કરવાતૈયર છે. જણાવી દઈએ કે બિજય શંકર દાસ ઓડિશાના તિર્તોલ વિધાનસભા મત વિસ્તારના બીજુ જનતા દળના ધારાસભ્ય છે.

  • ઓડિશાના બીજુ જનતા દળના ધારાસભ્ય વિરુદ્ધ ગર્લફ્રેન્ડે આપી પોલીસ ફરિયાદ
  • બિજય શંકર દાસ લગ્ન માટે રજિસ્ટ્રાર ઓફિસ નહીં પહોંચ્યા
  • ધારાસભ્યએ કહ્યું હું હજુ પણ લગ્ન કરવા તૈયાર

આ તરફ પોલીસ ફરિયાદ આપનાર ધારાસભ્યની ગર્લફ્રેન્ડે આક્ષેપ કર્યા છે કે ધારાસભ્ય સાથે તેઓને 3 વર્ષથી સંબંધ છે. લગ્ન અંગે એક મહિના પહેલાં ચર્ચા થઈ હતી. ધારાસભ્યના પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ જ લગ્નની તારીખ 17 જૂન નક્કી કરાઈ હતી. તે અનુસાર યુવતી અને તેમના પક્ષના તમામ લોકો સમયસર અહીંના જગતસિંહપુરની સબ રજિસ્ટ્રાર ઓફિસે પહોંચી ગયા હતા, પરંતુ ધારાસભ્ય આવ્યા નહોતા. એટલું જ નહીં ધારાસભ્યે યુવતીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.

લગ્ન નહીં થતાં ગુસ્સાથી લાલચોળ થયેલી ધારાસભ્યની મંગેતરે કહ્યું કે, ત્રણ વર્ષથી ધારાસભ્ય બિજય શંકર સાથે સંબંધમાં છું. તેઓએ લગ્નનું વચન આપ્યું હતું અને તે અનુસાર જ બધુ નક્કી કરાયું હતું, છેલ્લી ઘડીએ તેઓએ દગો દીધો છે. આ તરફ ધારાસભ્યએ કહ્યું કે, હું હજુ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. લગ્ન વિશે મને જાણ નહોતી એટલે હું નહોતો ગયો.

Most Popular

To Top