SURAT

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં સળિયા વગર જ બીમ ચણી કંમ્પાઉન્ડ વોલ બની ગઇ, ખુદ કોન્ટ્રાકટરે જ ભાંડો ફોડ્યો

સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) કંમ્પાઉન્ડ વોલનાં (Compound Wall) બાંધકામમાં મોટાપાયે ગરબડી બહાર આવી છે. બાંધકામ સમિતિ દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસમાં કોન્ટ્રાક્ટર (Contractor) દ્વારા કંમ્પાઉન્ડ વોલ સળિયા વગર ચણી દેવાતા ખુદ કોન્ટ્રાકટરે ભાંડો ફોડી નાંખ્યો હતો. અંત્યત આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 37 લાખ રૂપિયાનાં ખર્ચે જી.ડી.ગોએન્કા સ્કૂલની બાજુમાં આવેલી અને પાલિકા દ્વારા રસ્તો પહોળો કરવામાં આવતા તૂટી ગયેલી દિવાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

  • ચીફ એસ્ટેટ ઇજનેર કે.કે.સુરતીને રજા ઉપર ઉતારી દેવાયા
  • એસીબીમાં ફરિયાદ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવશે

આ દિવાલનાં બાંધકામમાં ટેન્ડરનાં નિયમો મુજબનું બાંધકામ થતું નહીં હોવાથી, તેમજ મટિરિયલ્સનો પણ યોગ્ય ઉપયોગ થતો નહીં હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે બાંધકામ કમિટીનાં સભ્યોએ દિવાલનાં બાંધકામની ગુણવત્તાની ચકાસણી કરતા કોન્ટ્રાકટર દ્વારા દિવાલમાં બીમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સળિયાનો પણ નિયમ મુજબ ઉપયોગ કર્યો ન હતો, એટલુ જ નહીં કેટલાક સ્થળોએ 8 અને 10 એમ.એમ સળીયાને જોઇન્ટ કરી યુનિવર્સિટીનાં તંત્રની આંખમાં ધૂળ નાંખવાનું કામ કર્યું હતુ.

બાંધકામ સમિતિના સભ્યોએ આ તમામ બાબતોની તપાસ કરીને રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં રજૂ કર્યો છે. સાથે જ યુનિવર્સિટી તંત્ર દ્વારા આ બાબતે પોલીસ તપાસ પણ થાય તે દિશામાં ઉમરા પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. એસ્ટેટ ઈજનેર કે.કે.સુરતી સામે એસીબીમાં ફરિયાદ કરવા સાથે હવે આગામી દિવસોમાં તેમને સસ્પેન્શન પકડાવી તપાસ હાથ ધરાશે. યુનિ.માં લાંબા સમયથી કરપ્શનની ફરિયાદો સંભળાઇ રહી છે તે વચ્ચે આ કંપાઉન્ડ વોલનું ભોપાળુ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુનિ.ની તિજોરમાં આ સિવાય પણ અનેક રીતે ગાંબડા પાડવામાં આવ્યા હતા. યુનિ.માં આડેધડ ખર્ચ કરી તિજોરી સફાચટ કરી દેવાઇ છે.

Most Popular

To Top