Columns

યોગીજીનાં બાળમિત્ર પોલીસ સ્ટેશનો અને મુંબઇની ‘જોઇએ તે લઇ જાવ, ન જોઇએ તે મૂકી જાવ’ યોજના

વરસોનાં સંશોધનો અને પ્રયોગો બાદ બાળમાનસ તજજ્ઞો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે બાળકોને સજા કરવાથી તે સુધરતાં નથી પરંતુ વધારે બગડે છે. તેઓને જે સમજાવવાનું કે શીખવવાનું હોય તે શાંતિથી શીખવો. પશ્ચિમના દેશોમાં નાગરિકો ઘરમાં ખાનગી રીતે પણ પોતાનાં બાળકોને મારી શકતાં નથી. તજજ્ઞો કહે છે કે તમે બાળકો સાથે હિંસક બનશો તો ભવિષ્યમાં બાળકો પણ હિંસક બનશે. બાળપણમાં તેઓને અમુક શરારતો, નાદાનીઓ કરવા દો. તેમાંથી તે વધુ શીખશે અને શરારતો તરફનું આકર્ષણ ઓછું થઇ જશે. બાળ માનસ અને કિશોર માનસનું એક વિશાળ વિજ્ઞાન છે. નિયમોની માફક તેમાં અપવાદો છે. કોઇક બાળકને જેટલી છૂટ આપો એટલું એ વધારે બગડે છે પણ એવા એક- બે બાળકો માટે બાકીના 100 બાળકોને એક જ લાકડીએ હાંકવા તેમાં વિવેકબુધ્ધિ નથી.

આ વિજ્ઞાનના શેડસ, રંગો અને ઉપરંગો ઘણા છે પરંતુ આપણને જોઇને જ મોટાભાગનાં બાળકો વર્તન કરતા શીખે છે. એ જ કારણથી અફઘાનિસ્તાન અને ઇરાક સિરિયામાં બાળકો નાનપણથી જ ત્રાસવાદી બની જાય છે. ભવિષ્યમાં એક સારો, સુશીલ અને સભ્ય સમાજ ઇચ્છતા હોઇએ તો માતા-પિતાએ, શિક્ષકો, વાલીઓ તેમ જ સમાજે પણ પોતાનું વર્તન સુધારવું પડે. યુરોપ અને સ્કેન્ડિનેવિયાના દેશો તેમાં સફળ થયા છે. મિશ્ર પ્રજાના બનેલા અમેરિકામાં આ નીતિનાં પરિણામો ઘણાં સારાં મળ્યાં છે પણ એટલાં સારાં નથી મળ્યાં જેટલાં મળવાં જોઇએ. તે માટે પ્રજા અથવા બાળકોનાં આનુવાંશિક ગુણો, સરકારની અન્ય નીતિઓ વગેરે જવાબદાર છે.

અમેરિકામાં ખુલ્લેઆમ બંદૂકો, પિસ્તોલો, મશીનગનો અને શરાબ મળે છે. અત્યંત ઝડપે ભાગતાં વાહનો ઉપલબ્ધ છે. સ્વતંત્રતાના ફૂલાયેલા સ્વરૂપે સ્વછંદતાનું રૂપ ધારણ કર્યું છે. એટલે માત્ર ૩૩ કરોડ લોકોની વસતિ ધરાવતા અમેરિકામાં ગન વાયોલન્સમાં જ વરસના સવાથી દોઢ લાખ લોકો મરે છે. શાળાના ટેણિયાઓ અમુક ખોટું ભૂસું મગજમાં ઘૂસી જવાથી રાઇફલ સાથે સ્કૂલોમાં પહોંચી જાય છે અને કોમ્પ્યુટર ગેમમાં બને તેવી અદાથી ફાયરિંગ શરૂ કરી દે છે. અમેરિકામાં જુવેનાઇલ (કિશોર-અલ્પવયસ્ક) ક્રાઇમ અને જુવેનાઇલ જસ્ટીસ એક મોટી સમસ્યા બની ગયા છે. ગોરાઓની કાળાઓ પ્રત્યેની નફરત અને કાળાઓની અદુરંદેશી પણ તેમાં લાલ રંગ પૂરે છે. ઓબામા પ્રમુખ હતા ત્યારે બંદૂકોનું કલ્ચર બંધ કરાવવા માટે એક- બે વખત મંચ પરથી સંબોધન કરતા રડી પડયા હતા કારણ કે બે ત્રણ શૂટઆઉટમાં શાળાઓમાં અનેક ભૂલકાંઓ, સાવ નિર્દોષ, ફૂલો જેવાં કોમળ બાળકો માર્યાં ગયાં હતાં. અમેરિકાએ ગમે ત્યારે ભવિષ્યમાં, પોતાની નીતિ બદલવી પડશે.

