SURAT

શાકભાજી વેચી ગુજરાન ચલાવતા સોની પરિવારનો તેજસ્વી દિકરો હવે મુંબઈ IITમાં ટોપ કરવા તત્પર

સુરત: ભીમરાડ રોડ પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરા દિપકએ સ્વબળે જેઈઈ ક્રેક કરી મુંબઈ આઈઆઈટીમાં પ્રવેશ મેળવતાં જ તેના સપનાઓએ ઉડાન ભરી હતી પરંતુ ઉડાન ભરવા પાંખો ક્યાં? મુંબઈની પ્રતિષ્ઠિત આઈઆઈટીમાં પ્રવેશ મેળવવો એ કોઈ સામાન્ય વાત નહીં હતી પરંતુ ભણવાનો ખર્ચ ક્યાંથી લાવવો…સાવ સામાન્ય પરિવાર માટે આ વ્યવસ્થા કરવાનું શક્ય જ ન હતું. દિપકના સપનું તૂટી રહ્યું હતું અને નાણાંની વ્યવસ્થાના વિચારથી પરિવાર સખત તનાવમાં આવી ચૂક્યો હતો પરંતુ ‘જેના માથે સરસ્વતીનો હાથ એના હાથમાં લક્ષ્મીજીનો વાસ’ આ કહેવત ક્યારેય ખોટી પડી નથી. શહેરના જીએસટી એડિ. કમિશનર અને એક ઉદ્યોગપતિ જાણે તેની કારર્કિદીમાં પ્રકાશ પાથરવા આવ્યા હોય તેમ સોની પરિવારની વ્હારે આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષ 2023માં JEE મેઈન્સમાં 99.86 પર્સન્ટાઈલ સાથે જનરલ કેટેગરીમાં ઓલઇન્ડિયા 1680મો ક્રમ હાંસલ કરનાર અને હાલમાં JEE એડવાન્સમાં 1571મો ક્રમ મેળવનાર સુરતના એક વિદ્યાર્થીને મુંબઈ IITમાં પ્રવેશ માટે અડચણ રૂપ બનેલી આર્થિક ભીંસ સુરતી દાતાઓ દૂર કરી માનવતાનું ઉદાહરણ બન્યા છે. રાષ્ટ્રીયસ્તરની પ્રવેશ કાર્યવાહી બાદ દિપકને IIT મુંબઈમાં મિકેનિકલ બેચમાં પ્રવેશ મળી રહ્યો હતો. જોકે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પોતાના તેજસ્વી કેરિયર સાથે સંઘર્ષ કરતા દિપકને દાતાના સ્વરૂપમાં રોશની મળી જતા પરિવાર ખુશીથી ઉછળી પડ્યો છે. GST એડી. કમિશનર અને ઉદ્યોગપતિએ દિપક સોનીને અભ્યાસમાં જરૂરી લેપટોપની ભેટ સાથે તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી આર્થિક પિતા બન્યાં છે.

સુરત ખરેખર દાનવીરોની ભૂમિ છે, અમે દાતાઓનો આભાર માનીએ એટલો ઓછો છે: સોની પરિવાર


દિપકના પરિવારે જણાવ્યું હતું કે આજદિન સુધી સાંભળતા હતા કે સુરત દાનવીર કર્ણની ભૂમિ છે. અહીંયા અનેક દાતાઓ છે. આ વાક્યને મારા દીકરાના અભ્યાસની ફ્રી ની જવાબદારી ઉપાડનાર આર્થિક દાતા GST કમિશનર ઘનશ્યામભાઈ સોની અને પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગપતિ બુધિયાજીએ સાર્થક કરી બતાવી છે. અમારું પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનું છે રોજગારીની શોધમાં સુરત આવ્યું હતું. હાલમાં પાંડેસરા સ્થિત મહાદેવ નગરમાં પ્લોટ નંબર 481માં એક રૂમ રસોડામાં ભાડાના મકાનમાં રહીએ છીએ દિપકને ચાર ભાઈ-બહેનો છે. અમારા દિકરાએ કરિયરમાં હંમેશા સંઘર્ષ જ કર્યો છે. દિપક સિવિલ સર્વિસમાં જઈને લોકોની સેવા કરી શકાય એ માટે IAS બનવાની પણ તૈયારી બતાવી છે. વર્ષોથી સવારે પાંચ વાગ્યે ઊઠીને તે અભ્યાસ કરતો હતો, તેની મહેનત અને લગનનું ફળ તેને મળ્યું છે.

ફેસબુક પર પ્રતિભાશાળી દિપકની પોસ્ટ વાંચી અને…
ઘનશ્યામ સોની (IRS એડિશનલ કમિશનર CGST) એ જણાવ્યું હતું કે, મેં મારા facebook પર દિપક સોની નામના વિદ્યાર્થીની પોસ્ટ વાંચી હતી. દિપકે IIT – JEE ની પરીક્ષામાં ઓલઇન્ડિયા 1571 રેન્ક મેળવી IIT મુંબઈમાં મિકેનીકલ બેચમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેના પિતા સુરતના અલથાણમાં આવેલા ભીમરાડ ખાતે રોડ ઉપર પથારી પાથરી શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતા. બસ આ પ્રતિભાશાળી દીકરાને મદદ કરવાનું નક્કી કરી નાંખ્યું. તેની પોસ્ટ મિત્રોમાં પણ શેર કરી અને જે વાંચી સુરતના ઉદ્યોગપતિ શાવરજી બુદિયા અને અનેક દાનવીરો તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા સામે આવ્યા હતા.

માત્ર મોબાઈલમાં અભ્યાસ કરી IITમાં પ્રવેશ મેળવ્યો એવા દીકરાંની મદદ કરવી મારા માટે ગૌરવની વાત છે
શાવર્જી બુદિયાજી (સાકેદ ગ્રુપ સ્ટીમ હાઉસ) એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માધ્યમથી દિપક વિશે માહિતી મળી હતી. તે પોતાના પરિવાર સાથે પાંડેસરામાં એક નાનકડી ખોલીમાં રહે છે. IIT-મુંબઈમાં પ્રવેશ મળી ગયો હતો પરંતુ આટલી ફી લાવવી કયાંથી તે જાણ્યું. તુરંત જ તેને મદદ કરવાનું નક્કી કર્યું. દિપક અને દિપકના પિતાનો સંપર્ક કરી તેમની સાથે વાતચીત કરી ફી ભરવાની બાંહેધરી આપતા તેમની આંખોમાં છલકાઈ આવેલા ખુશીના આંસુ જોઈ મારું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું હતું. દિપકે મોબાઇલ ફોનમાં જ અભ્યાસ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે તે જાણીને મન ભરાઈ આવ્યું હતું, તેના માટે તત્કાળ લેપટોપની પણ વ્યવસ્થા કરી આપતા પરિવાર ગદગદ થઈ ગયો હતો. આવા તો કદાચ કેટલાય બાળકો હશે જેઓને અભ્યાસમાં રુચિ હશે અને પ્રતિભાશાળી પરિણામ હાંસલ કરતા હશે પણ આર્થિક નબળી સ્થિતિના કારણે એમનું ભવિષ્ય અંધકારમય ન થાય તે માટે સમાજના દાનવીરોએ આગળ આવી મદદ કરવી જોઈએ. અને હું તો કરીશ એ જ મારો સંદેશો છે.

Most Popular

To Top