Madhya Gujarat

પાદરા પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં

પાદરા: પાદરા વડુ પંથકના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને  આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. ત્યારે સમય અનુસાર  મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી છે. જોકે હજી પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.  બે દિવસ અગાઉ બપોરના સમય દરમિયાન ભારે પવન સાથે વરસાદી ઝાપટાં આવ્યા બાદ આજે રવિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયા બાદ હળવા વરસાદથી પાદરા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલથી અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ સુધી વાવણી લાયક વરસાદ ન કહેવાય જેના કારણે હજુ પણ ખેડૂતો વધુ વરસાદની વાટ જોઈ રહ્યા છે. ચાર દિવસમાં બીજીવાર વરસાદ વરસતા જેને લઈ ચોમાસું શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે અને ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે હજુ સુધી વાવણી લાયક વરસાદ પડ્યો નથી એમ જાણકાર ખેડૂતોએ જણાવ્યું હતું. હાલની સ્થિતિએ પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાને કારણે વાવણી કરાઈ નથી વધુ વખત વરસાદ પડે અને વાતાવરણ જળવાઈ રહે ત્યાર બાદ ખેડૂતો વાવણી કરશે. 

છેલ્લા કેટલાક દિવસથી બફારા અને ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો. લોકો પરસેવે રેબઝબ થઈ એસી પંખા કુલરનો સહારો લઇ ગરમીથી રાહત પામવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે આજે રવિવારે સવારથી ધીમી ધારે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાં રાહત જોવા મળી હતી. દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ વરસાદ વરસ્યો હતો. પાદરા તાલુકાના ડભાસા, મુજપુર, વડુ, મુવાલ, વિશ્રામપૂરા, ગવાસદ, મોભા, માસરરોડ, કુરાલ, દૂધવાડા અને ચોકારી તેમજ ઘાયજ, ગોરિયાદ, સરસવણી, કોઠવાડા સહિત ના પાદરા તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અને તેની આજુ બાજુના તમામ ગામોમા વરસાદ વરસ્યો હતો. ઠંડા પવન સાથે વરસાદે સમગ્ર પંથકમા ઠંડક પસરાવી હતી. ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતોએ વરસાદને આવકાર્યો છે ખેડૂતો એ આશા વ્યક્તિ કરી છે.વરસાદ ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. આજ પ્રકારે સમયસર વરસાદ આવશે તો આવનારા સમયમા ખેતી પણ સારી થશે.

Most Popular

To Top