ભારતમાં આ બાબતમાં ખાસ આધુનિક ઢબે વિચારવામાં આવ્યું નથી, કારણ કે જુવેનાઇલ ક્રાઇમ એટલા વ્યાપક નથી જેટલા અન્યત્ર છે. પરંતુ હવે શહેરીકરણ, કોમ્પ્યુટર ગેમ્સ, અનુકરણની બાળપ્રવૃત્તિની વધારે અસર દેખાતી થઇ છે. ભારતમાં ઘણા સમયથી જુવેનાઇલ જસ્ટીસ એકટ અને પ્રોસીજર અમલમાં છે. તે અનુસાર બાળગુનેગારો સાથે પોલીસ અને ન્યાયની કાર્યવાહી થાય છે. અમુક વરસથી નીચેનાં બાળકોને જેલને બદલે જુવેનાઇલ હોમ અર્થાત પુનર્વસન ગૃહમાં અમુક થોડાં વરસો મોકલવામાં આવે છે. નિર્ભયા બળાત્કાર કેસમાં સૌથી બીભત્સ અને કરપીણ ભૂમિકા એક જુવેનાઇલની રહી હતી, ત્યારથી અમુક ગંભીર ગુનાઓમાં બાળગુનેગારની ઉંમરની વ્યાખ્યા અને પ્રમાણ બદલવામાં આવ્યાં છે. સંસદમાં તે બાબતે અનેક  દિવસો સુધી ચર્ચા થઇ હતી.

ભારતમાં બાળગુનેગારોનું દૂષણ સાવ નથી એવું પણ નથી, બલકે હમણા ચિંતાજનક હદે ઊંચું જઇ રહ્યું છે. માત્ર સેલફોન ખરીદવાની અને તે માટે નાણાં મેળવવાની ફિરાકમાં જ બાળકો કે કિશોરોએ હજારો ગુનાઓ આચર્યા છે. બીજી વાત તો અલગ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના તાજા અહેવાલ પ્રમાણે ગયા વરસમાં અલ્પવયના કિશોર – કિશોરીઓએ કે બાળકોએ કુલ 842 હત્યાઓ, 981 ખૂનના પ્રયાસો અને 725 અપહરણોની ઘટનાઓ ઘટી હતી. છેલ્લા 3 વરસમાં ભારતમાં બાળગુનેગારો વિરુધ્ધ 4 લાખ 18 હજારથી પણ વધુ સંખ્યામાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

તેમાં પણ 1 લાખ 35 હજાર જેટલા કેસ પોકસો કાનૂન હેઠળ નોંધવામાં આવ્યા હતા. વાસ્તવમાં પોકસો કાનૂનની રચના બાળકો અને કિશોરોને સેકસ્યુઅલ હુમલાઓ, ગુનાઓ, પોર્નોગ્રાફી, જાતીય શોષણ વગેરેથી બચાવવા માટે કરવામાં આવી છે. તેમાં ગુનાના શિકાર અને શિકારી બન્નેની ઓળખાણ, તેમની સામે કામ ચલાવવાની અને તેઓના ગુનાઓ રિપોર્ટ કરવા માટે ખાસ નિયમનો લાદવામાં આવ્યા છે. અલ્પવયસ્કો સાથે આ પ્રકારના ગુના આચરતા વયસ્કોને પણ વધુ કડક સજાની જોગવાઇ થઇ છે. પણ કિશોરો કે કિશોરીઓ ખુદ જ આ પ્રકારની ગુનાખોરી આચરે તો? જે આંકડા પ્રસિધ્ધ થયા છે તે ચોંકાવનારા છે અને તે બાબતમાં સરકારોએ મંથન કરી નવાં કદમો અમલમાં મૂકયાં છે.

