Comments

આપણા રાષ્ટ્રપતિઓ: આહથી વાહ સુધી

તા. ૧૮ મી જુલાઇએ આપણા દેશના ૧૫ મા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આપણા સંસદસભ્યો અને ધારાસભ્યો મતદાન કરશે ત્યારે પોતાના કાર્યકાળમાં ઊંડી છાપ છોડી જનારા અને નહીં છોડી જનારા આપણા રાષ્ટ્રપતિઓને યાદ કરવાનો સમય પાકી ગયો છે. તાત્કાલિક જેનાં નામ મગજમાં આવે છે તેમાં એ.પી.જે. અબ્દુલ કલામ, કે.આર. નારાયણન્‌, પ્રણવ મુખરજી, આર. વેંકટરામન, સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અને બે વાર મુદ્દત પૂરી કરી પદ શોભાવનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનું નામ આવે છે. ૧૯૫૦ થી ૧૯૬૨ સુધીના બાર વર્ષ દેશના પ્રથમ રાષ્ટ્રપતિપદે રહેનાર રાજેન્દ્રપ્રસાદ પોતાના મકકમ મનોબળ સાથે એક મજબૂત નેતા તરીકે અલગ તરી આવતા હતા. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે તેમને ઘણા મુદ્દાઓ પર મતભેદ પડતા, પણ તેઓ  પોતાના પદની મર્યાદામાં રહેતા હતા.

તેઓ માનતા કે સમાજમાં ધર્મ પણ એકસરખા મહત્ત્વનો છે તેથી સમાન નાગરિક ધારો હોવો જોઇએ, પણ નેહરુ માનતા કે હિંદુ બહુમતી સામે લઘુમતીઓને વધારાની સુરક્ષા આપવી જોઇએ. નેહરુ આધુનિક સમાજવાદની તરફેણ કરતા અને માનતા કે ધર્મ પ્રત્યેનું વલણ ભારતના પછાતપણા માટેનું મુખ્ય કારણ છે અને આઝાદી પછી ભારતે બલિદાન સહિત જાગૃતિ કેળવવી જોઇએ. દેશને મંદિરોને બદલે મોટા ઉદ્યોગો, આયોજીત નગરો, હોસ્પિટલો, શાળાઓ અને પ્રયોગ શાળાઓની જરૂર છે. પ્રસાદ પ્રગતિની તરફેણ કરતા હતા, પણ ભારતની કેન્દ્રવર્તી સંસ્કૃતિ અને લોકોની શ્રદ્ધાના ભોગે નહીં! તેઓ ધાર્મિક હતા. સરદાર વલ્લભભાઇ પટેલના વિચારો આ બે અભિગમોને જોડતા હતા.

૧૯૬૨ થી ૧૯૬૭ સુધી પદ પર રહેલા રાધાકૃષ્ણને પોતાની વિપ્રતાને બળે આ પદને મોભ્ભો આપ્યો હતો. પણ ૧૯૬૨ ના ચીન સાથેના યુદ્ધમાં ભારતનો ધબડકો થયા બાદ તે વખતના સંરક્ષણ મંત્રી વી.કે. કૃષ્ણમેનનને ઘરે બેસાડવા નહેરુને મજબૂર કર્યા હતા. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી રાષ્ટ્રપતિપદ શોભાવનાર એ.પી.જે. અબ્દુલ કલામ ‘પીપલ્સ પ્રેસિડન્ટ’ એટલે કે લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા હતા. સાદી જીવનશૈલીથી તેઓ લોકોમાં છવાઇ ગયા હતા અને ભારતના પરિવર્તન માટે નવી પેઢી માટે વિચારોના તણખા વેરી બાળકો અને ખાસ કરીને યુવાનોમાં  લોકપ્રિય થયા હતા. અન્ય રાષ્ટ્રપતિઓ સામાન્ય રીતે બહુમતીના નેતાને સરકાર રચવા આમંત્રણ આપી અગ્રેસર થયા હતા.

૧૯૯૭ થી ૨૦૦૨ સુધી રાષ્ટ્રપ્રમુખપદ પર રહેલા કે.આર. નારાયણન્‌ દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપ્રમુખ હતા. સરકાર રચવાનો દાવો કરનાર રાજકીય પક્ષના નેતાના સંખ્યાબળ માટે રાષ્ટ્રપતિએ કઇ રીતે સંતોષપ્રદ રીતે ખાતરી કરવી તેના પાયાના નિયમો તેમણે સ્થાપિત કર્યા હતા.  કોઇ પણ પક્ષ કે ચૂંટણી પહેલાંના ગઠબંધનને બહુમતી નહીં મળતાં વડા પ્રધાનની નિમણૂક અંગે તેમણે નવો ચીલો પાડયો હતો અને આગ્રહ રાખ્યો હતો કે લોકસભામાં બહુમતી મેળવવાની પોતાની ક્ષમતા વિશે કોઇ વ્યકિત સાથી પક્ષોના ટેકાના પત્રો દ્વારા રાષ્ટ્રપતિને ખાતરી કરાવે તો તેની વડા પ્રધાનપદે નિમણૂક કરી શકાય.

