SURAT

સુરતમાં કોકેઈનનું સૌથી મોટું સપ્લાય નેટવર્ક ધરાવતા રાંદેરના સાળા-બનેવી પકડાયા

સુરત (Surat): પોલીસથી બચવા માટે લક્ઝરીયસ કારમાં કોકેઇનની (Cocaine) હેરાફેરી કરનાર મુંબઇના દંપતિને પોલીસે પકડી પાડ્યા બાદ આ કોકેઇન મંગાવનાર સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા સાળા-બનેવીને પણ એસઓજીએ (SOG) પકડી (Arrest) પાડ્યા હતા. પોલીસે ચારેયને કોર્ટમાં રજૂ કરીને તમામના ચાર દિવસના રિમાન્ડ લીધા હતા.

  • 39 લાખનું કોકેઇન ખરીદનાર રાંદેરના સાળો-બનેવી પોલીસ સંકજામાં
  • પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • ડ્રગ્સ મોકલનાર મુંબઇના નાઇઝીરીયન યુવકને પકડવા પોલીસે સ્પેશ્યલ ટીમ બનાવી

પ્રાપ્ત વિગતો મુજબ સુરત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ રાજેશ સૂવેરા અને પીએસઆઇ વિક્રમ જાડેજાની ટીમે નિઓલ ચેકપોસ્ટ પાસેથી ફોર્ચ્યુનર કારમાં ઇબ્રાહીમ હુસૈન ઓડીયા (ઉ.વ. 51) અને તેની પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા (બંને રહે. 2704, બિસ્મીલ્લાલ હાઇટ્સ, તૈલી મહોલ્લો, મુંબઇ, મહારાષ્ટ્ર અને મૂળ. લંગાવાડનો ઢાળીયો, રણજીત રોડ, જામનગર)ને ઝડપી પાડી કારની તલાશી લેતા તેમાંથી 39.100 ગ્રામ કોકેઇન કિંમત રૂ. 39.10 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ કોકેઇનનો જથ્થો સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ફહાદ સઇદ શેખ (રહે. રાંદેર પાંચબત્તી પાસે, ચુનારવાડ ગલીમાં) અને તેના સાળા સાહીદ અલ્તાફ સૈયદ (રહે.રાંદેર આમલીપુરા, હજીરા મસ્જીદ, માલમ એપાર્ટમેન્ટ)ને આપવાના હોવાની વાત મળી હતી. જેના કારણે એસઓજીની ટીમે પોતાનો એક માણસ તૈયાર કરીને આ બંને પાસે મોકલાવ્યા હતા અને છટકુ ગોઠવીને બંને સાળા-બનેવીને પકડી પાડ્યા હતા.

આ તમામની સામે પૂણા પોલીસમાં નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો અને પૂણા પોલીસને સોંપવામાં આવ્યા હતા. પૂણા પોલીસે ચારેયને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચારેયના તા. 1મી જૂલાઇ એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. પોલીસની તપાસમાં કોકેઇનનો વેપાર કરતી ટોળકીની સાથે નાઇઝીરીયન ગેંગ સંકળાયેલી હોવાની શક્યતા છે. આ ઉપરાંત તેઓ મની ટ્રાન્સફર મારફતે વિદેશમાં રૂપિયા મોકલતા હોવાનું પણ તપાસમાં બહાર આવતા પોલીસે હવાલા કૌભાંડને લઇને પણ તપાસ શરૂ કરી છે.

કોકેઇન સપ્લાય કરવાનો મુખ્ય સૂત્રધાર ઇસ્માઇલ
પોલીસના જણાવ્યા પ્રમાણે કોકેઇન સપ્લાય કરવાનો મુખ્ય સૂત્રધાર ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ગુર્જર છે. તેનું સુરતમાં મોટુ નેટવર્ક હોવાનું પણ કહેવાય છે. હાલમાં એસઓજીએ પકડી પાડેલો ફહાદ અને ઇસ્માઇલ ગુર્જર સાઢુભાઇ છે અને તેઓ સુરતના મોટાભાગના વિસ્તારોમાં કોકેઇન સપ્લાઇ કરતા હતા. હાલ તો પોલીસે ફહાદ અને તેના બનેવી સાહીદની ધરપકડ કરી છે, ત્યાં હવે પોલીસે ઇસ્માઇલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઇસ્માઇલ પકડાઇ ગયા બાદ કોકેઇનનું મોટુ રેકેટ બહાર આવે તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી છે.

કોકેઇન મોકલનાર નાઇઝીરીયન મુંબઇના પામબી બીચ ઉપર મેડિકલ પાસે મળશે : ઓડિયા દંપતિની કબૂલાત
પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા ઓડિયા દંપતિએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, આ કોકેઇનનો માલ તેઓને મુંબઇના વાશી પામબી બીચ ઉપર મેડીકલ સ્ટોર પાસેથી નાઇઝીરીયન દેશના નાગરીકે આપ્યો હતો, અને તે સુરતમાં આપવા માટે આવ્યા હતા. નાઇઝીરીયન યુવક મુંબઇમાં જ મેડીકલ સ્ટોર પાસે મળી આવશે. પોલીસે આ માહિતીને આધારે નાઇઝીરીયન યુવકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ઓડિયા દંપતિને એક ગ્રામ ઉપર 2500 કમિશન મળતું હતું
પોલીસના જણાવ્યા પ્રમાણે ઓડિયા દંપતિને કોકેઇનની હેરાફેરી કરવામાં એક ગ્રામ ઉપર 2500 જેટલું કમિશન મળતુ હતુ. હાલમાં જે 39 ગ્રામ કોકેઇન પોલીસે પકડ્યું છે, તેમાં ઓડિયા દંપતિને રૂા.1 લાખ જેટલું કમિશન મળવાનું હતું. ઓડિયા દંપતિએ અગાઉ એમડી ડ્રગ્સની પણ હેરાફેરી કરી હતી. એમડી ડ્રગ્સને સુરતમાં લાવવા માટે તેઓને એક ગ્રામ ઉપર 600 થી 800 રૂપિયા મળતા હતા. ભૂતકાળમાં આ દંપતિએ પોલીસ નહીં પકડે તે માટે ફોર્ચ્યુનર કારમાં ત્રણથી ચાર વાર એમડી અને કોકેઇનને સુરત પહોંચાડ્યું હોવાની પણ વિગતો છે.

પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ

  • નાઇઝીરીયન યુવકની ધરપકડ કરવા માટે આરોપીઓની હાજરીની જરૂર છે
  • આરોપીઓના કોલ-રેકોડીંગ તપાસ કરીને અન્ય આરોપીઓને પકડવાના બાકી છે
  • અન્ય આરોપીઓ પુરાવાનો નાશ કરી શકે તેવી શક્યતા હોય, હાલના ચારેય આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરીને મુખ્ય સપ્લાયરોને પકડવાના છે
  • ડ્રગ્સની ડિલીવરી બાદ આરોપીઓ ઓનલાઇન મની ટ્રાન્સફર માટે રૂપિયા વિદેશમાં મોકલતા હતા, એટલે મની ટ્રાન્સફરવાળાની પુછપરછ કરવાની છે
  • અન્ય કોઇની સંડોવણી છે કે નહી..? તેની તપાસ કરવાની છે
  • ડ્રગ્સના ધંધામાં ઇન્ટરનેશનલ રેકેટની સંડોવણી છે કે કેમ..? તેની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે
  • સીડીઆર રિપોર્ટને આધારે પુછપરછ કરવાની છે અને બીજા કોઇ સંડોવાયા છે કે નહી..? તેની તપાસ કરવાની છે.

Most Popular

To Top