ભગવાધારી યોગી આદિત્યનાથ આધુનિક પણ શાલીન પ્રગતિમાં માને છે. એમને કોઇ સ્થાપિત હિતો ડરાવી શકતા નથી કે લલચાવી શકતા નથી. વરસોથી ઉત્તર પ્રદેશમાં જંગલ રાજ રહ્યું હતું, જેમ આજે પણ તથાકથિત સુશાસન બાબુ નીતિશકુમારના બિહારમાં છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના બાળકો અન્ય રાજયોની સરખામણીમાં ગુનાખોરીના રવાડે વધુ ચડી ગયા હતા. જયાં શિક્ષકો પોતે જ કોઇ લાયકાત ધરાવતા નથી ત્યાં બાળકો કેવાં તૈયાર થાય તે સમજી શકાય છે. અખિલેશના શાસન સુધી શિક્ષણ અને બાળગુનેગારી એ બન્ને સરકારી ચિંતાના વિષય ન હતા પણ ભ્રષ્ટાચારનાં પ્લેટફોર્મ હતા. પરંતુ યોગી સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. બાળગુનેગારો સંબંધી તમામ તકરારો, ફરિયાદો વગેરેના નિવારણ અને નિકાલ માટે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં ‘બાળમિત્ર પોલીસ સ્ટેશનો’ ખોલવાનો યોગી સરકારે નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લાઓ છે અને તે દરેકમાં ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. અલ્પ વયના ગુનેગારોને ત્યાં રૂઢિથી કે ઘરેડથી અલગ રીતે ટ્રીટ કરવામાં આવશે.

બાળકોને જીવનમાં સાચા માર્ગે વાળવાના પ્રયત્નો થશે. તે માટે પોલીસ સ્ટેશન સાથે બાળમાનસ તજજ્ઞો પણ જોડાયેલા હશે. સમાજસેવકોની પણ મદદ લેવાશે. પોલીસ સ્ટેશનમાં મહિલા કે પુરુષ કોન્સ્ટેબલો, સ્ટાફ કે અધિકારો કોઇ પોલીસ યુનિફોર્મ ધારણ કરશે નહીં પણ નાગરિકો જેવાં વસ્ત્રો પહેરશે. ખાખી કે કોઇ અન્ય વરદી જોઇને બાળકો અકારણ ડરી ન જાય તે હેતુ છે. બાળકોના બધા ગુનાઓ પૂર્વયોજિત હોય એવું નથી હોતું. કેટલાક અકસ્માતથી અને કેટલાક ગેરસમજથી થતા હોય છે. તેઓની આકસ્મિક કે બાળસહજ ભૂલની સજા એવી ન થવી જોઇએ કે તેઓના સમગ્ર જીવન પર તેની નકારાત્મક અસર પડે. જે રીતે દેશમાં મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશન અને અદાલતો છે, સાયબ ક્રાઇમ માટેના સ્ટેશન છે એ રીતે બાળમિત્ર પોલીસ સ્ટેશનો સ્થાપવાની દેશના હજારો સમાજસેવકો લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશની સરકારે બાળમિત્ર પોલીસ સ્ટેશનો કેવાં હશે? તેની કાર્યશૈલી કેવી હશે અને તેમાં નિમણૂક પામેલા અધિકારીઓ કઇ કઇ લાયકાતો ધરાવતા હશે તેની રૂપરેખા  તૈયાર કરી છે. કર્મચારીઓમાં ઇન્સ્પેકટર તેમજ 8 થી 10 સબ ઇન્સ્પેકટરો હશે. તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને હશે. ઉપરાંત કોન્સ્ટેબલો જુદા. સરકારે દર વરસે આ માટે એક મોટી રકમની વ્યવસ્થા કરવી પડશે. જયાં અગાઉ શિક્ષકોને પગાર ચૂકવવા માટે પૈસા ન હતા તે UPમાં યોગીજીએ રાજયની આવકમાં ખાસ્સો વધારો કર્યો છે અને ભ્રષ્ટાચારમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. લાયકાત ધરાવતા લોકોની કદર થઇ રહી છે. આ બાળમિત્ર પોલીસ સ્ટેશનોમાં બાળકો અને કિશોરકિશોરીઓ, તરૂણો વગેરેને સમજાવીને યોગ્ય માર્ગે વાળવામાં આવશે. તેઓને ડરાવવા કે ધમકાવવામાં નહીં આવે.

