Gujarat

એક તરફ ભારે ગરમી, બીજી તરફ વહેલા ચોમાસાની આગાહી, ભવિષ્યમાં જીવવું અઘરૂં થશે

હાલમાં દેશમાં એવી સ્થિતિ છે કે એક તરફ જ્યારે દક્ષિણ ભારતમાં ચોમાસાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઉત્તર ભારતમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે 111 લોકોના મોત થયા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ એક એવી ભયાનકતાનું પ્રતિબિંબ છે જે ‘ક્લાઈમેટ ચેન્જ’ ને કારણે પેદા થઈ રહી છે.યુપીમાં વાવાઝોડામાં પવનોની ગતિ એટલી તેજ હતી કે લોકો ટીન-શેડ સાથે 50-50 ફૂટ સુધી હવામાં ફંગોળાયા હતા. જેમાં 20 હજાર ગામોમાં વીજળી ગુલ થવી અને મોટા પાયે મકાનો ધરાશાયી થવા એ સાબિત કરે છે કે આપણું ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ કુદરતી હોનારતો સામે ટકી રહેવા સક્ષમ નથી. દેશનો મોટો ભાગ અત્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રનું અકોલામાં 45.9°C , રાજસ્થાનનું ફલોદી 45.2°C અને ગુજરાતનું ભાવનગર 45.2°C જેવા શહેરો રેકોર્ડબ્રેક ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, હવે રાહત એ છે કે ચોમાસું આ વખતે વહેલું આવવાની આગાહીઓ થઈ રહી છે.

ભારતીય ઉપખંડ માટે ચોમાસું એ માત્ર એક ઋતુ નથી, પણ કરોડો લોકોની આશા, અર્થતંત્રનો આધાર અને જીવનચક્રની ધરી છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું 26 મેના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દેશે. સામાન્ય રીતે 1 જૂને શરૂ થતું ચોમાસું આ વખતે નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવી રહ્યું છે. ગયા વર્ષે પણ તે 8 દિવસ વહેલું એટલે કે 24 મેના રોજ પહોંચ્યું હતું. સતત બીજા વર્ષે ચોમાસાનું આ વહેલું આગમન કૃષિ અને અર્થતંત્ર માટે આશાસ્પદ લાગે છે, પરંતુ તેની પાછળ રહેલા પર્યાવરણીય સંકેતો અને ઉત્તર ભારતમાં વાવાઝોડાને કારણે થયેલી જાનહાનિ ચિંતાનો વિષય છે. ભારતની જીડીપીમાં ખેતીનો હિસ્સો નોંધપાત્ર છે અને હજુ પણ દેશનો મોટો ખેડૂત વર્ગ સિંચાઈ માટે આકાશ તરફ મીટ માંડીને બેઠો હોય છે. ચોમાસું વહેલું આવવાનો અર્થ છે કે ખરીફ પાકની વાવણી વહેલી થઈ શકશે. સાથે સાથે ઉનાળાના પ્રકોપને કારણે અત્યારે દેશના મોટાભાગના ડેમોમાં પાણીનું સ્તર નીચે ગયું છે. વહેલો વરસાદ જળસંકટને દૂર કરવામાં મદદરૂપ થશે.જો વરસાદ સાર્વત્રિક અને પૂરતો રહે તો અનાજ અને શાકભાજીના ભાવમાં ઘટાડો થશે, જે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે.

ચોમાસું વહેલું આવવાની આગાહી પછી સરકારી તંત્રએ યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. જેમાં શહેરોમાં ગટર સફાઈ અને રસ્તાના કામો વહેલા પૂરા કરવા પડશે જેથી જળબંબાકારની સ્થિતિ ન સર્જાય. એક તરફ હીટવેવથી હીટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ વરસાદી રોગચાળો દસ્તક દેશે. હોસ્પિટલોમાં બેવડી સજ્જતા અનિવાર્ય છે. વહેલું ચોમાસું એ પ્રકૃતિનો સંકેત છે કે તેણે તેનું ટાઈમ-ટેબલ બદલ્યું છે. યુપીમાં થયેલી 111 જાનહાનિ એ પાઠ છે કે આપણે કુદરતને હળવાશથી ન લેવી જોઈએ. વિકાસની દોડમાં પર્યાવરણના ભોગે કરેલું કોઈપણ કામ અંતે માનવજાત માટે વિનાશક સાબિત થાય છે. વહેલા વરસાદથી ધરતી તૃપ્ત થશે અને ખેડૂતોને રાહત મળશે, પણ આ રાહત લાંબી ટકાવવા માટે આપણે પૃથ્વીના રક્ષણ માટે મક્કમ ડગલાં ભરવા પડશે. ચોમાસું હોય તો જ વિશ્વમાં સજીવો જીવી શકે તેવી સ્થિતિ છે. હાલની ભારે ગરમી અને બાદમાં ચોમાસું વહેલું આવવાની સ્થિતિ ક્લાયમેટ ચેન્જનો જ ભાગ છે. સરકારે એ સમજવું પડશે કે ગરમીમાં ઘટાડો કરી શકાય તેવા પગલાઓ લેવા પડશે. ગરમીનો સામનો કરવા માટે વધી રહેલા એસી ગરમીમાં વધારો જ કરે છે. સરકાર સમજશે નહીં તો આગામી દિવસોમાં ગરમીનો પારો વધુને વધુ ઉંચે જતો રહેશે. જે ભવિષ્યમાં માનવજીવ માટે સહન કરવો પણ અઘરો રહેશે તે નક્કી છે.

Most Popular

To Top