Columns

અનેક નિરાશમાં, તું એક અમર આશા!

ચો, લાંબો અને પાતળો આવા છોકરાને કોણ છોકરી આપે? આમ તો પાતળા છોકરાને છોકરી મળી જાય પણ સાવ સળીકડા જેવા છોકરાને કોઈ પસંદ ન કરે એ દેખીતી વાત છે. એક સમય હતો જ્યારે શિવાંશની ઊંચાઈથી બધા આકર્ષણ અનુભવતા હતા. લોકો એને જોઈને કહેતાં, ‘અરે વાહ, આ છોકરો કેટલો ઊંચો છે!’ લોકો આશ્ચર્ય અને આનંદથી શિવાંશને જોઈ રહેતાં. શિવાંશ સ્કૂલમાં હતો ત્યારે એની હાઇટના કારણે તરત જ ટીચરની નજરમાં આવી ગયો. ટીચરે એને મોનિટર બનાવી દીધો. એક થી ચાર ધોરણ સુધી શિવાંશનો વટ હતો.

શિવાંશની આગળપાછળ છોકરા ફરતા રહેતા. બાસ્કેટ બોલથી લઈને વોલીબોલની રમતમાં શિવાંશનું મહત્ત્વ રહેતું કારણ કે એની ઊંચાઈનો એને લાભ મળતો. એ ફટાફટ ગોલ કરતો. પાંચમા ધોરણમાં એ આવ્યો ત્યારે પહેલી વાર એવું બન્યું કે એની ઊંચાઈને કારણે એને શરમ આવી. PTના ટીચર પ્રમાણમાં જરાક નીચા હતા એટલે બન્યું એવું કે બધાં બાળકોની હાઈટ માપવાની હતી ત્યારે PT ટીચરે શિવાંશની ઊંચાઈ માપવા માટે ટેબલ પર ચડવું પડયું. એથી PT ટીચરનો અહમ ઘવાયો. પાંચમા ધોરણમાં ભણતાં છોકરાંની હાઈટ માપવા માટે ટેબલનો સહરો લેવો પડયો? બસ તે ઘટના પછી PTના ટીચરે એની બધાંમાં બાદબાકી કરવા માંડી. પછી તે રમત હોય કે ગણિત. ‘શિવાંશ નહીં ચાલે. એની ઊંચાઈને કારણે એ નડશે.’

આજ સુધી હાઈટને કારણે માત્ર પ્રશંસા સાંભળી હતી તેને પહેલી વાર ટીકા સાંભળવાનો વખત આવ્યો. ધીરે ધીરે એવું બન્યું કે એની ઊંચાઈ એના માટે શરમાવાનું કામ થઈ ગયું. કાલ સુધી રમતગમતમાં આગળ પડતો ભાગ ભજવતો શિવાંશ હવે રમતથી દૂર થવા લાગ્યો. ભણવામાં પણ એ હવે એવરેજ બની ગયો. કાલ સુધી ક્લાસમાં જે ગર્વનો દાવેદાર હતો તે એક હાંસિયામાં ધકેલાઇ ગયો. પણ આ વર્ષો પહેલાંની વાત છે. હવે તો લોકો એની સામે નજર પડે અને મોં ફેરવી લે છે. એની વધુ પડતી ઊંચાઈ લોકોને અળખામણી લાગે છે. એક વખત ઊંચાઈને કારણે બધે જ માનપાન મેળવતો શિવાંશ હવે લોકોની એક નજર એના પર પડે એ માટે તરસી જાય છે.

શિવાંશે કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી. સારી નોકરી મળી ગઈ પણ છોકરીના વાંધા હતા કારણ કે પાંચમા ધોરણમાં એને પોતાની ઊંચાઈ વધુ પડતી છે તે મગજમાં બેસી ગયું હતું એટલે એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ પીઠથી વાંકો વળતો ગયો જેથી એ થોડો નીચો લાગે. એટલે એનું પોશ્ચર બગડી ગયું. છ ફૂટ પાંચ ઈંચ ઊંચો પણ કમરથી સહેજ ઝૂકેલો શિવાંશ જલદી કોઈ છોકરીને પસંદ આવે નહીં.

બે–ચાર વર્ષ એના લગ્ન માટે માતા–પિતાએ બહુ પ્રયત્ન કર્યા પણ પછી શિવાંશનો નાનો ભાઈ 25 વર્ષનો થઈ ગયો એટલે પછી તો સગાં–વહાલાં પણ કહેવા લાગ્યા કે હવે શિવાંશનું ન થાય તો નાના છોકરાને તો પરણાવી દો. મોટાની રાહમાં નાનો કુંવારો રહી જશે. એકાદ વર્ષ તો મા–બાપે પ્રયત્ન કર્યો પછી નાના દીકરાના લગ્ન કરી દીધા. નાનાનો સંસાર સરસ ચાલતો હતો. બે વર્ષમાં નાનાને ઘરે પારણું બંધાઈ ગયું. શિવાંશ મોટા પપ્પા બની ગયો. બસ તે પછી શિવાંશનાં મા–બાપ પણ શિવાંશ માટે છોકરી શોધવાનું ક્યારે ભૂલી ગયાં તે ખબર ન પડી. શિવાંશ ધીરે ધીરે ઘરમાં પણ હાંસિયામાં ધકેલાઇ ગયો.

