Halol

પાવાગઢ માચી પર ભક્તોને મોટી રાહત: ૯ કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ, હવે ૬૫૦થી વધુ વાહનો પાર્કિંગની સુવિધા

પાર્કિંગની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો આવ્યો અંત

ત્રણ માળનું આધુનિક પાર્કિંગ: ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે વિશેષ વ્યવસ્થા

હાલોલ, તા. ૨
સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંદાજિત રૂ. ૯ કરોડથી વધુના ખર્ચે માચી વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધા તૈયાર કરી ભક્તોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવી છે. પાર્કિંગ શરૂ થતાં માઈભક્તોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

અગાઉ માચી ખાતે પાર્કિંગની અછતને કારણે વાહનોની સંખ્યા વધતા ડુંગર પર જતી ગાડીઓને નીચેથી જ રોકી દેવામાં આવતી હતી. પરિણામે અનેક ભક્તોને તળેટીથી પરત ફરવું પડતું હતું અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો, જેને કારણે ભક્તોમાં અસંતોષ જોવા મળતો હતો.
મળતી માહિતી મુજબ માચી ખાતે બનાવાયેલું આ મલ્ટી લેવલ પાર્કિંગ ત્રણ માળનું છે અને અંદાજિત ૫૦ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે ૪૦૦થી વધુ ટુ-વ્હીલર પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે, જ્યારે પ્રથમ અને બીજા માળે મળી કુલ અંદાજિત ૨૫૦થી વધુ ફોર-વ્હીલર વાહનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પાર્કિંગ શરૂ થતાં પાવાગઢ આવતા ભક્તોને મોટી રાહત મળી છે. પાર્કિંગનું સંચાલન શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top