Vadodara

કઠલાલમાં હોસ્પિટલના ટેરેસ પરની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો

નડિયાદ, તા.3
કઠલાલની એક ખાનગી હોસ્પિટલના ટેરેસ પર પાણીની ટાંકીમાંથી અઢી વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અંગે પોલીસને જાણ થતા કઠલાલ પોલીસે આ અંગે તપાસ આદરી છે. બાળકની ઓળખ થઈ ગઈ છે, પરંતુ કેવી રીતે ઘટના બની છે, તે અંગે તપાસ ચાલી રહી છે, તેમજ પ્રાથમિક તપાસમાં બાળકો રમતા હોય, તે દરમિયાન બનાવ બન્યો હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.
કઠલાલના બજારમાં એક ખાનગી હોસ્પિટલના ટેરેસ પર મૂકેલી પાણીની ટાંકીમાંથી બુધવારે ભારે દુર્ગંધ આવતી હોય ડોક્ટર દ્વારા તપાસ કરતા ટાંકીમાં એક અઢી વર્ષીય બાળકનો મૃતદેહ નજરે પડ્યો હતો. ડોક્ટરે આ અંગેની જાણ કઠલાલ પોલીસને કરી હતી. જેથી કઠલાલ પોલીસે ઘટના સ્થળે જઈ પાણીની ટાંકીમાંથી અઢી વર્ષીય બાળકની લાશ બહાર કાઢી છે અને તેની ઓળખ કરી છે.
પોલીસસૂત્રો વર્તૃળોમાથી મળતી માહિતી મુજબ બે દિવસથી આ અઢી વર્ષનો બાળક લાપતા હોવાની માહિતી પોલીસમાં હોય પોલીસે આ ગુમ થયેલ બાળકના વાલીને બોલાવીને લાશ બતાવતા તેમણે આ લાશ ઓળખી નાખી હતી.
જ્યારે આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતુ કે, કઠલાલ પ્રોપરમાં શ્રમજીવી પરિવારનો આ બાળક રહે છે. બાળકો રમતા હોય ત્યારે આ ઘટના બની હોવાની શક્યતા હોય પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં એક 11 વર્ષીય બાળકનું આ કારસ્તાન હોવાની પણ માહિતી અમને મળી છે પણ આ માહિતીની ખરાઈ કરવા કામે પોલીસ લાગી છે. આ લખાય છે ત્યારે પોલીસે જીણવટ ભરી માહિતી મેળવવા વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, બાળ હોય તેમના નામો તેમજ વિગતો સેન્સિટીવમાં સામેલ થતી હોય વધુ માહિતી આપવા માટે પોલીસે ઇનકાર કર્યો હતો.
આ બનાવને લઇ સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હાલ આ મામલે પોલીસે ખાસ કોઇ કડી મળી નથી. પરંતુ મામલો હત્યાનો છે કે પછી અકસ્માત તે અંગે અનેક વાતો ચર્ચાઇ રહી છે. આ મામલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

Most Popular

To Top