Columns

રશિયન વોડકા પર ચોકડી!

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં શાંતિનો માર્ગ તો લંબાતો જાય છે, પ્રતિબંધો લદાતાં જાય છે, કૂટનીતિ બદલાતી જાય છે, હવે રશિયાને સંદેશો ગયો છે યુદ્ધ કરવાની સજારૂપે  અમેરિકા અને કેનેડામાં હવે રશિયન વોડકા સર્વ નહીં થાય.   યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં રશિયા સામે અનેક રાજદ્વારી અને આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. તેમાં રશિયન વોડકા પણ છે, જે અમેરિકામાં લોકપ્રિય પીણું છે અને જેને લીધે રશિયાની ધારદાર કમાણી છે! પણ આપત્તિજનક જાનહાનિ અને માનવ વેદના આંખ સામે તરવરે છે એટલે બીજું કોઈ ડ્રિન્ક ચાલશે પણ વોડકા તો નહીં જ!

    પ્રતિબંધમાં નવીનતમ ઉમેરો અસર દેખાડી રહ્યો છે. US અને કેનેડાએ રશિયન વાઇનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો તેનો પ્રતિસાદ તરત મળ્યો, આ પીણું બંને દેશોના દારૂની દુકાનો અને બારમાં દારૂ પ્રેમીઓમાં લોકપ્રિય છે. પ્રથમ છ મહિનામાં USની ડિસ્ટિલ્ડ સ્પિરિટ કાઉન્સિલના ડેટા અનુસાર રિપોર્ટમાં રશિયન આયાત તરીકે સૂચિબદ્ધ એકમાત્ર સ્પિરિટ વોડકા છે.જે અદ્રશ્ય થઈ રહ્યું છે. રશિયા અને વોડકા વચ્ચેનું જોડાણ ઊંડું છે.અનાજમાંથી તારવેલું સ્પષ્ટ દારૂનું નામ રશિયન શબ્દ ‘વોડા’ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે પાણી!પણ હોય છે નશીલું!

આમ તો વોડકા હવે ઘણા દેશોમાં બને છે, વોડકા પર અંકુશ તે રશિયા માટે અલગ મહત્ત્વ પણ છે, વોડકાની ઉત્પત્તિ થઈ ત્યારથી રશિયન વોડકા તરીકે તેની ઓળખ છે,વોડકા રશિયા માટે પ્રતિષ્ઠા ધરાવતું પીણું હંમેશા રહ્યું છે! દેશ અને દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય વોડકા બ્રાન્ડ સ્મિર્નોફ, સિરોક, ટીટોઝ, એબ્સોલ્યુટ, સ્વેદકા, ગ્રે ગુઝ છે! અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના ગવર્નર ક્રિસ સુનુનુએ જણાવ્યું હતું કે હવે ત્યાં રશિયન બ્રાન્ડ અને રશિયન બનાવટનો દારૂ વેચી શકાશે નહીં. તેનાં પગલે ઓહાયોએ પણ રશિયન દારૂના બહિષ્કારની ઘોષણા કરી. પ્રતિકાત્મક વિરોધ દર્શાવતાં સેલ્ફમાંથી વોડકાની તમામ બોટલો બહાર કાઢી નાખી. ન્યુફાઉન્ડલેન્ડે પણ લિકર સ્ટોર્સની છાજલીઓમાંથી રશિયન વોડકાની બોટલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. કેનેડાએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે. ઓન્ટારિયોમાં 70 દારૂની દુકાનોમાંથી રશિયન વોડકાની બોટલો હટાવી દેવામાં આવી છે.

