બે હોસ્પિટલે શ્રમિકને મૃત જાહેર કર્યો; સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરના માણસો સ્થળ છોડી ભાગ્યા, સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ?
વડોદરા,: શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી વચ્ચે શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના અકોટાથી દાંડિયા બજારને જોડતા મુખ્ય રસ્તા પર રાત્રિ દરમિયાન ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી, તે સમયે એક મજૂરને અચાનક જોરદાર વીજ કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને શ્રમિક આલમમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, રાત્રિના સમયે જ્યારે ડ્રેનેજનું ખોદકામ અને રીપેરીંગનું કામ પ્રગતિમાં હતું, ત્યારે એક શ્રમિક ડ્રેનેજના વાલ્વ પાસે કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કરંટ લાગવાને કારણે તે બેભાન થઈને અંદર જ ફસાઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર અન્ય સાથી શ્રમિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે નજીકમાં આવેલી વિઠ્ઠલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, ત્યાંના ફરજ પરના તબીબોએ શ્રમિકને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
ત્યારબાદ શ્રમિકના મૃતદેહને અક્ષર ચોક પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પણ તબીબોએ તેને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત બાદ સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યારે ઘટનાની વિગતો મેળવવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સાઇટના સુપરવાઈઝર અને અન્ય જવાબદારો સવાલોથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા. વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે માહિતી આપવામાં આવી નથી.
આ ઘટનાને પગલે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? રાત્રિના સમયે જોખમી કામગીરી કરતી વખતે શ્રમિકોને પૂરતા સુરક્ષાના સાધનો કેમ આપવામાં આવ્યા નહોતા? અને આ બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ દ્વારા કોઈ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? હાલમાં શ્રમિકના મોત પાછળની ચોક્કસ વિગતો અને બેદરકારીની તપાસ પોલીસ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.