Columns

પુરુષો કેટલા ભાવુક હોય છે?

મહિલાઓને જન્મજાત જ નાજુક,નમણી અને લાગણીશીલ વ્યક્તિની ઉપમા મળી જાય છે, તો સામે પુરૂષોને પણ મજબૂત મનોબળ ધરાવતા અને ઘરની જવાબદારીઓમાં ઘેરાયેલા વ્યક્તિના બિબામાં ફિટ કરી દેવામાં આવ્યા છે. જેથી જ શારીરિક રીતે મુશ્કેલ કે તાકાત દર્શાવતા કામ માટે હંમેશા પુરુષની જ પસંદગી કરવામાં આવે છે, પણ જ્યારે માણસ તરીકે સ્ત્રી અને પુરુષ બંનેમાં ફિલિંગ્સ એકસરખી આપવામાં આવી હોય ત્યારે તેઓ પણ અમુક બાબતો, વ્યક્તિ કે સંબંધોને લઈને ભાવુક તો હોય જ છે તો પછી, મહિલાની સરખામણીમાં સંવેદનશીલતા, લાગણી કે સુખદુ:ખ બતાવવામાં પુરુષોમાં ખચકાટ કેમ? તેઓ કેમ જાહેરમાં પોતાની લાગણી પ્રદર્શિત નથી કરી શકતા? તો આવો,આજે આપણે કેટલીક બાબતો દ્વારા આ અંગેના કારણો જાણવાનો પ્રયાસ કરીએ.

પુરુષ તરીકેના સ્ટેટસને વળગી રહેવું
આપણી રૂઢિગત સંસ્કૃતિમાં કેટલાક નિયમો એવા છે કે પુરૂષોએ તો સ્ટ્રોંગ જ રહેવું પડે. પુરુષો ઘરના કામ ન કરી શકે, એણે તો પુરુષને છાજે એવા જ કામ કરવા જોઈએ જેવી માનસિકતાના કારણે ઘરમાં સ્ત્રીને મદદરૂપ થવાના ઇરાદે તેને ઘરના કામકાજો કરીને પોતાની લાગણી દર્શાવી નથી શકતો. તમે જોતાં હશો કે આજે તો મોટાભાગના પતિપત્ની જોબ કરતાં હોય છે ત્યારે કેટલાક સમજદાર પુરુષો પોતાના તથા ઘરના નાના મોટા કામ કરવામાં પત્નીને મદદરૂપ થતાં હોય છે, જ્યારે કેટલાક પુરુષો પોતાને વહુઘેલો હોવાનું લેબલ ન લાગી જાય એ માટે પણ દરેક કામો પત્ની જ કરે એવું વલણ અપનાવતો હોય છે.

લાગણીઓ દર્શાવી શકતા નથી
સ્ત્રીઓ કોઈપણ સારો નરસો પ્રસંગ હોય ત્યારે ખૂલીને પોતાની લાગણીઓ દર્શાવી શકે છે પણ પુરુષને પુરુષ તરીકેના એવા સાંચામાં ફિટ કરી દેવામાં આવ્યો છે કે તે ઈચ્છે છતાં સારા પ્રસંગે જાહેરમાં પોતાનો પ્રેમ પ્રદર્શિત નથી કરી શકતો કે નથી માઠા પ્રસંગમાં છૂટથી રડી શકતો. તમે જોતા જ હશો કે, લગ્નમાં દીકરી વિદાય કે મરણ જેવા પ્રસંગોમાં મહિલાઓ છૂટથી રડી લે છે જ્યારે પુરુષો એ સમજીને પણ મક્કમ બની રહે છે કે જો તેઓ આ સમયે ઢીલા પડશે તો મહિલા વર્ગને કોણ સંભાળશે? કારણ કે આવા સંજોગોમાં મહિલાઓ પુરુષો પાસેથી જ સહારાની અપેક્ષા રાખતી હોય છે.

જવાબદારીઓ
ઘરના મુખ્ય મોભી તરીકે પુરુષની ગણના કરવામાં આવે છે જેથી આખા પરિવારની જવાબદારીઓ તેના પર હોય છે,સગા સબંધીઓ ઉપરાંત મિત્રો તથા પાડોશીઓના પ્રમાણમાં તે પોતાના પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી શકે તે માટે સતત મહેનત પણ કરતો હોય છે, ત્યારે તેને લાગે છે કે લાગણીમાં વહેવાથી તે નબળો પડી શકે છે જેના કારણે બહારના લોકો સાથે કામ કરવામાં પણ તે કાચો પડશે, જેથી પણ તે પોતાની લાગણીઓ દબાવતો રહે છે. ઘણીવાર મિત્રો કે પરિવારમાં કોઈકના ઘરે ગયા હોઈએ ત્યારે ઘરે આવીને ખાસ કરીને પત્ની કે બાળકો પોતાના ઘર સાથે સરખામણી કરતાં હોય છે ત્યારે જો સામેવાળાનું સ્ટેટસ વધુ સારું હોય તો તેને પણ એવું જ મેળવવાની ઈચ્છા જાગે છે. જેથી પણ તે સતત કામમાં રહે છે અને જેના કારણે લાગણી હોવા છતાં સમયના અભાવે જતાવી નથી શકતો.

હાંસીપાત્ર બનવાનું જોખમ
આપણે બાળપણથી જ જ્યારે કોઈ છોકરો રડે ત્યારે કહેતા હોઈએ છીએ કે શું છોકરીની જેમ રડે છે? જેથી તે જ્યારે મોટો થાય ત્યારે પણ એ જ વાતને વળગી રહીને વિચારે છે કે, જો હું જાહેરમાં વધુ પડતો પ્રેમ પ્રદર્શિત કરીશ કે દુખી હોઈશ ત્યારે રડીશ, તો લોકો મને સ્ત્રી જેવો કહીને હાંસીપાત્ર બનાવશે.ધારો કે કોઈને બહુ સમય બાદ જાહેરમાં મળી ગયા અને એટલા ખુશ થઈ જવાયું કે આંખોમાં પાણી આવી જાય. જો આવું દ્રશ્ય કોઈ સ્ત્રી દ્વારા ભજવાયું હોય તો લોકો સામાન્ય રીતે લેશે પણ તેની જગ્યાએ કોઈ પુરુષ હોય તો લોકોનું વલણ અલગ જોવા મળશે, જેથી ક્યારેક હાંસીપાત્ર ન બનાય એ માટે પણ પુરુષો લાગણી દર્શાવવાનું ટાળે છે.

ગેરસમજનો ભય
આજે જ્યારે મહિલાઓ પણ પુરુષો સાથે કામ કરતી થઈ છે જેથી સ્વાભાવિક છે કે તેઓ એકબીજા સાથે વધુ સમય ગાળતા હોય ત્યારે કેટલીવાર આત્મિયતા ગાઢ હોય તો મહિલાઓ પુરૂષોને કે ક્યારેક પુરુષો પણ મહિલા કલીગને પોતાની અંગત વાતો શેર કરતાં હોય છે. જો કે કેટલાક કિસ્સામાં જો તેઓ વધુ ભાવુક થઈ જાય અને મહિલા કલીગને સાંત્વના આપવાના ઇરાદે જો તેની સાથે વધુ પડતું ભાવુક વર્તન કરી બેસે તો ક્યારેક મહિલા કે અન્ય કર્મચારીઓને તેના ચારિત્ર્ય વિષે ગેરસમજ ઊભી થવાના ચાન્સ પણ રહેલા છે. જેથી તે કામના સ્થળે ખાસ કડક વલણ અપનાવતો હોય એવું બની શકે છે.

ગુસ્સાના આવરણમાં પ્રેમ
કેટલાક પુરુષો દરેક વાતો ગુસ્સાથી કહેતા હોય છે પણ તેમાં પણ તેમનો પ્રેમ છુપાયેલો હોય છે, પણ ઘરના સભ્યો ઘણીવાર આનો મતલબ નથી સમજી શકતા. પુરુષ પોતાના બાળકને પ્રેમ કરે છે ને તે જીવનમાં પાછળ ન રહી જાય એ માટે તેને ટોકતો હોય છે. તેના આ ગુસ્સા પાછળ બાળક પ્રત્યેની ફિકર રહેલી હોય છે. જો તે નરમાશથી કહેશે તો બાળક તેની વાતને ગંભીરતાથી નહીં લેશે, પણ તેના ગુસ્સાના ડરથી પણ તે અભ્યાસમાં ધ્યાન આપશે એ આશાએ પુરુષ બાળક પર વધુ પડતો પ્રેમ દર્શાવવાનું ટાળે છે. આ સાથે જ કેટલીક મહિલાઓ પણ કામ બાબતે કે અન્ય કોઈ બાબતે બેદરકાર હોય તો તેમની સામે પણ આ જ રીતે વર્તન કરતો હોય છે,પણ તેનો મતલબ એવો જરાય નથી કે તે લાગણીશીલ નથી.

Most Popular

To Top