Madhya Gujarat

અલ્કા કેમીપેક કંપનીના સુપરવાઈઝર સામે કાર્યવાહી

નડિયાદ: ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાં આવેલ એક પ્રાઈવેટ કંપનીમાં સેફ્ટી વગર વેસ્ટેજ સ્લજ કાઢવા કેમિકલના ટાંકામાં ઉતરેલાં ત્રણ કામદારોને ઝેરી વાયુ શ્વાસમાં જતાં તબિયત લથડી હતી. જે પૈકી એક કામદારનું મોત નિપજ્યું હતું. આ મામલે મરણ જનાર કામદાર યુવકના પિતાની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે કંપનીના સુપરવાઈઝર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા તાલુકાના વાસણાખુર્દ ગામમાં આવેલ વેરાઈ સીમમાં રહેતાં અને કાજીપુરા ગામની સીમમાં આવેલ અલ્કા કેમીપેક પ્રા.લિ કંપનીમાં ફરજ બજાવતાં ૩૨ વર્ષીય ધનજી રમણભાઈ ચૌહાણ મંગળવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ તૈયાર થઈને નોકરી અર્થે કંપનીમાં ગયાં હતાં.

દરમિયાન કંપનીના સુપરવાઈઝર અબ્દુલકાદિર યુસુફભાઈ રાવાણીના કહેવાથી ધનજી ચૌહાણ અને તેના સાથી કામદાર સુરેશભાઈ બુધાભાઈ બારૈયા વેસ્ટેજ સ્લજ કાઢવા માટે કેમિકલના ટાંકામાં ઉતર્યાં હતાં. જોકે, કોઈપણ જાતની સેફ્ટી કિટ વગર ટાંકામાં ઉતરેલાં આ બંને કામદારોના શ્વાસમાં ઝેરી વાયુ જવાથી ગભરામણ થઈ હતી અને ગણતરીની મિનીટોમાં જ બેભાન થઈને પડ્યાં હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ બોલાવી, બંને કામદારોને ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. તે વખતે બંને કામદારોની સ્થિતી નાજુક હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર મળે તે પહેલાં ધનજીભાઈ રમણભાઈ ચૌહાણ (ઉં.વ ૩૨) નું મોત નિપજ્યું હતું.

આ મામલે મૃતક ધનજીભાઈ ચૌહાણના પિતાએ કંપનીના સુપરવાઈઝર સામે ખેડા ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેમાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ લાઈફ શેફ્ટી કિટ વગર કેમિકલના ટાંકામાં સાફસફાઈ કરવા ઉતરે તો, કેમિકલની તીવ્ર દુર્ગંધથી તેનું મોત નિપજી શકે તેવું જાણવા છતાં કંપનીના સુપરવાઈઝર અબ્દુલકાદિર રાવાણીએ સેફ્ટી કિટ વગર જ કેમિકલના ટાંકામાં સાફ-સફાઈ માટે ઉતારી ધનજી ચૌહાણનો જીવ લીધો છે. આ મામલે મૃતક ધનજી ચૌહાણના પિતા રમણભાઈ શંકરભાઈ ચૌહાણની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે અલ્કા કેમીપેક પ્રા.લિ કંપનીના સુપરવાઈઝર અબ્દુલકાદિર યુસુફભાઈ રાવાણી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાસણાખૂર્દ ગામ સ્વયંભૂ બંધ રહ્યું
ખેડા વાસણાખૂર્દ ગામમાં આવેલ વેરાઈ સીમ વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષીય ધનજી ચૌહાણનું એક પ્રાઈવેટ કંપનીમાં ફરજ દરમિયાન કેમિકલના ટાંકામાં શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં તેના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આશાસ્પદ યુવકના મોતને પગલે બુધવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન ગામ સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું.

મહંમદમકસુદે સાથી કામદારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કંપનીના કામદાર મકસુદ મહંમદ પઠાણ સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં જણાવે છે કે, બપોરે ચાર વાગ્યે કંપનીમાં રિસેસ પડી હોવાથી અમે ચા-પાણી કરવા બેઠાં હતાં. તે વખતે કંપનીમાં એકાએક બુમાબુમ થવા લાગી હતી. જેથી અમે દોડીને ત્યાં પહોંચ્યાં હતાં. તે વખતે બે કર્મચારીઓ સ્લજ વેસ્ટ ભરેલાં ટાંકામાં ઉંધા પડેલાં હતાં. જેથી તેઓને બચાવવા માટે હું અંદર ઉતર્યો હતો. જોકે, અંદર ઉતર્યાની ગણતરીની ક્ષણોમાં જ મને ગભરામણ થવા લાગી હતી. જેથી મેં ઉપર ઉભેલા અન્ય કર્મચારીઓને ઈશારો કર્યો હતો અને સી.ડી પકડી રાખી હતી. જે બાદ હું બેભાન થઈ ગયો હોવાથી, પછી શું થયું તેનો મને કોઈ ખ્યાલ જ નથી. જ્યારે મારી આંખ ઉઘડી ત્યારે હું હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

Most Popular

To Top