SURAT

ચારધામની યાત્રા પર ગયેલી સુરતની મહિલાને ઉત્તરાખંડમાં બ્રેઈનસ્ટોક આવ્યો, એર એમ્બ્યુલન્સમાં પાછી લાવ્યા

સુરત: પતિ સાથે ચાર ધામની યાત્રા (ChardhamYatra) પર ગયેલી પાલનપુર પાટિયાની 42 વર્ષિય પરિણીતાને ઉત્તરાખંડમાં (UttraKhand) બ્રેઈન સ્ટ્રોક (BrainStock) આવ્યો હતો. તેની તાત્કાલિક દહેરાદૂનની (Dehradun) હિમાલય હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આજે તેને એર એમ્બ્યુલન્સ (AirAmbulance) મારફત સુરત લાવવામાં આવી હતી.

પાલનપુર પાટિયા ખાતે રહેતા ડિમ્પલબેન અનિલભાઈ ભજિયાવાલા (42 વર્ષ) પતિ સાથે ચારધામની યાત્રા પર ગયા હતા. દરમિયાન દહેરાદૂનમાં અચાનક તેમની તબિયત લથડી જતાં તેમને ત્યાંની હિમાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનો રિપોર્ટ કઢાવ્યા બાદ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું હતું. તેમની તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવાની જરૂર હોવાથી સર્જરી કર્યા પછી તેમને ગુજરાત સરકારની એરએમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા હતાં. એરએમ્બ્યુલન્સે આ અંતર પોણાપાંચ કલાકમાં કાપ્યું હતું.

આ અંગે સુરત 108 ના અધિકારી જીતેન્દ્ર સાહી અને પરાગ હડિયાના જણાવ્યા અનુસાર આજરોજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ક્રિટિકલ દર્દી ઇમરજન્સીમાં દેહરાદૂનથી એર એમ્બ્યૂલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે તાત્કાલિક અડાજણ લોકેશનની (એએલએસ ) એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલા ઈએમટી શબ્બીરભાઈ અને પાઇલોટ તેજસ ભાઈને સંપૂર્ણ વિગત આપી હતી.

ઇએમટી શબ્બીરે જણાવ્યું હતું કે, પેશન્ટ બેભાન હોવાથી વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટરથી દર્દીની સારવાર ચાલુ કરી 108 સેન્ટરના ફિજિશ્યનના સંપર્કમાં રહી સુરત આઈએનએસ હોસ્પિટલ લઈ ગયા હતા.

પાલનપુર કેનાલ રોડની ઓમકાર રેસિડેન્સી બિલ્ડિગની લિફ્ટ પાંચમે માળે ખોટકાતાં માતા-પુત્રી ફસાયાં
પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ ઇમારત ઓમકાર રેસિડેન્સીના પાંચમા માળ ઉપર સોમવારે સાંજે એક લિફ્ટ અચાનક ખોટકાઈ ગઈ હતી. લિફ્ટનો ઉપાયોગ કરી રહેલાં તૃપ્તિ અમીતભાઈ ઘેરિયા અને તેમની દીકરી દીપ્તિ અમિતભાઇ ઘેરિયા તેમાં ફસાઈ ગયાં હતાં. સાંજે 6:33ના અરસામાં આ ઘટના બની હતી. લિફ્ટમાં ફસાઈ ગયેલી માતા-પુત્રીનો શ્વાસ રૂંધવા લાગ્યો હતો.

પ્રથમ તેમણે લિફ્ટનો દરવાજો જાતે ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ખૂલ્યો ન હતો. તેથી તેમણે બૂમાબૂમ કરતાં બિલ્ડિંગમાં રહેતા અન્ય પરિવારો પણ એકત્ર થઇ ગયા હતા અને તેમણે ફાયર કંટ્રોલ રૂમને તુરંત જાણ કરતાં પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ કોમ્બિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો ખોલી માતા પુત્રીનું રેસ્ક્યુ કરીને તેમેને બહાર કાઢી લીધા હતા. સહીસલામત રેસ્ક્યુ કરાતાં બિલ્ડિંગના રહીશોના પણ જીવમાં જીવ આવ્યો હતો.

Most Popular

To Top