એમને એમ એણે ત્રીસી વટાવી દીધી. શિવાંશે ટાઈમપાસ માટે ફરવાનું ચાલુ કર્યું. એક લોકલ ટ્રેકિંગ ગ્રુપમાં જોડાઇ ગયો. દર શનિ–રવિ એ ફરવા નીકળી પડતો. એમાં એને મજા આવવા લાગી. એનો મિલનસાર અને મદદગાર સ્વભાવ એને ફળ્યો. લોકો બહુ ઝડપથી એના મિત્રો બની જતા. તે પછી ધીરે ધીરે એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. કોકણકંડાના એક ટ્રેકમાં એક વાર એક યુવતી આવી. ગોપી. ગોપી બહુ મળતાવડી અને બોલકી હતી એટલે એ બધાંની સાથે વાત કરતી.

એણે શિવાંશને જોઈને કહ્યું, ‘અરે તું તો ગિનેસબુકમાં રેકોર્ડ કરી શકે તેવી તારી હાઈટ છે!’ પોતાની ઊંચાઈ માટે વર્ષો પછી પ્રશંસા સાંભળીને શિવાંશને સારું લાગ્યું. પછી તો દરેક ટ્રેકમાં ગોપી આવવા લાગી. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. ગોપી બહુ સુંદર ન હતી પણ એનો સ્વભાવ બહુ સુંદર હતો. એ દરેકમાં પોઝિટિવ પોઈન્ટ જોતી હતી. જેથી દરેકની સારી બાજુને બહાર લાવતી. બન્નેએ કોન્ટેક્ટ નંબરની આપ–લે કરી હતી કારણ કે બન્ને અલગ શહેરમાં રહેતાં હતાં એટલે જ્યારે પણ ટ્રેક પર જવાનું નક્કી થાય ત્યારે બન્ને સાથે જતાં.

એક દિવસ ગોપીનો ફોન આવ્યો, ‘શિવ, હું તારા શહેરમાં છું.’ શિવાંશ ક્ષણ માટે આ મેસેજ વાંચીને મુંઝાયો. ગોપીને એ ઘરે બોલાવવા ઈચ્છતો ન હતો કારણ કે એની અને ગોપીની ફ્રેન્ડશિપ વિશે એણે ઘરમાં કોઈને વાત કરી ન હતી અને હતી તો માત્ર મિત્રતા. એમાં શું ઘરમાં જણાવવાનું? હવે ગોપીને એ ઘરે બોલાવે તો ઘરના કશું બીજું સમજી લે તો?
શિવાંશે વચલો રસ્તો કાઢયો, એણે ગોપીને મેસેજ કર્યો, ‘તું ક્યા એરિયામાં આવવાની છે?’ ગોપીએ પોતાનો એરિયા જણાવ્યો એ નસીબ જોગે શિવાંશના ઘરથી દૂરનો વિસ્તાર હતો. એ એરિયામાં સારી હોટેલ–રેસ્ટોરેન્ટ બહુ હતી એટલે એણે ગોપીને ફોન કર્યો, ‘આપણે એક કામ કરીએ. તું જ્યાં છે તેની નજીક સ્ટારબક્સ છે, ત્યાં મળીએ.’

સાંજે છ વાગે સમયસર સરસ તૈયાર થઈને એ નીકળ્યો ત્યારે પહેલી વાર એ બાઈક પર ટટ્ટાર થઈને બેઠો. ગોગલ્સ અને માથે હેલ્મેટ. ક્રીમ શર્ટ અને નેવી બ્લુ જીન્સ. ગોપી સ્ટારબક્સની બહાર ઊભી હતી. જેવો શિવાંશ નજીક આવ્યો એ એને આશ્ચર્યથી જોઈ રહી. ‘અલ્યા તું તો બહુ હેન્ડસમ લાગે છે ને!’ ગોપીના રિમાર્ક પર શિવાંશ હસ્યો, ‘અરે યાર કોઈ છોકરી મને આમ કોફી શોપમાં પહેલી વાર મળવા આવી છે એટલે થયું કે વટ પાડીએ.’ ‘મને તો એમ કે તું મને ઘરે બોલાવીશ.’ ગોપી બોલી ત્યારે પહેલી વાર શિવાંશે એની સામે ધ્યાનથી જોયું.

સપ્રમાણ ઘઉંવર્ણો વાન, સપ્રમાણ ઊંચાઈ અને ઠીકઠાક નાક–નકશો. એમાં એણે સાડી પહેરી હતી. લાઈટ મેકઅપ કર્યો હતો, ખરેખર ગોપી સાડીમાં શોભતી હતી. ‘ઘરે તો લઈ જાઉં, પણ મમ્મી–પપ્પા બીજું કાંઈ સમજી લે તો? હું ચોત્રીસ વર્ષનો કુંવારો દીકરો છું.’ ‘હું ત્રીસ વર્ષની કુંવારી છું. તારાં મમ્મી–પપ્પા જે સમજે તે મને ગમશે!’
શિવાંશે આગળ વધીને ગોપીનો હાથ પકડી લીધો.

Most Popular

To Top