Columns

કિંગ ચાર્લ્સ ઇમાનદાર હોય તો તેમણે કોહિનૂર હીરો ભારતને પાછો આપવો જોઈએ

બ્રિટીશરોએ ભારતમાં લગભગ ૧૫૦ વર્ષ રાજ કર્યું તે દરમિયાન ખર્વો રૂપિયાની સંપત્તિઓ ભારતમાંથી લૂંટીને એક વખતના સમૃદ્ધ દેશને કંગાળ બનાવતા ગયા હતા. બ્રિટીશરો દ્વારા ભારતમાંથી જે કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી તેમાં કોહિનૂર હીરો અને છત્રપતિ શિવાજી મહારાજની ભવાની તલવારનો પણ સમાવેશ થાય છે. એક વખત મોગલ દરબારની શાન ગણાતો કોહિનૂર હીરો આજે બ્રિટીશ મ્યુઝિયમની શોભા વધારી રહ્યો છે પણ દરેક ભારતીયના દિલમાં આ વાત ખૂંચી રહી છે કે ભારતથી ચોરીથી લઈ જવાયેલો કોહિનૂર બ્રિટનમાં રહેલો છે. તાજેતરમાં ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે જો તેઓ બ્રિટનના રાજા ચાર્લ્સ સાથે રૂબરૂ વાત કરશે તો તેઓ તેમને કોહિનૂર પરત કરવા કહેશે. રાજા ચાર્લ્સ અને મામદાની મળ્યા, પરંતુ તેમણે કોહિનૂર બાબતમાં કોઈ ચર્ચા કરી કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ મમદાનીના નિવેદન પછી કોહિનૂર વિશે ફરી એક વાર ચર્ચા શરૂ થઈ છે. ગોલકોંડાની ખાણથી નાદિર શાહ સુધી અને ત્યાંથી બ્રિટિશ મ્યુઝિયમ સુધી પહોંચેલા કોહિનૂર હીરાની સફર રસપ્રદ અને રોમાંચક છે.

દક્ષિણ ભારતમાં આવેલી ગોલકોંડાની ખાણમાંથી નીકળેલા કોહિનૂર હીરા વિશે એવું કહેવાય છે કે તે દક્ષિણ ભારતીય મંદિરમાં મૂર્તિની આંખના સ્થાન પર જડવામાં આવ્યો હતો. કોહિનૂર હીરો એક મરઘીનાં ઈંડાં જેટલો હતો અને એવું કહેવામાં આવતું હતું કે જો તેને વેચવામાં આવે તો તે આખી દુનિયાને અઢી દિવસ સુધી ખવડાવી શકે છે. તુર્કોએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે કોહિનૂર હીરો મંદિરમાંથી ચોરી લીધો હતો. કોહિનૂરનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ૧૭૫૦ માં પર્શિયન ઇતિહાસકાર મોહમ્મદ મારવીના નાદિર શાહ આક્રમણના વર્ણનમાં જોવા મળે છે.

મોહમ્મદ મારવી લખે છે કે તેણે પોતે કોહિનૂર  જોયો હતો. તેને મયૂરાસનના ઉપરના ભાગમાં જડવામાં આવ્યો હતો. મોગલો દ્વારા મયૂરાસનના નિર્માણમાં તાજમહાલના નિર્માણ કરતાં બમણો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેને નાદિર શાહ દિલ્હીથી લૂંટીને ઈરાન લઈ ગયો હતો. નાદિર શાહે ઇ.સ. ૧૭૩૯માં તેના ૧,૫૦,૦૦૦ સૈનિકો સાથે કરનાલ નજીક મુઘલ સમ્રાટ મુહમ્મદ શાહ રંગીલાની ૧૦ લાખની સેનાને હરાવી હતી. દિલ્હી પર કબજો જમાવ્યો હતો. દિલ્હી પહોંચ્યા પછી નાદિર શાહે એક એવો હત્યાકાંડ આચર્યો જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.

