Comments

સાચો રસ્તો નવા શૈક્ષણિક સત્રને નિયમિત કરવું તે છે

રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે સેમેસ્ટરના વર્ગખંડ શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મકરસંક્રાંતિ પછી કોરોના સંક્રમણ વધ્યું નથી પરિણામે ચિંતા ટળી છે. બીજી તરફ વેકિસનેશનની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. એટલે પ્રજાને માનસિક રાહત થવા લાગી છે.

હવે આ બધાની વચ્ચે સમાચાર છે કે સરકાર ફેબ્રુઆરીથી ક્રમશ: અન્ય વર્ગ પણ શરૂ કરશે અને એપ્રિલ સુધીમાં તમામ વર્ગો શરૂ થશે. મતલબ કે પહેલા ધોરણથી કોલેજ સુધી બધુ જ વર્ગખંડ શિક્ષણ એપ્રિલમાં થશે. પછી મે મહિનામાં પરિક્ષા થશે. સ્વાભાવિક રીતે જ વેકેશન ટુંકાવીને જૂનમાં પણ પરિક્ષાઓ યોજીને જુલાઇ કે ઓગસ્ટથી નવુ સત્ર શરૂ કરવાનો ઇરાદો છે.

સરકારનો શિક્ષણ વિભાગ આમ તો એમ કહે છે કે અમે શિક્ષણવિદો સાથે ચર્ચા કરીને નિર્ણય કરીએ છીએ પણ તેમના નિર્ણયો જોતા એવું લાગતું નથી. પણ આપણે વાદ-વિવાદ કે ટીકા-ટીપ્પણીમાં પડયા વગર કહીએ તો કોરોના ક્રમશ: ઘટી રહયો છે પણ તે સાવ જ નાબૂદ નથી થયો. વિદેશોમાં જે કોરોનાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તે આપણે ત્યાં હજી દેખાયું નથી.

કારણ કે ડિસેમ્બર અંતથી આપણે વિદેશ યાત્રાઓ પર વિમાન આવા-ગમન પર પ્રતિબંધ રાખ્યો છે. હજુ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થઇ નથી. શકય છે ફેબ્રુ. મધ્ય અને માર્ચમાં તે શરૂ થાય. ટુંકમાં આપણે સાચવવાનું તો છે જ! અને માટે સાવચેતી તે જ સલામતીની રીતે જોતા સરકારશ્રીએ પ્રાથમિકથી ધોરણ આઠ સુધીના વર્ગખંડ શિક્ષણને શરૂ કરવું હિતાવહ નથી.

ધોરણ નવથી ધોરણ બાર અને કોલેજ કક્ષાએ તમામ વર્ગો ભલે શરૂ થાય પણ આ શૈક્ષિણક સત્ર પૂરતુ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા જેવું નથી. બાળકોના આવાગમનથી માંડીને, મોઢે માસ્ક, નાસ્તા, પાણી અને ખાસ તો બાળકોને એક બીજાથી દૂર રાખવા ખૂબ અઘરા પડે.

વળી આપણી સરકાર ગમે તેટલા કડક પગલા ભરે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને લાવવા લઇ જવાની સ્કુલ રીક્ષા આપણે સૌએ જોઇ છે! આ ચિત્ર બદલાવાનું નથી માટે સરકાર મહેરબાની કરીને નાના બાળકો માટે શાળા ખોલવાનો નિર્ણય ન કરે.

અધિકારીઓ સલાહ આપે તો પણ નેતાઓ ન માને તે સૌના હિતમાં હશે! બાકી ગુજરાતના મોટા શહેરોમાં ઉંચી ફીથી ચાલતી ફાઇવસ્ટાર અંગ્રેજી માધ્યમની શાળાઓના સંચાલકો તો માને જ છે કે આ બધુ જલદી શરૂ થિ જાય તો સારૂ એમને શિક્ષણ ફી સિવાયની અનેક ફી ઉઘરાવવાની તક મળે!

