Editorial

અરૂણાચલમાં ચીનના ઉધામા વધી રહ્યા છે

તાજેતરમાં દેશના એક અગ્રણી મીડિયા ગૃહ દ્વારા એવા અહેવાલ આપવામાં આવ્યા કે ચીને આપણા અરૂણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી નાખ્યું છે. આ અહેવાલથી ખળભળાટ મચી ગયો. ભારત સરકારે પણ આ અહેવાલને રદીયો નથી આપ્યો પણ સાવધાનીભર્યો પ્રતિસાદ આપતા માત્ર એટલુ કહ્યું કે ભારત તેના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા દરેક પગલાં ભરે છે!

આના પરથી આ અહેવાલ સાચો જણાય છે અને આ અહેવાલ અંગે નફ્ફટાઇભર્યો જવાબ આપતા ચીને કહ્યું કે અરૂણાચલ તો અમારો જ પ્રદેશ છે તેમાં અમારે જે કરવું હોય તે કરીએ!ચીન-ભારત સરહદના પૂર્વ સેકટર અથવા ઝાંગનાના પ્રદેશ(દક્ષિણ તિબેટ) અંગે ચીનની સ્થિતિ સાતત્યપૂર્ણ અને સ્પષ્ટ છે.

અમે ક્યારેય તથાકથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી જે ચીનના પ્રદેશ પર ગેરકાયદે રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે એક મીડિયા બ્રિફિંગમાં એક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ એ દક્ષિત તિબેટનો ભાગ છે જ્યારે ભારતનો સતત અભિગમ એ છે કે આ ઉત્તરપૂર્વીય રાજ્ય તેનો એક અખંડ અને અવિભાજ્ય ભાગ છે.

હુઆએ કહ્યું હતું કે ચીનની વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિઓ પોતાના જ પ્રદેશમાં થાય તે સામાન્ય બાબત છે. આ બાબત વાંધા વિરોધથી પર છે કારણ કે તે અમારો પ્રદેશ છે. પોતાના વિસ્તારમાં ચીનનું સામાન્ય બાંધકામ એ સમગ્રપણે સાર્વભૌમત્વની બાબત છે એમ તેમને કહેતા ચીની વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર ટાંકવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એક અહેવાલમાં એનડીટીવી ન્યૂઝ ચેનલે અરૂણાચલ પ્રદેશન એક વિસ્તારની બે તસવીરો દર્શાવી હતી જે અંગે તેણે જણાવ્યું હતું કે ચીને દ્વારા ત્યાં એક નવું ગામ સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે લગભગ ૧૦૧ ઘરો ધરાવે છે. આ ચેનલના જણાવ્યા પ્રમાણે પ્રથમ તસવીર ૨૬ ઓગસ્ટ, ૨૦૧૯ની છે જેમાં કોઇ માનવ વસવાટ જણાતો નથી જ્યારે બીજી તસવીર નવેમ્બર, ૨૦૨૦ની છે જેમાં બાંધકામોની આખી હરોળ ઉભી થઇ ગયેલી જણાય છે.

આ અહેવાલ અંગે સાવધાનીભર્યો પ્રતિભાવ આપતા ભારતે સોમવારે જણાવ્યું હતું કે તે દેશની સુરક્ષા પર અસર કરતી તમામ ઘટનાઓ પર નજર રાખે છે અને પોતાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાના રક્ષણ માટે જરૂરી તમામ પગલા ભરે છે. આ બાબત આઘાત જનક છે. ચીનના આક્રમક અભિગમની સામે ભારત સરકારે હાલ તો અરૂણાચલ પ્રદેશમાં નરમ વલણ અપનાવ્યું છે તે સ્પષ્ટ જણાઇ આવે છે.

આ હેવાલો વચ્ચે વળી એવા પણ અહેવાલો આવ્યા છે કે ભારત-ચીન સરહદી વિવાદની વચ્ચે હવે ચીન લડાખ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં જાસૂસી કરી રહ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ એલએસીને અડીને આવેલા આ રાજ્યોમાં ચીનની જાસૂસી ગતિવિધિઓની માહિતી ભારતની ગુપ્તચર એજન્સીઓને મળી છે. આ બધા જ અહેવાલો સૂચવે છે કે ચીન ફક્ત લડાખમાં જ નહીં પણ અરૂણાચલ અને સિક્કિમમાં પણ ઉધામા વધારી રહ્યું છે.

અલવિદા લેરી કિંગ

જેણે વિશ્વના અનેક મોટા નેતાઓ, ફિલ્મ સ્ટારો અને સામાન્ય લોકોના પણ ઇન્ટરવ્યુઓ લીધા હતા, જે ઇન્ટરવ્યુઓ અનેક ચેનલો પર પ્રસારિત થયા હતા અને અડધી સદી જેટલા સમય માટે જેણે અમેરિકાના જાહેર સંવાદને ઘાટ આપ્યો હતો તે લેરી કિંગનું ૮૭ વર્ષની વયે શનિવારે અવસાન થયું. તેઓ બ્રોડકાસ્ટિંગમાં ખરા અર્થમાં કિંગ હતા.

લોસ એન્જેલસના સેડાર્સ-સીનાઇ મેડિકલ સેન્ટર ખાતે કિંગનું અવસાન થયું હતું એમ ઓરા મીડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું જે મીડિયાની સ્થાપના અન્યો સાથે મળીને લેરી કિંગે કરી હતી. તેમના મૃત્યુનું કોઇ કારણ અપાયું ન હતું પણ સીએનએન દ્વારા એવો અહેવાલ આપવામાં આવ્યો હતો કે બીજી જાન્યુઆરીથી તેમને કોવિડ-૧૯ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ લાંબા સમય સુધી નેશનલી સિન્ડીકેટેડ રેડિયો હોસ્ટ રહ્યા હતા. તેઓ ૧૯૮પથી ૨૦૧૦ સુધી સીએનએનના રાત્રિના કાર્યક્રમો સંભાળતા હતા. તેમણે અનેક મહાનુભાવોની મુલાકાતો લીધી હતી અને રાજકીય  તથા અન્ય મુદ્દાલક્ષી ચર્ચાઓ યોજી હતી. ઇન્ટરવ્યુને રસપ્રદ બનાવવાની તેમનામાં ગજબની આવડત હતી.

તેમણે પ૦૦૦૦ જેટલા ઓન એર ઇન્ટરવ્યુઓ હાથ ધર્યા હતા. ૧૯૯પમાં તો તેમણે મધ્યપૂર્વ શાંતિ શિખર મંત્રણાની અધ્યક્ષતા પણ સંભાળી હતી જે મંત્રણા પીએલઓના અધ્યક્ષ યાસર અરાફત, જોર્ડનના રાજા હુસેન અને ઇઝરાયેલના ત્યારના વડાપ્રધાન યિત્ઝાક રેબીન વચ્ચે થઇ હતી.

તેમના જીવન સાથે બ્રોડકાસ્ટિંગમાં જાણે એક યુગની સમાપ્તિ થઇ છે. એક પત્રકાર, પ્રેઝન્ટેટર એક આંતરરાષ્ટ્રીય કક્ષાની અને ખૂબ અગત્યની સમિટની અધ્યક્ષતા સંભાળે તે ખૂબ મહત્વની વાત કહેવાય અને આ માટે લેરીએ પોતાની કાબેલિયત પુરવાર કરી બતાવી હતી. અલવિદા લેરી કિંગ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top