Comments

અયોધ્યા રામ મંદિરના ઉદ્‌ઘાટન પર્વના રાજકીય, સાંસ્કૃતિક સંકેતો સમજો તો ઘણા છે

અયોધ્યા રામ મંદિરના ઉદ્‌ઘાટન પર્વની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાથી વધુ તો ઉત્સાહનો અનુભવ થઇ રહ્યો છે. સૌથી વધુ ઉત્સાહ ભારતીય જનતા પક્ષ અને કેન્દ્ર સરકારમાં છે, જેનું નેતૃત્વ વડા પ્રધાન મોદી કરે છે. 1990માં ભાજપે આ આંદોલનને રાષ્ટ્રવ્યાપક બનાવેલું. ભારત દેશે પ્રજાસત્તાક શાસન પ્રણાલી અપનાવી ત્યારથી બિનસાંપ્રદાયિકતાનું મહત્ત્વ અપનાવાયું હતું. દેશ આઝાદ થયો ત્યારે વિભાજનની વાસ્તવિકતા પણ સામે આવી અને ભારતની સાથે પાકિસ્તાન પણ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું.

ભાગલાના ઘા પ્રચંડ હતા અને હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે જે વિભાજક રેખા હતી તે સ્પષ્ટ થઇ હતી. આ ઘા રુઝવવાના હેતુથી બિનસાંપ્રદાયિકતા અપનાવવામાં રાજકીય ઔચિત્ય હતું પરંતુ દરેક શાસન પ્રણાલીમાં અમુક સમય પછી મર્યાદા ઉપસી આવતી હોય છે. કોંગ્રેસના શાસકોએ બિનસાંપ્રદાયિકતાને મતપેટીના વ્યૂહાત્મક રાજકારણમાં ફેરવી નાંખી. દેશ સ્વતંત્ર થયા પછી અમુક પ્રકારના શાસન અને વ્યવસ્થાની જરૂર હતી પણ સમય જતાં તેની મર્યાદાઓ લોકોને કનડવા માંડી અને ધીમે ધીમે ભારતીય જનતા પક્ષનો ઉદય થયો.

આ પક્ષના ઉદય વખતે દેશમાં કોંગ્રેસ સિવાય બીજા ‘રાષ્ટ્રીય’ તરીકે ઓળખાવતા પક્ષો હતા છતાં ભાજપ સતત મોટો થતો ગયો. આ ભાજપને મોટો કરવામાં રામ મંદિરનું આંદોલન બહુ જ મહત્ત્વનું છે. 1660માં ઔરંગઝેબ વડે નિયુકત ફિલાયી ખાને અયોધ્યાના રામ મંદિરને તોડેલું અને 1885માં અવધના નવાબ વાજિદ અલી શાહના શાસન દરમ્યાન ત્યાં પ્રથમ વાર સાંપ્રદાયિક હિંસા ભડકેલી. એનો અર્થ એ હતો કે હિન્દુ પ્રજા પોતાના સ્વાભાવિક સાંસ્કૃતિક વારસા વિશે જાગી ઊઠી હતી. ભાજપના રામ મંદિર આંદોલને સમગ્ર દેશમાં એક સાંસ્કૃતિક પુનર્જાગરણનું કામ કર્યું એ નક્કી છે. એ પુનર્જાગરણ કેટલું રાજકીય હેતુનું બની ગયું તે જુદો મુદ્દો છે.

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ખૂલનારા મંદિર માટે કેન્દ્ર સરકારે બહુ વ્યાપક પ્રભાવી આયોજન કર્યું છે. સહુ માને છે કે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી અને મોદી તેના વડા પ્રધાન છે એટલે જ અયોધ્યામાં મંદિર શકય બન્યું છે. એક લાંબી અદાલતી પ્રક્રિયા સ્પષ્ટ નિર્ણય તરફ ગઇ અને દેશનાં મુસ્લિમોએ પણ તે વખતના ચુકાદા સામે કોઇ ઉહાપોહ જન્માવે તેવી પ્રતિક્રિયા ન આપી. આનો અર્થ એ થતો કે સાતેક સદીના મુસ્લિમ આક્રમક શાસકોએ હિન્દુ પ્રજા સામે જે અન્યાય કર્યા હતા તેનો તેમણે ઐતિહાસિક સ્વીકાર કર્યો.

‘મંદિર વહીં બનાયેંગે’ સૂત્ર પરિણામ સુધી ગયું. એ તો સ્પષ્ટ છે કે કોંગ્રેસના શાસનમાં આવા પ્રકારનો ચુકાદો શકય ન હતો. તેઓ દંભી બિનસાંપ્રદાયિકતાને જાળવી રાખવા જ ઇચ્છે. વડા પ્રધાન મોદીએ અયોધ્યા મંદિર શકય બનાવ્યું અને એ જ રીતે કાશ્મીરમાં 370મી કલમ હટાવી. આ બંનેનું અલગ અલગ મહત્ત્વ છે પણ તેનાથી ભારતીય નાગરિકોએ શાસન પરિવર્તન કેવું હોઈ શકે તેનો અનુભવ કર્યો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સાંસ્કૃતિક પ્રતીકાત્મકતા સાથે પણ જોડવું જોઇએ કારણ કે અયોધ્યાની સમાંતર દેશનાં અનેક મંદિરો, તીર્થસ્થળોને આ દરમ્યાન નવાં રૂપો અપાયાં છે, પુનરોધ્ધાર થયો છે.