સરકાર સતત એમ કહે છે કે શિક્ષણ બગડવું ન જોઇએ. આ વાત સારી છે પણ અહીં શિક્ષણ બગડવાનો અર્થ માત્ર શિક્ષણના દિવસો બગડવા એટલો ન કરવો એમા પણ સરકારી ચોપડે સત્રના દિવસો વધારીને કે ચાલુ બતાવીને સંતોષ ન લેવો. વેકેશન ઘટાડી દેવામાં આવશે. આ વાત આ ‘દિવસો’ના ગણિત પુરા કરવા પુરતી જ છે! અને સરકારના વેકેશનને શિક્ષકો સાથે જ લેવાદેવા છે.

વિદ્યાર્થીઓ માટે આવવું આમ પણ સ્વૈચ્છિક જ છે. હવે શિક્ષકો તો આઠમી જૂનથી શાળાએ જાય જ છે! મૂળ વાત વેકેશન કાપવા કરતા ઉનાળાના તાપમાં, મે મહિનામાં પરિક્ષાઓ યોજી શકાય નહિં તેની છે. જો શિક્ષણનું ખરેખર હિત જોતા હોઇએ તો આ બગડેલા વરસને સાંધા મારવા કરતા નવા શૈક્ષિણક સત્રને સમયસર ચાલુ કરી આવનારા શિક્ષણને વધુ નિયમિત બનાવવું જોઇએ! જે થયું તે નથી થયું થવાનું નથી.

માનવ જીવનમાં આયોજન અને સંચાલનનો નિયમ છે કે માણસે કાબુ બહારના પરિબળોને કાબુમાં લાવવા શકિત વેડફવાને બદલે કાબુમા હોય તેવા પરિબળોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવવા જોઇએ! કોરોનાને કારણે આ વર્ષ બગડયું છે તેમાં લીપા પોતી કરવાને બદલે સંજોગો સામાન્ય થતા જાય તો નવુ વરસ નિયમિત શરૂ કરવું જોઇએ અને આ માટે આ વરસને લંબાવીને પરિક્ષાઓ મોડી કરીને આવનારા વરસને ડિસ્ટર્બ કરવાનો અર્થ નથી!

આપણે કાગળ ઉપર શિક્ષણના દિવસો પુરા થયેલા બતાવવાની જરૂર નથી. આ કાગળ લખનાર પણ આપણે જ છીએ અને જોનાર પણ આપણે જ! સીધો અને સરળ રસ્તો છે કે ધોરણ આઠ સુધી વર્ગખંડ શિક્ષણ શરૂ કરવું નહીં! તેમને ગૃહ કાર્ય દ્વારા પરિક્ષા લઇ આગળના વર્ષમાં લઇ જવા. નવમાથી બારમા સુધીનાને એપ્રિલ સુધી ભણાવી પરિક્ષાઓ લેવી હોય તો લઇને જૂનથી નિયમિત શિક્ષણ શરૂ કરવું!

આજ રીતે કોલેજ કક્ષાએ પણ એપ્રિલ-મેમા પરિક્ષા યોજી નાનુ કે મોટુ વેકેશન યોજી જૂન મધ્યમાં કે જુલાઇ પ્રથમ સપ્તાહમાં કોલેજો નિયમીત શરૂ કરી દેવી. જો આ વરસને લંબાવી આવનારા વર્ષને મોડું ચાલુ કરે શિક્ષણ સત્રને ધક્કો મારવાની નીતિ રાખશો તો આવતા ત્રણ વર્ષ સુધી શૈક્ષણિક સત્રો નિયમિત નહિ થઇ શકે! સંસ્કૃતમાં કહેવાયું છે કે ડાહયો માણસ ઘર બળે ત્યારે અડધુ બચતુ હોય તો તે બચાવા પ્રયત્ન કરે છે જે બળી ગયું છે તેનીપાછળ રોવા નથી બેસતો.

          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top