World

ફરી ફેલાયો ઈબોલાનો ખતરો, કોંગોમાં 65 લોકોના મોતથી હાહાકાર,100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

આફ્રિકી દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં ફરી એકવાર ઘાતક ઈબોલા વાયરસે માથું ઊંચકતાં આરોગ્ય તંત્રમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ઈબોલા વાયરસના કારણે ઓછામાં ઓછા 65 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે સેંકડો લોકો સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતા કેસોને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. રિપોર્ટ અનુસાર, હાલ સુધીમાં ઈબોલાના કુલ 246 સંભવિત કેસ નોંધાયા છે. જેમાંથી ટેસ્ટ કરાયેલા 20 લોકોમાં 13 લોકો ઈબોલા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 100થી વધુ સંદિગ્ધ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સમયસર નિયંત્રણ નહીં કરવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઈબોલા વાયરસ દુનિયાના સૌથી ખતરનાક વાયરસોમાંથી એક માનવામાં આવે છે. આ વાયરસ શરીરના પ્રવાહી, સંક્રમિત વ્યક્તિના સંપર્ક અથવા ચેપગ્રસ્ત વસ્તુઓ દ્વારા ઝડપથી ફેલાઈ શકે છે. કેટલાક કેસોમાં શ્વાસ દ્વારા પણ ચેપ ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે.

કોંગો માટે આ કોઈ નવી સમસ્યા નથી. વર્ષ 2018થી 2020 દરમિયાન પણ દેશમાં ઈબોલાનો ભયંકર પ્રકોપ ફાટી નીકળ્યો હતો. તે સમયગાળા દરમિયાન હજારો લોકોનાં મોત થયા હતાં અને સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું હતું. ઈબોલાના કારણે વિશ્વભરમાં પણ હજારો લોકોના જીવ ગયા છે, જેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાઓ આ વાયરસને ખૂબ જ ગંભીરતાથી લે છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે. સંક્રમિત દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફને ખાસ સુરક્ષા સાધનો સાથે કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈબોલાના શરૂઆતના લક્ષણોમાં તાવ, થાક, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શરીરમાં પીડા અને બાદમાં આંતરિક રક્તસ્ત્રાવ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. સમયસર સારવાર ન મળે તો આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા, સ્વચ્છતા જાળવવા અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે જેથી વાયરસ અન્ય દેશોમાં ન ફેલાય. ઈબોલાના વધતા કેસોએ ફરી એકવાર દુનિયાને ચેતવણી આપી છે કે ઘાતક વાયરસો સામે સતત સાવચેત રહેવું કેટલું જરૂરી છે.

Most Popular

To Top