Entertainment

ઋતિક-SAB (A) ઠીક હૈ…

સબા કરીમ સાથેનો ઋતિકનો સંબંધ મેરેજ સુધી જશે તો લાગે છે કે તેના જીવન માટે અત્યારના તબક્કે થવું જોઈતું સારું થશે. હવે તેની પૂર્વ પત્ની સુઝેન પણ નવા પુરુષમિત્ર સાથે ફરે છે અને ઋતિકને ય મળે છે. આ એક હેલ્ધી સંબંધની નિશાની છે. ઋતિક અને સબા ફિલ્મોના કારણે નથી મળ્યા. આમ તો સુઝેન પણ ફિલ્મોને કારણે નહોતી મળી, હા કંગના સાથેનો સંબંધ ફિલ્મમાં સાથે કામ કરવાના કારણે જ બંધાયેલો. કંગના એક એક્ટ્રેસ તરીકે ઘણી ક્રિયેટીવ છે પણ વ્યક્તિ તરીકે થોડા પ્રશ્નો તો ધરાવે છે અને તેમાંજ ઋતિક સાથેના રિલેશન આગળ વધી ન શક્યા. ખેર! એવું ય બને.

ઋતિકે સબા સાથેનો સંબંધ જાહેર કરી દીધો તે સૌથી સારું બન્યું છે. એનો અર્થ કે તે આ સંબંધ માટે કમિટ છે. સામે પક્ષે સબા વધારે પડતી મહત્વાકાંક્ષી નથી જણાતી. ઋતિક સાથે કામ કરવાને પણ તે એટલું મહત્વ નથી આપતી. હા, અંગત સંબંધોમાં તેઓ સતત વધુને વધુ ગાઢ બની રહ્યા છે. તેના અને ઋતિક વિશે માધ્યમો જે વાત કરે તેની ય તેને પડી નથી. એક મોટા સ્ટાર સાથે સંબંધ હોય તો આ પ્રકારની સ્વસ્થતા જરૂરી ય છે. સબા પોતે ફિલ્મની એક્ટ્રેસ તરીકે ય જાણીતી નથી. હા, તેણે કેટલીક ફિલ્મો માટે ગીતો જરૂર ગાયા છે. ઈષ્ટા અને નસીરુદ્દીન શાહના ગ્રુપમાં તેણે નાટકો કર્યા છે. તે પ્રશિક્ષિત ડાન્સર પણ છે અને અન્ય એક ખાસ વાત કે તે બહુ સરસ રીતે વાત કરી શકે છે. ઋતિકને કદાય આ કારણે જ તે વધુ ગમી હશે. તેને જરા બૌધ્ધિક પ્રકારની સ્ત્રીઓ ગમે છે અને સાથે જ તે આશા રાખે છે કે એ સ્ત્રી તેને યોગ્ય રીતે સંભાળી લે. સબા કદાચ એ પ્રકારની સ્ત્રી જણાય છે. નસીરના દિકરા ઈમાદ સાથે તેણે થિયેટર કંપની પણ શરૂ કરી છે.

અત્યારે ‘રોકેટ બોયઝ’વેબ સિરીઝમાં પરવના ઈરાની કામ કરતી સબા ભવિષ્યમાં અભિનયથી આગળ વધી સ્વયં ફિલ્મ બનાવવા માંગે છે. નિર્માણ અને દિગ્દર્શનમાં તેને રસ છે. બાકી અત્યારે તે એક શોર્ટ ફિલ્મમાં આવી છે. તે કહે છે કે ઓટીટી પ્લેટફોર્મને કારણે હવે કામના વિકલ્પો વધી ગયા છે અને એટલે કોઈએ સારા કામ કરવા હોય તો જગ્યા છે. પણ ઋતિક સાથે અત્યારે તે કોઈ ફિલ્મ વિચારતી નથી. તે કહે છે કે ઋતિક પાસે તેના કામો છે ને મારી પાસે મારા અને અમે અમારા કામમાં ખુશ છીએ અમે સારા મિત્રો છે અને હું મારી પ્રાઈવસી જાળવી રાખવમાં ખુશ છુ. •

Most Popular

To Top