ત્રિશંકુ સંસદમાંથી વડા પ્રધાન નિમવાની દુવિધાનો સામનો કરનાર અગાઉના રાષ્ટ્રપ્રમુખો કરતાં કે.આર. નારાયણન્‌ આ રીતે જુદા પડતા હતા. આવા ત્રિશંકુ સંસદનો સામનો કરનારા રાષ્ટ્રપ્રમુખોમાં આર. વેંકટ રમણ (૧૯૮૭ થી ૧૯૯૨) અને શંકરદયાળ શર્મા (૧૯૯૨ થી ૧૯૯૭) નો સમાવેશ થાય છે. ૧૯૯૬ માં માત્ર તેર જ દિવસ ટકેલી સરકાર રચવા માટે અટલબિહારી વાજપેયીની સરકાર રચવા માટે નિમંત્રણ આપવા બદલ શંકરદયાળ શર્માની ટીકા થઇ હતી.

આર. વેંકટરમણ અને શર્મા બંનેએ ચૂંટણી પહેલાંનાં ગઠબંધનો તેમની પાસે જે બહુમતીનો દાવો કરે છે તેમના પીઠબળમાં એટલો ટેકો છે કે નહીં તે ચકાસ્યા બાદ સરકાર રચવાનું આમંત્રણ આપવાની રસમ અપનાવી હતી. રાજીવ ગાંધી, વી.પી. સિંહ, ચંદ્રશેખર અને પી.વી. નરસિંહરાવ એમ ચાર વડા પ્રધાનો સાથે કામ કરી ચૂકેલા આ આર. વેંકટરમણના ગઠબંધનના યુગમાં છૂટછાટભર્યા અભિગમમાં માનતા હતા.  કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હતું પણ તે એક સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે બહાર આવ્યો હતો. રાષ્ટ્રપતિ આર. વેંકટરમણ રાજકીય કટોકટીમાં કઇ રીતે કામ કરવું તેની રાજીવ ગાંધીને ઘણી વાર સલાહ આપતા અને તેઓ કોંગ્રેસની તરફેણ કરતા જણાતા હતા.

નારાયણન્‌ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા મિશનરી ગ્રેહામ સ્ટેઇન્સ અને તેમના બે સગીર દીકરાઓને જીવતા સળગાવી દેવાયા ત્યારે આક્રોશ વ્યકત કરવામાં આખાબોલા હતા અને ૨૦૦૨ નાં રમખાણોને સમાજ અને દેશની ગંભીર કટોકટી ગણાવતી વખતે શબ્દો ચોર્યા વગર વાત કરતા હતા. શ્રીલંકાના ત્રાસવાદી જૂથ લિબરેશન ટાઇગર્સ ઓફ તમિળ  ઇલમ સાથે કહેવાતા સંબંધો રાખવા બદલ ૧૯૯૧ માં તામિલનાડની દ્રવિડ મુનેત્ર કળગમ્‌ સરકારને વેંકટરમણે બરતરફ કરી હતી. તે વખતની કેન્દ્રની ચંદ્રશેખર સરકારની સલાહથી તેમણે આ મુદ્દાની ખાતરી થતાં રાજયપાલ બરનાલાના હેવાલની પણ રાહ જોઇ ન હતી.

૨૦૧૨ થી ૨૦૧૭ સુધી રાષ્ટ્રપતિ રહેનાર પ્રણવ મુખરજીએ મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં કામ કર્યું છે. મોદી કરતાં અલગ રાજકીય વિચારો ધરાવનાર પ્રણવે ૨૦૧૪ ની ચૂંટણીમાં મોદીને જંગી લોકાદેશ મળ્યા પછી તેમની સાથે સારા સંબંધ જાળવી રાખ્યા હતા અને મોદી પણ તેમની પાસેથી સલાહ સૂચનો મંગાવતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૦૧૮ ના નાગપુર કાર્યક્રમમાં હાજરી આપનાર પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર મુખરજી ટીકાને પાત્ર બન્યા હતા.  તેમણે આ સમારંભને ભારતની બહલતા, સહિષ્ણુતા અને સત્તાવિષ્ટીતા આત્મા તરીકે ગણાવી ધિકકાર અને અસહિષ્ણુતા સાથે ચેતવણી આપી હતી.

૨૦૦૭ થી ૨૦૧૨ સુધી રાષ્ટ્રપ્રમુખપદે રહેનાર પ્રતિભા પાટિલ દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખપદનું બિરુદ મેળવનાર બીજું કંઇ ખાસ ઉકાળી શકયાં ન હતાં. હા, સરકારી ખર્ચે પરિવાર અને મિત્રોને દેશવિદેશના પ્રવાસ કરાવ્યા હતા અને રાષ્ટ્રપ્રમુખ તરીકે મળેલી ૧૫૫ ભેટ રાષ્ટ્રપતિ ભવનને નિવૃત્તિ પછી પાછી આપવાની ફરજ પડી હતી.  ૧૯૮૨ થી ૧૯૮૭ સુધી રાષ્ટ્રપતિપદે રહેનાર જ્ઞાની ઝૈલસિંહ ઇંદિરા ગાંધીની આરતી ઉતારવા માટે જાણીતા હતા. સંસદે પસાર કરેલા ટપાલ ખાતા (સુધારા) ખરડાને મંજૂરી આપવાના મામલે તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી સામે કારણ વગર અથડામણમાં આવ્યા હતા. ૧૯૭૪ થી ૧૯૭૭ દરમ્યાન રાષ્ટ્ર પ્રમુખપદે રહેનાર ફખરુદ્દીન અલી અહમદે કટોકટીના હુકમ પર બતાવેલી જગ્યાએ સહી કરી દેશનો દાટ વાળ્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top