ગાંધીનગર સચિવાલયમાં મહિલા IAS અધિકારીઓના નામોની જોરદાર ચર્ચા
ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આગામી મુખ્ય સચિવ (Chief Secretary) કોણ બનશે તેને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ ડિસેમ્બર 2026માં નિવૃત્ત થવાના હોવાથી હવે ગાંધીનગર સચિવાલયમાં નવા ચહેરાને લઈને અટકળો તેજ બની છે. ખાસ કરીને આ વખતે ગુજરાતને મહિલા મુખ્ય સચિવ મળી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
માહિતી મુજબ, ગુજરાત કેડરના 1991 બેચની બે વરિષ્ઠ મહિલા IAS અધિકારીઓના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમાં પ્રથમ નામ છે જયંતી રવિનું, જે હાલમાં રાજ્યના રેવન્યુ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. તેઓ ઓગસ્ટ 2027 સુધી સેવા આપશે, તેમને લાંબો વહીવટી અનુભવ અને સ્થિર કાર્યકાળનો લાભ મળી શકે છે. સાથે જ બીજું મહત્વનું નામ છે અંજુ શર્માનું. તેઓ હાલમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. અંજુ શર્મા જુલાઈ 2029 સુધી સેવા આપવાના હોવાથી તેમની વરિષ્ઠતા અને લાંબી ઉપલબ્ધતા તેમને મજબૂત દાવેદાર બનાવે છે. રાજ્યના પ્રશાસનિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે સરકાર અનુભવી અને વિશ્વાસપાત્ર અધિકારીને ટોચની જવાબદારી સોંપવા માંગે છે.
આ સિવાય પણ અનેક મહિલા IAS અધિકારીઓના નામ ચર્ચામાં છે. 1995 બેચની વત્સલા વસુદેવા અને ડી. થારા તેમજ 1996 બેચની મોના ખંધાર પણ સિનિયોરિટી ક્રમમાં આગળ ગણાય છે. જોકે હાલમાં મુખ્ય દાવેદારી જયંતી રવિ અને અંજુ શર્મા વચ્ચે જ માનવામાં આવી રહી છે. સચિવાલયના સૂત્રો અનુસાર, 1990 બેચના વરિષ્ઠ IAS અધિકારીઓ સી.વી. સોમ અને અરુણ સોલંકીના નામો પણ એક સમયે ચર્ચામાં હતા, પરંતુ હાલ તેઓ સરકારના “ગુડ બૂક્સ”માં નથી એવી અંદરની ચર્ચાઓ ચાલી રહી છે. આ પરિસ્થિતિએ મહિલા અધિકારીઓની સંભાવનાઓ વધુ મજબૂત બનાવી છે.
હાલના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ઓક્ટોબર 2025માં પંકજ જોશીની નિવૃત્તિ બાદ પદ સંભાળ્યું હતું. તેઓ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે અને સુરત સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં સેવા આપી ચૂક્યા છે. તેમની વહીવટી શૈલી અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સને પ્રોત્સાહન આપવાની નીતિ ચર્ચામાં રહી છે. રાજ્ય સરકારમાં આગામી મહિનાઓમાં વધુ એક મોટા IAS ફેરબદલની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં 72 IAS અધિકારીઓની બદલી બાદ હવે મ્યુનિસિપલ કમિશનર, વિભાગીય વડા અને બોર્ડ-કોર્પોરેશનમાં કાર્યરત અધિકારીઓમાં ફેરફાર થવાની ચર્ચા છે. ખાસ કરીને જે અધિકારીઓ લાંબા સમયથી એક જ જગ્યાએ છે, તેમના વિભાગોમાં બદલાવ શક્ય માનવામાં આવે છે.
આ ઉપરાંત રાજ્ય પોલીસ વિભાગમાં પણ મોટાપાયે ફેરબદલ થવાની શક્યતા છે. શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિકારીઓની કામગીરીની સમીક્ષા ચાલી રહી હોવાનું કહેવાય છે. કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સરકાર અનુભવી અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. તેમજ સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, આગામી મુખ્ય સચિવની પસંદગી માત્ર સિનિયોરિટીથી નહીં પરંતુ સરકાર સાથેનું સંકલન, પ્રશાસનિક અનુભવ, નિર્ણયક્ષમતા અને વિશ્વાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થશે. તેથી આગામી મહિનાઓમાં ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.