Editorial

કોઇ આટલી હદે ક્રૂર કઇ રીતે બની શકે?

કેટલાક સમય પહેલા દિલ્હીમાં એક યુવકે તેની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીની હત્યા કરીને તેની લાશના સંખ્યાબંધ ટુકડા કરી નાખ્યા હતા તે સમાચારે ચકચાર મચાવી હતી. હવે આ જ દિલ્હીમાં એક યુવાને તેની સાથે સંબંધ ધરાવતી સગીર વયની એક છોકરીને જાહેરમાં ક્રૂર રીતે રહેંસી નાખી હોવાનો બનાવ બન્યો છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીના ભીડભર્યા શાહબાદ ડેરી વિસ્તારમાં ૧૬ વર્ષની એક છોકરીની એક યુવકે તિક્ષ્ણ હથિયાર વડે વીસ કરતા વધુ ઘા કરીને અને પથ્થર ઝીંકીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી.

આ ઘટનાનો વીડિયો ઓનલાઇન ફરતો થતા વ્યાપક લોકરોષ ફાટી નિકળ્યો હતો. રવિવારે સાંજે આ ઘટના બની હતી. મળતી વિગતો મુજબ ભોગ બનનાર સાક્ષી નામની છોકરી સાથે સાહિલ નામના એક યુવકને સંબંધો હતા પરંતુ શનિવારે બંનેનો ઝઘડો થયો હતો. સાક્ષી જયારે રવિવારે સાંજે તેની એક મિત્રના બાળકની જન્મદિન માટે ભેટ ખરીદવા માટે ગઇ હતી તે સમયે ભીડભર્યા શાહબાદ ડેરી વિસ્તારમાં તેનો રસ્તો રોક્યો હતો. બંને વચ્ચે લડાઇ થઇ હતી અને સાહિલે પસાર થતા અનેક લોકોની હાજરીમાં જ સાક્ષી પર ઉપરા છાપરી ઘા કરવા માંડ્યા હતા. ૯૦ સેકન્ડના વીડિયોમાં જોઇ શકાય છે કે આરોપીએ છોકરીને ભીંત સાથે દબાવી દીધી હતી અને ચાકુથી ઉપરા છાપરી ઘા કરી રહ્યો હતો. એક તબક્કે તો ચાકુ છોકરીના માથામાં ફસાઇ ગયું હતું જેને બળપૂર્વક આરોપીએ પાછું બહાર ખેંચ્યું હતું. તેને મુક્કા પણ માર્યા હતા અને બાદમાં નજીકમાં પડેલ સિમેન્ટનો એક સ્લેબ વારંવાર તેના માથામાં ઝિંક્યો હતો.

છોકરી ફસડાઇને નીચે પડી ગઇ હતી અને આરોપી સામાન્યપણે ચાલવા માંડ્યો હતો, જો કે તે તરત પાછો ફર્યો હતો અને ફરીથી તે સ્લેબ તેના માથામાં ઝિંક્યો હતો અને જતો રહ્યો હતો. કોઇકે આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ આવી પહોંચી ત્યારે છોકરી લોહીના ખાબોચિયામાં પડેલી હતી. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે છોકરી સાથેના તનાવભર્યા સંબંધોને કારણે આ હત્યા થઇ લાગે છે. પહેલા બનાવમાં ક્ષણિક આવેશમાં પાર્ટનરની હત્યા કરીને ગભરાઇ ગયેલા આરોપીએ લાશના અનેક ટુકડા કરીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે જ્યારે હાલના બનાવમાં તો સ્પષ્ટપણે ઉશ્કેરાટ અને ઝનૂનમાં આવીને જાહેરમાં ક્રૂર હત્યા કરી નંખાઇ હોવાનું જણાઇ આવે છે. ભાગી છૂટેલા આરોપીને પોલીસે યુપીના બુલંદશહર નજીકના એક ગામમાંથી પકડી લીધો હતો. તેને સજા તો જ્યારે થશે ત્યારે થશે પણ આ ઘટના સૌ સંવેદનશીલ લોકોને વિચારતા કરી મૂકે તેવી છે.