અલબત્ત, જાગૃત નાગરિકોનો એક વર્ગ હંમેશા સવાલ કરે છે કે દેશમાં જેને વિકાસ કહો તેના સમાંતર કામો થાય છે ખરાં? આનો ઉત્તર એ હોઈ શકે કે ભાજપ વડે દેશમાં વ્યાપક પરિવર્તનના આ પ્રથમ તબક્કાઓ છે અને આવનારાં 5-10 વર્ષમાં તેનાં પરિણામો વધુ સારી રીતે જોઇ શકાશે. હા, વર્તમાન કેન્દ્ર સરકારે બહુ બોલકી છે અને વિકાસના દેખાડાઓ પણ ઘણા કરે છે. વડા પ્રધાનની શૈલીમાં નિરંતરપણે પ્રચારાત્મકતા હોય છે એટલે સાચી-ખોટી વિગતો તો આવતી જ રહેવાની. પણ જે કામ થાય છે તેનો પણ સ્વીકાર થવો ઘટે.

જો એમ કહેવાતું હોય કે લોકો અયોધ્યાના રામ મંદિર નિર્માણના કારણે જ આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને ફરી ચૂંટશે તો તેમ કહેવું અર્ધસત્ય છે. દેશનાં ઘણાં રાજયો રામ મંદિર નિર્માણ સિવાયના મુદ્દાઓ આધારે કેન્દ્ર સરકારના શાસનને વિચારે છે. આપણા મતદાતા એકદમ મેચ્યોર છે એવું તો નહીં કહીએ અને તેમની પર ધર્મ ભાવના હંમેશા પ્રભાવી રહી છે તે પણ સ્વીકારીએ. પણ એ જ તો તેની ભાવનાત્મક ઓળખ છે એટલે તેના વિના ‘ભારતવાસી’ તરીકે કેમ ઓળખવું? દરેક દેશની એક સાંસ્કૃતિક પરંપરા હોય છે અને ભારત તો એક પુરાતન વારસો ધરાવે છે એટલે અહીં રામચેતના, કૃષ્ણચેતનાનો પ્રભાવ તો રહેવાનો જ! બસ, શાસકો આ લોકચેતના સાથે રમત ન રમે તે જરૂરી છે.

22મીના અયોધ્યા રામ મંદિરના ઉદ્‌ઘાટન પર્વને પડોશી દેશો, વિશેષ કરીને પાકિસ્તાનમાં કેવી રીતે જોવાશે તેની કેટલાંક લોકો ચિંતા કરશે. જો કે આ તેમનો મામલો જ નથી. ભારત દેશની આંતરિક ઘટના વિશે તેમની પ્રતિક્રિયા આવે તો તે બિનજરૂરી અને નિરર્થક છે પણ સાતસો વર્ષ સુધીના મુસ્લિમ શાસનની એક પ્રતિક્રિયા રૂપે ભારત પાકિસ્તાન સર્જાયાં હતાં, તો આ રામ મંદિર ઘટના પણ કોઇક રીતે એ રાજકીય સમય સાથે જ જોડાયેલી છે.

હા, આમ કરવામાં જ બંધારણની ભૂમિકાથી અલગ થોડા સાંપ્રદાયિક જણાશું એ ખરું. પણ ભાજપ આરએસએસ બંધારણની સ્થાપિત પરંપરામાં પોતાને જે ખોટું લાગે તેનો પ્રતિકાર કરી રહ્યા છે. આ એક પરિવર્તક સમય છે અને તે સામાજિક, સાંસ્કૃતિકની સાથે રાજકીય પરિવર્તનનો બની રહ્યો છે.

નાગરિકોનો સ્વાભાવિક વિવેક તેને માન્યતા આપતો હોય તો તે લાંબા સમયના પરિવર્તનમાં સ્થાયી બનશે. બાકી દેશના ઘણા બધા પ્રશ્નોનો સામનો આ સરકારે કરવાનો છે. માત્ર ભાવુકતાના રાજકારણથી દેશ ટકી ન શકે. વર્તમાન સરકારમાં પરિવર્તનનો ઉત્સાહ તો છે, પણ સાથે ઉન્માદ પણ છે. તે વધુ બેલેન્સ થશે તો દેશની એક નવી ડિઝાઇન આવનારી પેઢી અનુભવશે. બાકી, 22મી જાન્યુઆરીના દિવસનું મહત્ત્વ અનેકઘણું છે. જેઓ ભારતના રાજકીય, સામાજિક ઇતિહાસને જાણતા હશે તેને મન આ મહત્ત્વ વધારે મોટું જણાશે.

બાકી, આ ઉદ્‌ઘાટન સમારોહમાં અડવાણી-મુરલી મનોહર જોષી કેમ અપેક્ષિત નથી તેવું વિચારનારાએ સમજવું જોઇએ કે મોદી ગૌરવ વિભાજનમાં માનતા નથી. નવા સંસદભવનનું ઉદ્‌ઘાટન રાષ્ટ્રપતિ નહીં પોતે જ કરશે એ વલણ જ અહીં કામ કરે છે. અયોધ્યા મંદિરના મુખ્ય આંદોલક અને દ્રષ્ટા તો અડવાણી, વાજપેયી, મુરલી મનોહર જોષી જ હતા, પરંતુ મોદી એવું સ્થાપવા માંગે છે કે આ મંદિર તો ભાજપના બહુમતિ શાસન વડે જ શકય બન્યું છે અને તેમાં નિર્ણાયક ભૂમિકા પણ મોદીની જ રહી છે. આ સાચું પણ છે, પરંતુ રામ મંદિર આંદોલનના પૂર્વાર્ધને છેદી ન શકાય. મોદી હોય તો છેદે. આ અવિવેક પણ છે પરંતુ શાસનની એક રીત પણ છે. બધા પ્રકારનાં સત્યો એક સાથે ચાલી નથી શકતાં.
-બકુલ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top