Gujarat

રાજ્યમાં જીવાદોરી સમાન નર્મદા નદીના તટ પ્રદેશમાં જ 281 ડેમ, પહેલો ડેમ જબલપુરમાં નિર્માણ પામ્યો હતો

અંકલેશ્વર: નર્મદા (Narmada) બેઝિનમાં મધ્યપ્રદેશમાં 264, ગુજરાતમાં 14, છત્તીસગઢમાં 2 અને મહારાષ્ટ્રમાં એક ડેમ (Dam) અમરકંટકથી અરબી સમુદ્ર સુધીની રેવાની 1312 KMની યાત્રામાં જળાશયોની શૃંખલા દેશમાં 1000થી વધુ નાના-મોટા ડેમ સાથે ગંગા નદી (Ganda) પહેલા અને 350 ડેમ-બેરેજ સાથે ગોદાવરી બીજા સ્થાને, ભાડભૂત બેરેજ 112 વર્ષે નર્મદા બેઝિનમાં ડેમ અને બેરેજમાં આખરી હશે.

  • નર્મદા નદી ક્ષેત્રમાં પહેલો ડેમ અંગ્રેજોના રાજમાં જબલપુરમાં 1912માં નિર્માણ પામ્યો હતો

ગુજરાતમાં 204 ડેમ આવેલા છે. જેની સામે રાજ્યની જીવાદોરી નર્મદા નદીના તટ પ્રદેશમાં જ 281 ડેમ નિર્માણ પામેલાં છે. છેલ્લું જળાશય અરબી સમુદ્રના સાગર સંગમ સ્થાને ભાડભૂત બેરેજના સ્વરૂપમાં આકાર લઈ રહ્યું છે. દેશમાં ગંગા નદી ઉપર સૌથી વધુ 1000 ડેમ આવેલા છે, જે બાદ ગોદાવરી 350 ડેમ સાથે બીજા સ્થાને અને નર્મદા ત્રીજા સ્થાને રહે છે.

અમરકંટકથી નીકળતી અને ભરૂચમાં અરબી સમુદ્રમાં ભળી જતી ગુજરાતની જીવાદોરીની 1312 કિલોમીટર લાંબી યાત્રામાં સિંચાઈ, પીવાના પાણી અને વીજળી માટે 281 જળાશયોની શૃંખલા રચવામાં આવી છે. નર્મદા નદી દેશમાં સૌથી લાંબી નદીમાં પાંચમા સ્થાને આવે છે. જેને દેશની એકમાત્ર જીવંત નદીનું પણ સન્માન મળ્યું છે. વિશ્વમાં આ માત્ર એક નદી છે. જેની પરિક્રમા થઈ શકે છે. વર્ષે અઢીથી ત્રણ લાખ લોકો વિવિધ રીતે નર્મદા પરિક્રમા કરે છે. નર્મદા બેઝિનમાં પહેલા ડેમનું નિર્માણ અંગ્રેજોના રાજમાં વર્ષ-1912માં જબલપુરમાં કરાયું હતું. દેશ અને વિશ્વમાં સૌથી મેરેથોન 52 વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈ ડેમનું નિર્માણ ચાલ્યું હોય તો તે સરદાર સરોવર નર્મદા ડેમ છે. જે ગ્રેવિટી કોંક્રીટની દૃષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે આવે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની પાણી, વીજળી અને સિંચાઈ માટે આ ડેમ ખરા અર્થમાં જીવાદોરીસમાન પુરવાર થઇ રહ્યો છે.

છેલ્લે નર્મદા ડેમ અનેક વિરોધ, વિઘ્ન બાદ 138.68 મીટરે પૂર્ણ થતાં 30 દરવાજા મૂકી 2017માં સંપૂર્ણ થયો હતો. નર્મદા નદી ઉપર આ છેલ્લો ડેમ હતો. જો કે, નીચાણવાસ ભરૂચમાં સમુદ્રનું નદીમાં વધતું અતિક્રમણ અને ખારાશની સમસ્યા સાથે અરબો, ખરબો લીટર વહી જતાં દરિયામાં નિરર્થક જળને અટકાવવા ભાડભૂત બેરેજ યોજનાને અમલી બનાવવાની ફરજ પડી હતી.

હાલ ભાડભૂત બેરેજનું કામ ચાલી રહ્યું છે. જે વર્ષ-2024માં પૂર્ણ કરવાની ડેડ લાઈન નક્કી કરાઈ છે. રૂપિયા 4167.69 કરોડના ખર્ચે આ 1648 મીટર લાંબો બેરેજ નિર્માણ પામતાં ભરૂચમાં હજારો ચોરસ મીટરમાં મીઠા પાણીનું સરોવર રચાશે. બેરેજમાં 90 દરવાજા, 6 લેન બ્રિજ બેરેજ ઉપર, બંને તરફ 20 કિલોમીટર લાંબા ફ્લડ પ્રોટેક્શન પાળા અને બંને તરફ સર્વિસ રોડ પ્રોજેક્ટમાં સમાવાયા છે. હાલ ₹242 કરોડનું 7 % સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ થયું છે. બેરેજની કામગીરી પાછળ ₹2416 કરોડ અને પૂર નિયંત્રણ પાછળ 1149 કરોડનો ખર્ચ આ પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે. ભાડભૂત બેરેજ પૂર્ણ થતાં નર્મદા ડેમથી ભાડભૂત સુધી 110 કિલોમીટરમાં નદીમાં મીઠા પાણીનું સરોવર રચાશે અને અરબી સમુદ્રનું આક્રમણ અટકી જશે.

Most Popular

To Top