દિલ્હીની જાહેરમાં હત્યાની આ ઘટના બીજી એક રીતે પણ વિચારવાલાયક છે. આ ઘટના કોઇ સૂમસામ વિસ્તારમાં બની ન હતી. લોકોની મોટી અવરજવરવાળા વિસ્તારમાં ઉશ્કેરાયેલો આરોપી છોકરી પર ઉપરા છાપરી ઘા કરી રહ્યો હતો ત્યારે અનેક લોકો તે જોઇ રહ્યા હતા પણ કોઇ વચ્ચે પડ્યું ન હતું. કેટલાક લોકો થોડો સમય માટે રોકાયા હતા ખરા, પણ પછી ચાલવા માંડ્યા હતા. આવું થવા પાછળ લોકોની પોતાની સલામતીની ચિંતા તો કામ કરતી જ હોય છે પરંતુ બાદમાં પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઇ જવાની ચિંતા વધુ કારણભૂત જણાય છે. જો કે ઘટના સ્થળે હાજર અનેક લોકો ભેગા મળીને દરમ્યાનગીરી કરે તો ચિત્ર બદલાઇ શકે, પરંતુ લોકોમાં સ્વકેન્દ્રીપણુ વધી ગયું છે અને આવી ઘટનામાં હુમલાખોરની સાથે ભોગ બનનાર વ્યક્તિને પણ શંકાની દષ્ટિએ જોવાનું વલણ પણ લોકોને દરમ્યાનગીરી કરતા રોકે છે.

દિલ્હીના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આવા સમયે રાહદારીઓએ દરમ્યાનગીરી કરવી જ જોઇએ. તેમની વાત સાચી છે પરંતુ તેમણે પોતાના જ તંત્ર અંગે પણ વિચારવું જોઇએ. આવા સમયે દરમ્યાનગીરી કરનાર સાથે પોલીસ કર્મચારીઓનું વર્તન અમુક વખતે ખૂબ જ વિચિત્ર હોય છે. આ ઘટના બની એટલે સ્વાભાવિક રીતે તેના પર રાજકારણ પણ રમાવા માંડ્યું. આ ઘટના અ઼ંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એલજી સાહેબ શું કરે છે? કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની છે. જ્યારે ભાજપે કહ્યું હતું કે એ ખેદજનક છે કે દિલ્હીના મુખ્યમંત્રી આને કાયદો વ્યવસ્થાનો સામાન્ય પ્રશ્ન ગણાવી રહ્યા છે જ્યારે કે આ લવજેહાદનો કિસ્સો છે! ખેર! અહીં આપણી ચર્ચાનો મુદ્દો આ નથી.
વાત અહીં ખાસ એ બાબતે કરવાની છે કે કોઇ આટલી હદે ક્રૂરતા કઇ રીતે આચરી શકે? અને તે પણ પોતાનાએક સમયના પ્રેમી પાત્ર સાથે?!

આ કોઇ એકલ દોકલ બનાવ નથી. બીજા પણ અનેક આવા બનાવો વધતી ઓછી ક્રૂરતા સાથેના બન્યા છે. શું સમાજમાં ક્રૂરતા ખૂબ વધી ગઇ છે કે પછી લોકોમાં ધીરજ અને વિચારશીલતા ખૂટી ગયા છે? પ્રેમી કે પ્રેમીકા સાથે વિખવાદ થયો કે જીવનસાથી સાથે ઝઘડો થયો હોય અને તેને ક્રૂર રીતે રહેંસી નાખવું, તેવા બનાવો હાલમાં ખૂબ વધી ગયા છે. પતિ ઉશ્કેરાઇને પોતાની પત્નીનું માથું છૂંદી નાખે કે પછી બીજે લગ્ન કરવા તૈયાર થયેલી પ્રેમીકાને તેનો કહેવાતો પ્રેમી રહેંસી નાખે, કે પછી પત્ની પોતાના પ્રેમી સાથે મળીને પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખે આવા બનાવો અને તેમાં પણ કોઇક વિખવાદને કારણે ઉશ્કેરાઇ જઇને પ્રેમ સંબંધની તમામ વાતો ભૂલી જઇને જાહેરમાં પોતાના પ્રેમી પાત્રને ક્રૂર રીતે રહેંસી નાખવામાં આવે તે ઘટનાઓ અંગે સાચે જ સૌ સમાજ હિત ચિંતકોએ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે.

Most Popular

To Top