નાદિર શાહના ચાલીસ હજાર સૈનિકો દિલ્હીમાં પ્રવેશતાં જ અનાજના ભાવો આસમાને પહોંચી ગયા હતા. જ્યારે નાદિર શાહના સૈનિકોએ સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની અને દુકાનદારો વચ્ચે અથડામણ થઈ અને લોકોએ સૈનિકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. બપોર સુધીમાં નવસો પર્શિયન સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર બાદ નાદિર શાહે દિલ્હીની વસતીનો નરસંહાર કરવાનો આદેશ આપ્યો. સવારે નવ વાગ્યે હત્યાકાંડ શરૂ થયો. લાલ કિલ્લો, જામા મસ્જિદ, દરીબા અને ચાંદની ચોકની આસપાસ કુલ ત્રીસ હજાર લોકો માર્યા ગયાં હતાં.

મુઘલ સમ્રાટ મોહમ્મદ શાહનો સેનાપતિ નિઝામુલ મુલ્ક નાદિર શાહ સમક્ષ પાઘડી વગર ગયો હતો. તેના હાથ તેની પીઠ પાછળ તેની પાઘડીથી બાંધેલા હતા. તે નાદિર શાહની સામે ઘૂંટણિયે પડ્યો અને તેણે દિલ્હીનાં લોકો કરતાં તેના પર બદલો લેવા કહ્યું હતું. નાદિર શાહે દિલ્હી છોડતાં પહેલાં તેને સો કરોડ રૂપિયા ચૂકવવાની શરતે હત્યાકાંડ બંધ કર્યો હતો. આગામી થોડા દિવસોમાં નિઝામુલ મુલ્કે પોતાની રાજધાનીનાં શ્રીમંતોને લૂંટીને નાદિર શાહને સો કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા. ૩૪૮ વર્ષોમાં મુઘલો દ્વારા એકઠી કરેલી સંપત્તિ નાદિર શાહની મિલકત બની ગઈ હતી.

મુઘલ દરબારની નૃત્યાંગના નૂરબાઈએ નાદિર શાહને જાણ કરી કે મુહમ્મદ શાહે કોહિનૂર નામના હીરાને તેની પાઘડીમાં છુપાવી દીધો છે. આ સાંભળીને નાદિર શાહે મુહમ્મદ શાહને કહ્યું કે  ચાલો આપણે મિત્રતાના નાતે આપણી પાઘડીઓ બદલીએ. આ રીતે નાદિર શાહના હાથમાં કોહિનૂર હીરો આવ્યો હતો. જ્યારે તેણે પહેલી વાર હીરાને જોયો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નાદિર શાહે તેનું નામ કોહિનૂર રાખ્યું, જેનો અર્થ ફારસીમાં પ્રકાશનો પર્વત થાય છે.

દિલ્હીમાં ૫૭ દિવસના રોકાણ પછી, નાદિર શાહ ૧૬ મે, ૧૭૩૯ ના રોજ પોતાના દેશ માટે રવાના થયો હતો. તે પેઢી દર પેઢી એકઠા કરેલી બધી મુઘલ સંપત્તિને પોતાની સાથે લઈ ગયો હતો. તેની સૌથી મોટી લૂંટ કોહિનૂર અને તૈમુરના માણેકથી જડિત મયૂરાસન હતી. લૂંટાયેલો બધો ખજાનો ૭૦૦ હાથી, ૪૦૦ ઊંટ અને ૧૭,૦૦૦ ઘોડા પર લાદીને ઈરાન મોકલવામાં આવ્યો હતો. જ્યારે આખી સેના ચેનાબ નદીનો પુલ પાર કરી રહી હતી, ત્યારે દરેક સૈનિકની શોધખોળ કરવામાં આવી. ઘણા સૈનિકોએ તેમના હીરા અને ઝવેરાત જપ્ત થઈ જવાના ડરથી તેમને જમીનમાં દાટી દીધા હતા. કેટલાકે તો તેમને પાછા મેળવવાની આશામાં નદીના પટમાં ફેંકી દીધા હતા.

નાદિર શાહનો કોહિનૂર પરનો કબજો પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તેની હત્યા પછી આ હીરો તેના અફઘાન અંગરક્ષક અહમદ શાહ અબ્દાલીના કબજામાં આવ્યો હતો અને વિવિધ હાથમાંથી પસાર થયા પછી તે ૧૮૧૩માં મહારાજા રણજીતસિંહ સુધી પહોંચ્યો હતો. મહારાજા રણજીતસિંહ દિવાળી, દશેરા અને અન્ય મુખ્ય તહેવારો પર કોહિનૂર પોતાના હાથમાં રાખતા હતા. જ્યારે પણ કોઈ બ્રિટિશ અધિકારી તેમના દરબારમાં આવતા ત્યારે તેમને આ હીરો ખાસ બતાવવામાં આવતો હતો.