પોલીસ સ્ટેશનમાં જ બાળકો અને કિશોરો માટેના પુસ્તકોનું એક પુસ્તકાલય હશે જે પુસ્તકો વાંચીને બાળકોના જ્ઞાનવર્ધન સાથે યોગ્ય સામાજિક માર્ગ અનુસરવાની પ્રેરણા મળશે અને અપાશે. પોલીસ ઉપરાંત બાળ કલ્યાણ સમિતિના સભ્યો પણ બાળકોની મુલાકાત લેતા રહેશે. બાળમિત્ર પોલીસ સ્ટેશનની જરૂર છે એટલી જ જરૂર મા-બાપ અને વાલીઓએ પોતાના બાળકો માટે ઉદાહરણરૂપ જીવન જીવવાની  છે. આખા સમાજને અચાનક સુધારવાનું શકય નથી પણ ધીમે ધીમે સુધારો જરૂર આવે છે અને તે માટે દરેકે થોડા કદમ માંડવા જ પડશે. બાળકો બીજાના દુ:ખ, દર્દો, યાતનાઓ પ્રત્યે સંવેદનશીલ બને તેવા પ્રયાસો બાળકો જોઇ શકે તે રીતે કરવા જોઇએ. રકતદાન કે શ્રમદાન શિબિરમાં વાલીઓએ અવશ્ય ભાગ લેવો જોઇએ. હમણાં મુંબઇના ગોરેગાંવ પરામાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

કદાચ તેઓનો ઇરાદો રાજકીય હશે તો પણ તમામ સમાજે તે સ્વીકારવા જેવો છે. ‘ન જોઇએ તે મૂકી જાવ, અને જોઇએ તે લઇ જાવ’ શીર્ષકથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં રસ્તાના કાઠે એક મંડપ અથવા કેન્દ્ર ઊભું કરાયું છે. જે વિદ્યાર્થીઓ પાસ થઇ આગળના વર્ગમાં જાય તેઓ પોતાના પુસ્તકો અને શાળાકીય અથવા અભ્યાસકીય સાધનો કેન્દ્રમાં મૂકી જાય છે અને આગલા વરસ માટેના જરૂરી પુસ્તકો, લખેલી નોટબૂકસ અને સાધનો લઇ જાય છે. કોઇએ પૈસા લેવા કે દેવાના રહેતા નથી. આ કાર્યક્રમ ખૂબ સફળ થઇ રહ્યો છે. અન્યથા રદ્દીમાં જતા કે માળિયામાં રહી જતા પુસ્તકો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને કામ લાગે છે. સુરતના લોકો ખૂબ પરગજુ છે. સાંસદો અને વિધાનસભ્યો પણ આ વાંચતા હશે? દર્શનાબેન અને પાટીલ સાહેબ… આ રીતે સમાજ વધુ મિલનસાર બનશે. ખરું ને?

Most Popular

To Top