World

અમેરિકા-ઇરાન તણાવમાં મોટો વળાંક! ટ્રમ્પે ઈરાન પરનો ‘આયોજિત હુમલો’ હાલ પૂરતો અટકાવ્યો

કતાર, સાઉદી અરેબિયા અને UAEના આગેવાનોની અપીલ બાદ ટ્રમ્પનો નિર્ણય, છતાં અમેરિકા હુમલા માટે તૈયાર

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિએ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ જણાવ્યું છે કે તેમણે ઈરાન પર કરવામાં આવનારો “આયોજિત સૈન્ય હુમલો” હાલ પૂરતો અટકાવી દીધો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના નેતાઓએ યુદ્ધ ટાળવા માટે અપીલ કરી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે જો ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકા “વિશાળ અને સંપૂર્ણ સૈન્ય હુમલા” માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વ્હાઈટ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે મધ્ય પૂર્વના મિત્ર દેશોએ તેમને જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈ મોટો કરાર થવાની શક્યતા વધી રહી છે.

ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને અમેરિકાએ નકાર્યો
અહેવાલો અનુસાર ઈરાને તાજેતરમાં અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ ટ્રમ્પ પ્રશાસ ને અસંતોષકારક ગણાવી નકારી કાઢ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ ઈરાનનો પ્રસ્તાવ પરમાણુ હથિયારો મુદ્દે કોઈ સ્પષ્ટ અને મજબૂત ખાતરી આપતો નહોતો.મીડિયા અહેવાલ મુજબ અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે આ પ્રસ્તાવ કોઈ “મહત્વપૂર્ણ પ્રગતિ” દર્શાવતો નથી અને તેનાથી લાંબા ગાળાનો ઉકેલ મળવાની શક્યતા ઓછી છે.

ઈરાનનો કડક પ્રતિસાદ, “અમારી સેનાઓ પહેલાં કરતાં વધુ મજબૂત
અમેરિકાના નિવેદન બાદ ઈરાને પણ આક્રમક વલણ દાખવ્યું છે. ઈરાનની સરકારી મીડિયા દ્વારા જણાવાયું છે કે દેશની સેનાઓ “પહેલાં કરતાં વધુ તૈયાર અને વધુ શક્તિશાળી” છે. ઈરાને અમેરિકા અને તેના સાથી દેશોને “કોઈ વ્યૂહાત્મક ભૂલ ન કરવા”ની ચેતવણી આપી છે.ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડ “ખાતમ અલ-અનબિયા”એ જણાવ્યું કે જો અમેરિકા ફરી હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઈરાની સેનાઓ “ટ્રિગર દબાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર” છે.

હોર્મુઝ જળમાર્ગ પર ફરી વધી હલચલ
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંથી એક એવા હોર્મુઝ જળમાર્ગ પર હવે ફરીથી જહાજોની અવરજવર વધવા લાગી છે. છેલ્લા અઠવાડિયામાં અહીંથી કુલ 55 કોમોડિટી જહાજો પસાર થયા હતા, જ્યારે તેના અગાઉના અઠવાડિયામાં માત્ર 19 જહાજો પસાર થયા હતા. વિશેષજ્ઞોના મતે જો હોર્મુઝ જળમાર્ગમાં કોઈ મોટો વિક્ષેપ સર્જાશે તો વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. દુનિયાના મોટા ભાગનું તેલ આ જ માર્ગ દ્વારા સપ્લાય થાય છે.

તેલના ભાવમાં ફરી ઉછાળો
અમેરિકા-ઈરાન તણાવના કારણે વૈશ્વિક શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકા ઈરાનના ક્રૂડ ઓઈલ પરના કેટલાક પ્રતિબંધોમાં રાહત આપી શકે છે, જેના કારણે તેલના ભાવ થોડા નીચે આવ્યા હતા.પરંતુ ત્યારબાદ ઈરાન તરફથી હોર્મુઝ માર્ગ પર ટેક્સ લગાવવાની શક્યતા અંગેના નિવેદનો સામે આવતા ફરી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો હતો. રોકાણકારો હાલ મધ્ય પૂર્વની દરેક ઘટનાને નજીકથી નિહાળી રહ્યા છે.

લેબનનમાં ઈઝરાયેલી હુમલામાં 3 હજારથી વધુનાં મોત
બીજી તરફ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધે પણ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. લેબનનના આરોગ્ય મંત્રાલય મુજબ માર્ચ 2થી અત્યાર સુધી ઈઝરાયેલી હુમલાઓમાં 3,020થી વધુ લોકોનાં મોત થયા છે અને 9,273થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 211 બાળકો અને 116 આરોગ્યકર્મીઓનો સમાવેશ થાય છે. એપ્રિલ 17ના રોજ થયેલું યુદ્ધવિરામ પણ હિંસા અટકાવવામાં નિષ્ફળ ગયું છે.

પાકિસ્તાને અમેરિકાને ઈરાનનો સુધારેલો પ્રસ્તાવ પહોંચાડ્યો
અહેવાલ મુજબ પાકિસ્તાને અમેરિકા સુધી ઈરાનનો એક સુધારેલો શાંતિ પ્રસ્તાવ પહોંચાડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો વારંવાર પોતાની શરતો બદલી રહ્યા હોવાથી વાતચીત મુશ્કેલ બની રહી છે. પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું કે “સમય ખૂબ ઓછો છે” અને જો જલદી કોઈ સમજૂતી નહીં થાય તો મધ્ય પૂર્વમાં વધુ મોટા યુદ્ધની શક્યતા વધી શકે છે.

ટ્રમ્પનો દાવો – “વાતચીતમાં સકારાત્મક પ્રગતિ”
રાષ્ટ્રપતિ Donald Trump એ કહ્યું કે ઈરાન સાથેની ચર્ચાઓમાં “ખૂબ જ સકારાત્મક વિકાસ” થયો છે અને એ જ કારણ છે કે તેમણે હાલ માટે હુમલો અટકાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પરમાણુ હથિયારો વગરનું દેશ બને અને મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ સ્થાપિત થાય. જોકે હાલની પરિસ્થિતિને જોતા વિશ્વભરના દેશો ચિંતિત બન્યા છે અને સમગ્ર દુનિયાની નજર હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી ચર્ચાઓ પર ટકી છે.

Most Popular

To Top