ટીવી અને ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી સંચિતા ઉગલેનું નિધન થતાં તેમના પરિવાર, મિત્રો, સહકલાકારો અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી સંચિતા ઉગલે પોતાના માતા-પિતા સાથે રહેતી હતી અને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેલિવિઝન તેમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંચિતાનો મૃતદેહ તેમના નિવાસસ્થાને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.
એક પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવાર તરફથી હાલ કોઈ વ્યક્તિ સામે શંકા વ્યક્ત કરવામાં આવી નથી. સંચિતાના પિતાએ પણ કોઈને જવાબદાર ઠેરવ્યો નથી. અધિકારીઓનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાનો એક મહત્વનો પાસો એ છે કે સંચિતા પોતાના નિધન પહેલાં પણ સોશિયલ મીડિયા પર સક્રિય હતી. તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી થોડા કલાકો પહેલાં જ એક રીલ શેર કરવામાં આવી હતી. આ વીડિયોમાં તેઓ એક ગીત પર લિપસિંક અને ડાન્સ કરતી જોવા મળી હતી. આ પોસ્ટ બાદ તેમના નિધનના સમાચાર સામે આવતા ચાહકોમાં આશ્ચર્ય અને દુઃખ બંનેની લાગણી જોવા મળી રહી છે. હાલમાં તેમની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ચાહકો અને સહકલાકારો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
સંચિતા ઉગલે ટેલિવિઝન જગતમાં એક જાણીતું નામ હતી. તેમણે ‘કુમકુમ ભાગ્ય’માં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું. આ ઉપરાંત ‘વાગલે કી દુનિયા’માં ભજવેલા તેમના પાત્રને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકપ્રિય શો ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. ટેલિવિઝન ઉપરાંત સંચિતાએ ફિલ્મોમાં પણ પોતાની હાજરી નોંધાવી હતી. ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’માં તેમણે તારાબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના જેવા જાણીતા કલાકારો પણ જોવા મળ્યા હતા. ઉપરાંત તેઓ મનોજ બાજપેયી અભિનિત ‘સાયલન્સ 2: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ’ જેવી ફિલ્મનો પણ ભાગ રહી ચૂકી હતી.
મનોરંજન ક્ષેત્રમાં સતત આગળ વધી રહેલી સંચિતાના અચાનક નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર અનેક કલાકારો, ચાહકો અને નજીકના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. ઘણા લોકોએ તેમને મહેનતુ, ખુશમિજાજ અને પ્રતિભાશાળી કલાકાર તરીકે યાદ કર્યા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલુ છે અને સત્તાવાર રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. સંચિતા ઉગલેના નિધનથી મનોરંજન જગતે એક ઉભરતી પ્રતિભા ગુમાવી છે, જ્યારે તેમના ચાહકો માટે આ સમાચાર હજુ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે.