Health

હેલ્થ માટે કેટલા જોખમી?

2 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર સામે મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર દૂર કરવાની માગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્કમાં રેલીને સંબોધિત કરતી વખતે ઠાકરેએ ધમકી આપી હતી – મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવામાં નહીં આવે તો અમે મસ્જિદોની બહાર જોરથી હનુમાન ચાલીસા વગાડીશું. સરકારને 3 મેની ડેડલાઈન આપેલી છે!

રાજ ઠાકરેની ધમકી પછી કર્ણાટકમાં બજરંગ દળ અને શ્રીરામ સેના જેવા સંગઠનોએ પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. આ સંગઠનોએ એવી પણ ચીમકી આપી છે કે, જો લાઉડસ્પીકરમાં અઝાન બંધ નહીં કરે તો મસ્જિદોની સામે મોટા અવાજે ભજન વગાડવામાં આવશે. વારાણસીમાં પણ કેટલાક લોકોએ કહ્યું કે જ્યારે પણ નમાઝ હશે ત્યારે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અલીગઢમાં ઘણી જગ્યાએ લાઉડ સ્પીકર લગાવીને હનુમાન ચાલીસા વગાડવાની વાત કરી હતી. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવા માટે દેશની વિવિધ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. જોકે, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે અલગ-અલગ અદાલતો પહેલાથી જ નિર્ણયો આપી ચૂકી છે.

પહેલા સમજીએ કે, લાઉડસ્પીકરનો અવાજ કેટલો મોટો હોય છે?  લાઉડસ્પીકરનો અવાજ ધ્વનિ ડેસિબલમાં માપવામાં આવે છે. અલગ-અલગ સંશોધનો સૂચવે છે કે મંદિરો અને મસ્જિદોમાં રહેલાં લાઉડસ્પીકર લગભગ 100થી 120 ડેસિબલ અવાજ ઉત્પન્ન કરે છે. આ અવાજ ઘણો વધારે છે. જેવી રીતે ફટાકડા પણ લગભગ 100થી 110 ડેસિબલ અવાજ ઉત્પન્ન કરે છે. પિન પડવાથી 10 ડેસિબલ અવાજ ઉત્પન્ન થાય છે. માણસના શ્વાસનો અવાજ પણ 10 ડેસિબલની આસપાસ હોય છે. બે લોકો વચ્ચે વાતચીતના અવાજનું સ્તર લગભગ 60 ડેસિબલ છે. અહીં ડેસિબલ વિશે વધુ એક વાત જાણવી જોઈએ. એટલે કે, દરેક 10 ડેસિબલ વધે તો ધ્વનિ પહેલાની તુલનામાં બમણો થાય છે. ઉદાહરણ તરીકે 60 ડેસિબલ પરનો અવાજ 50 ડેસિબલ્સ કરતાં બમણો મોટો હોય છે!

મોટા અવાજથી થતા નુકસાન વિશે વાત કરીએ તો તેના ઘણા ગંભીર પરિણામો આવી શકે છે. આમાં કાયમી ધોરણે બહેરાશ, માનસિક સમસ્યાઓ થઈ શકે છે. માણસ ચીડિયો અને હિંસક પણ બની શકે! નર્વસ સિસ્ટમ પર અસરને કારણે સ્પર્શ અનુભવવામાં સમસ્યા થઈ શકે છે. રક્ત પરિભ્રમણની ગતિને પણ અસર કરી શકે છે. સતત અવાજથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે! આ સિવાય 120 ડેસિબલથી વધુનો અવાજ ગર્ભવતી મહિલાના ગર્ભને અસર કરી શકે છે. 180 ડેસિબલથી વધુનો અવાજ મૃત્યુનું કારણ બની શકે છે.

કાયદો શું કહે છે એ જોઈ લઈએ?  વર્ષ 2000માં આ અંગે કાયદો બનાવવામાં આવ્યો  – ધ્વનિ પ્રદૂષણ (અધિનિયમ અને નિયંત્રણ). આ કાયદો 1986માં બનેલા પર્યાવરણ (સંરક્ષણ) કાયદા હેઠળ આવે છે. કાયદો કહે છે – જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા માટે વહીવટીતંત્ર પાસેથી લેખિતમાં મંજૂરી લેવાની રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જાહેર સ્થળોએ લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. નિયમો અનુસાર, રાજ્ય સરકાર વતી આવા કાર્યક્રમોને જાહેર સ્થળોએ રાત્રે 12 વાગ્યા સુધી મંજૂરી આપી શકાય છે. જો કે, કોઈ પણ સંજોગોમાં, આ મંજૂરી વર્ષમાં 15 દિવસથી વધુ ન હોવી જોઈએ. રાજ્ય સરકારને વિસ્તાર અનુસાર કોઈ પણને ઔદ્યોગિક, વ્યાપારી, રહેણાંક અથવા શાંત વિસ્તાર તરીકે જાહેર કરવાનો અધિકાર છે. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટના 100 મીટરની અંદર આવા કાર્યક્રમો યોજી શકાય નહીં, કારણ કે સરકાર આ વિસ્તારોને શાંત ઝોન વિસ્તાર તરીકે જાહેર કરી ચૂકી છે.

Most Popular

To Top