જ્યારે પણ તેઓ મુલતાન, પેશાવર કે અન્ય શહેરોમાં પ્રવાસ પર જતા ત્યારે કોહિનૂર તેમની સાથે રહેતો હતો. ૧૮૩૯માં રણજીતસિંહનું અવસાન થયું. ૧૮૪૩માં પાંચ વર્ષના દુલીપ સિંહને પંજાબના રાજા બનાવવામાં આવ્યા. બીજા એંગ્લો-શીખ યુદ્ધમાં બ્રિટિશરોના વિજય બાદ તેમનું રાજ્ય અંગ્રેજોએ કબજે કર્યું અને કોહિનૂર હીરો લૂંટી લીધો હતો. દુલીપ સિંહને તેમની માતાથી અલગ કરીને એક અંગ્રેજ દંપતી સાથે રહેવા માટે ફતેહગઢ કિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. લોર્ડ ડેલહાઉસી કોહિનૂર લેવા માટે જાતે લાહોર આવ્યો હતો. હીરાને તિજોરીમાંથી કાઢીને ડેલહાઉસીના હાથમાં મૂકવામાં આવ્યો તે સમયે તેનું વજન ૧૯૦.૩ કેરેટ હતું.

લોર્ડ ડેલહાઉસીએ કોહિનૂરને મેડિયા જહાજ દ્વારા રાણી વિક્ટોરિયાને મોકલવાનું નક્કી કર્યું. મેડિયા જહાજ ઈંગ્લેન્ડ જવા રવાના થયાના બે અઠવાડિયાં સુધી કોઈ સમસ્યા નહોતી, પરંતુ પછી કેટલાંક લોકો બીમાર પડ્યાં હતાં અને જહાજમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. કોલેરાના રોગચાળાથી ખૂબ જ અસરગ્રસ્ત થયેલાં ક્રૂ સભ્યો પ્રાર્થના કરતા રહ્યા કે તેઓ કોઈક રીતે ઇંગ્લેન્ડ પહોંચી શકે. રસ્તામાં તેઓ એક મોટા તોફાનનો સામનો કરી રહ્યા હતા, જેનાથી મેડીયા જહાજ લગભગ બે ભાગમાં તૂટી ગયું હતું. જ્યારે તેઓ ઇંગ્લેન્ડ પહોંચ્યા ત્યારે જ તેમને ખબર પડી કે તેઓ કોહિનૂર લઈ જઈ રહ્યા છે અને કદાચ આ જ કારણ હતું કે તેઓએ આટલું બધું સહન કર્યું હતું. કોહિનૂર હીરો લંડન પહોંચ્યો તેનાં ત્રણ વર્ષ પછી તેને ક્રિસ્ટલ પેલેસમાં બ્રિટિશ જનતા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

રાણી વિક્ટોરિયાના મૃત્યુ પછી પણ તેના પુત્ર કિંગ એડવર્ડ VII એ કોહિનૂરને તેના તાજમાં સામેલ કર્યો ન હતો. જો કે, તે તેની પત્ની રાણી એલેક્ઝાન્ડ્રાના મુગટમાં સામેલ હતો. કોહિનૂરની આસપાસ એક અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ હતી કે જે કોઈ પણ પુરુષ તેનો સ્પર્શ કરશે તે બરબાદ થઈ જશે. જો કે, સ્ત્રીઓને તે પહેરવામાં કોઈ સમસ્યા નહોતી. ભાવિ રાજા પંચમ જ્યોર્જની પત્ની રાજકુમારી મેરીએ પણ તેને પોતાના તાજના મધ્યમાં પહેર્યો હતો. રાણી એલિઝાબેથ દ્વિતીયે કોહિનૂરને પોતાના તાજમાં સામેલ કર્યો ન હતો. આજે વિશ્વનો આ સૌથી પ્રખ્યાત કોહિનૂર હીરો ટાવર ઓફ લંડનના જ્વેલ હાઉસમાં પ્રદર્શનમાં રાખવામાં આવ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top