કેનેડામાં રશિયન વોડકાનું વળગણ વધારે છે, ગયા વર્ષે કેનેડાએ લગભગ 30 કરોડ રશિયન વોડકાની આયાત કરી હતી. વ્હિસ્કી અને સ્ટેટસ્કેન પછી કેનેડિયન મદ્યપાન કરનારાઓમાં રશિયન વોડકા સૌથી લોકપ્રિય વાઇન છે. હાલ પૂરતું કેનેડાના લોકો યુદ્ધના વાતાવરણમાં હચમચી ગયા હોવા છતાં વોડકા પ્રેમથી વંચિત રહેશે. ઑન્ટારિયો સરકારે લિકર કંટ્રોલ બોર્ડ ઑફ ઑન્ટારિયોને સૂચના આપી છે, વાઇન-એન્ડ-સ્પિરિટ વિશ્વના સૌથી મોટા દારૂના ખરીદદારોમાંના એક રિટેલર છે રશિયન વોડકાને જથ્થાબંધ દૂર કરો, નાણાં પ્રધાન પીટર બેથલેનફાલ્વીએ જણાવ્યું હતું કે, રશિયન સરકારના આક્રમણના કૃત્યની નિંદા કરવા,શાંતિ બહાલ કરવાની હાકલ સાથે ઑન્ટારિયો  જોડાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઑન્ટારિયો કેનેડાનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે, જે દેશની લગભગ 40% વસ્તી ધરાવે છે. સાથે 10 અન્ય રશિયન ઉત્પાદનો પર તેમની નજર છે.

સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા દર્શાવે છે કે પ્રાંતીય લિકર સેલર્સ વર્ષે 700 મિલિયન કેનેડિયન ડોલરનો દારૂ વોડકા રાશિયાથી આયાત કરે છે. આ પહેલાં ૨૦૦૩માં અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે ઈરાકના મુદ્દે મતભેદ અને વિવાદ થયા હતા ત્યારે અમેરિકન રેસ્ટરેન્ટોમાં મેનુ કાર્ડમાં ફ્રેન્ચ ફ્રાઇસનું નામ બદલી ફ્રીડમ ફ્રાઇસ કરી દેવાયું હતું. યુદ્ધ સામે પ્રતિકાર કરવાનો ચીલો નોખો હોવો જોઈએ તેનો આ દાખલો છે, યુદ્ધને રોકવા કે માનવસંહાર રોકવા સામે યુદ્ધમાં ઊતરવાની રીત કોઈ પણ રીતે કોઈના હિતમાં નથી, યુદ્ધથી દૈનિક ધોરણે યુક્રેન અને રશિયાને આર્થિક મોરચે જે ખોટ થશે તેનો આંકડો બહુ મોટો હશે. હાલ વોડકા બહિષ્કારને એક પછી એક પશ્ચિમના દેશોમાં આવકાર મળી રહ્યો છે, જેમ જેમ બોટલો ફગાવવાના ચિત્રો ફરતાં થઈ રહ્યાં છે, લોકો ઉત્સાહ સાથે આ રીત અપનાવી રહ્યાં છે.

ઓહાયોમાં એકમાત્ર વિદેશી રશિયન માલિકીની વોડકા સાથેની ડિસ્ટિલરી છે. જેમાં રશિયન સ્ટાન્ડર્ડ વોડકા ગ્રીન માર્ક વોડકા અને રશિયન સ્ટાન્ડર્ડ વોડકાના બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. રશિયન સ્ટાન્ડર્ડ દ્વારા બનાવેલી વોડકાની લગભગ 7000 બોટલ યુદ્ધના ભણકારાના ચોથા દિવસ સુધી સ્ટોકમાં હતી. દારૂની એજન્સીઓને અને રિટેલર્સને તાત્કાલિક અમલથી વોડકા ન વેચવાનો આદેશ અપાયો હતો. રશિયન વોડકા જે રીતે આંતરરાષ્ટ્રિય સ્તરે બહિષ્કૃત થઈ તે રશિયા માટે ખૂંચે તેવો પ્રતિકાર સાબિત થશે તેમાં સંદેહ નથી! યુદ્ધકાળમાં લોકોને શાંતિપૂર્વક પોતાનો રોષ દર્શાવવો હોય તો આ કીમિયો જ કારગત છે, રક્તપાત વગર એક સત્તાને સમજાઈ જાય કે જે નુકસાન ગોળી કરી શકે તેનાથી વધુ વોડકા પર ચોકડી લાગવાથી થવાનું છે!

Most Popular

To Top