એક જ અઠવાડિયામાં બીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના નવા દર
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઈ રહેલા ફેરફાર અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. મંગળવારે સવારે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંક્યો છે. એક અઠવાડિયાની અંદર આ બીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોય, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આ પહેલાં 15 મેના રોજ કેન્દ્ર સરકારે લગભગ ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો જાહેર કર્યો હતો. તે સમયે બંને ઇંધણના ભાવમાં આશરે ₹3 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી 90 પૈસાનો વધારો થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કેટલો થયો ભાવ વધારો?
તાજા અહેવાલો અનુસાર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ તેલ કંપનીઓએ ભાવમાં 3 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો હતો. આમ, માત્ર સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 4 રૂપિયા જેવો જંગી વધારો થઈ ચૂક્યો છે.
મુખ્ય શહેરોમાં આજના નવા ભાવ (પ્રતિ લિટર):
દિલ્હી: પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો હવે દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પર પહોંચ્યું.
મુંબઈ: આર્થિક રાજધાનીમાં પેટ્રોલના ભાવ 91 પૈસા વધીને ₹107.59 અને ડીઝલના ભાવ 94 પૈસા વધીને ₹94.08 થયા છે.
કોલકાતા: અહીં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ 96 પૈસા વધીને ₹109.70 અને ડીઝલ 94 પૈસા વધીને ₹96.07 થયું
ચેન્નાઈ: પેટ્રોલમાં 82 પૈસાનો વધારો થતા નવો ભાવ ₹104.49 અને ડીઝલ 86 પૈસા વધીને ₹96.11 થયું છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના મતે, ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠા પર અસર પડી છે. ભારતીય રિફાઇનિંગ કંપનીઓને થતા દૈનિક નુકસાન (Under-recovery) ને સરભર કરવા માટે આ ભાવ વધારો અનિવાર્ય બન્યો હતો. જો આંતરરાષ્ટ્રીય સ્થિતિ જલ્દી નહીં સુધરે, તો આગામી દિવસોમાં હજુ પણ નાના હપ્તે ભાવ વધારો જોવા મળી શકે છે.
સામાન્ય માણસ પર શું અસર પડશે?
ઈંધણના ભાવ વધવાની સીધી અસર પરિવહન (Logistics) પર પડે છે. ડીઝલ મોંઘું થવાને કારણે ટ્રક ભાડામાં વધારો થશે, જેની સીધી અસર શાકભાજી, દૂધ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ભાવ પર પડશે. આનાથી છૂટક મોંઘવારી (Retail Inflation) વધવાની પૂરેપૂરી શક્યતા છે, જે સામાન્ય મધ્યમ વર્ગના બજેટને ખોરવી નાખશે.સરકાર તરફથી હાલ પૂરતો ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે, પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધી રહ્યા તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.