Columns

પ્રામાણિકતાને તો સંસ્કારવી પડે

અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ જેવું હોય છે અને તે છે ‘‘મને આ વ્યવહાર કરતા લાભ કેટલો?’’ અથવા એમાં અલાભ અર્થાત્ ‘‘નુકસાન કેટલું?’’ લાભ એટલે આપણા સ્વાર્થનો સંતોષ અને અલાભ એટલે સ્વાર્થની વિરૂધ્ધનું પરિણામ. જીવનની સફળતા અને અસફળતાને આપણે આ પ્રકારના લાભ – અલાભના કાટલાંથી તોલીએ છીએ અને આવા પ્રકારના તોલમાપથી લાંચનો જન્મ થાય છે. લોભમાંથી સહેલાઈથી પામવાની વૃત્તિના ગર્ભમાં એ પાંગરે છે. આપણી સ્વાર્થવૃત્તિ વડે પોષાય છે અને અંતે અનેક દૂષણોની એ જન્મદાત્રી બને છે.

આપણે લાભને વ્યકિતગત બાબત ગણીએ છીએ અને સમૂહના લાભને ગૌણ ગણીએ છીએ. એનું કારણ એ છે કે આપણને ગળથૂથીમાંથી જ સ્વાર્થનું ઝેર પાવામાં આવે છે અને એક વાર ઝેરની આદત પડી ગયા પછી એ ઝેર જ આપણું જીવન બની જાય છે. પછી તો સમાજના અંગે અંગને નિષ્ક્રિય બનાવવા એ ઝેર વ્યાપી રહ્યું છે. આમ ધીરે ધીરે પ્રામાણિકતાનો હ્રાસ સમાજનો હ્રાસ કરે છે અને સમાજ ગ્રસાવા લાગે તેની સાથે સંસ્કૃતિ ક્ષીણ થતી જાય છે. સંસ્કારનો આધાર સિદ્ધાંતો છે પણ જ્યાં આદર્શો જ લૂલા થવા લાગે ત્યાં કોને દોષ દેવો? પ્રામાણિકતા ઊછીની લેવામાં આવતી નથી, એને તો સંસ્કારવી પડે છે.

પ્રામાણિકતાને સંસ્કારવાનું ભગીરથ કામ તો માનવનું નથી. એ ભગીરથ કામ તો ભગવાનનું છે, જે આસુરી વિચારોને ઈશ્વરીય વિચારોમાં પરિવર્તન કરવા સર્વ સમર્થ છે, સર્વ શક્તિવાન છે. નકારાત્મક વૃત્તિઓને સકારાત્મક વૃત્તિમાં પરિવર્તન કરવા આધ્યાત્મિક શક્તિથી સંપન્ન છે, જેનું નામ છે – ‘શિવ.’ શિવનો અર્થ જ છે સર્વ પ્રતિ કલ્યાણની ભાવના, અપકારી પર ઉપકાર કરનાર સર્વનું ભલું કરવું એટલે જ ભોળાનાથ શિવ પિતા – પરમાત્મા.

લાંચ કે લાગવગથી અળગા રહેવાનું અતિશય મુશ્કેલ છે કારણ કે આપણે પોતે જ લાંચ અને લાગવગને લાભ અને અલાભમાં પરિવર્તન કરીને તેને પ્રતિષ્ઠા આપી છે. પોતાના પુત્રને સ્વપ્રયત્નથી જ નોકરી મળે એવો આગ્રહ રાખનારને આપણે અવ્યવહારુ સમજીએ છીએ. લાંચ માત્ર સરકારી નોકરો જ લે છે એવું નથી. સમાજના અંગે અંગને નિષ્ક્રિય બનાવવા લાભ અને અલાભનું લેબલ લગાવી એ ઝેર વ્યાપી રહ્યું છે. દહેજ પ્રથા પણ લાંચનો એક પ્રકાર જ છે. ખુશ કરવા યોજાતી ડિનર પાર્ટીઓ આનંદથી માણીએ છીએ અને પાર્ટીઓ આપીએ પણ છીએ. આપણી જાતને લાભ અને અલાભની પંગતમાં મૂકીને ગૌરવ અનુભવીએ છીએ. આવું વ્યકિતગત પતન સામૂહિક પતનમાં પરિણમે છે કારણ કે લાંચ એ એવો ચેપી રોગ છે, જે ખૂબ ઝડપથી ફેલાય છે અને પછી એનો અંત આવતો નથી. જો આપણે આપણી સંસ્કૃતિને અને આપણા નિજી સંસ્કારોનું જતન કરવું હોય તો પ્રામાણિક બનવાની અને સત્ય માટે ઝઝૂમવાની શક્તિ પ્રાપ્ત કરવી પડશે.

આવી શક્તિ ઈશ્વર સિવાય વર્તમાન સમયે કોઈ પણ દેહધારી આત્માઓ પાસેથી મળવાની શકયતા નથી. એવી ઈશ્વરીય શક્તિ તો સર્વધર્મ અને સર્વ આત્માઓના પરમ પિતા પરમાત્મા શિવ પાસેથી જ મળી શકે એમ છે. આપણે ગાઈએ છીએ. શિવ શક્તિને જો આપણે ધારણ કરીએ તો અનુભવ થશે કે આપણામાંથી દુર્ગુણોરૂપી જે ઝેર છે તે નીકળતું જશે અને સદ્દગુણોરૂપી જે અમૃત છે એ આપણી જીવાત્મામાં ભળતું જશે. આપણે ઈશ્વરીય સંસ્કારોથી સંસ્કારિત થતાં જઈશું અને ઉત્તમ માનવી બનતા જઈશું. મિત્રો, આપણે લાભ અને અલાભના સિક્કાને આપણા વ્યવહારમાંથી દૂર કરી દઈએ તો જ તેનું નાનું રૂપ એવા લાંચરૂપી ખરાબ આદત પણ દૂર ફેંકાતી જશે, ત્યારે જ પ્રામાણિકતાથી સત્ય જીવવાનો આનંદ માણીશું અને આપણા સ્નેહીજનોને પણ માણવા માટે પ્રેરણાસ્ત્રોત બનીએ એવી શુભ ભાવના સાથે – ઓમ શાંતિ.

Most Popular

To Top