Comments

ઊંચી મેડીના નીચા મોલ..!

સમયને પણ સાલું ક્યારેક ફેફરું આવતું હોય એવું લાગે..! (હવે ફેફરું એટલે શું, એ મને નહિ પૂછતાં..!) જિસકા નસીબ ગરમ ઉસકા સમય ભી ગરમ..! તમને અજાયબી લાગશે કે, શ્રીશ્રી ભગા જેવાં ગરબાના સ્ટેપ તો હેમામાલિનીથી પણ નહિ લેવાય. લેવા જાય તો બહેનશ્રી ( એમને બહેનશ્રી નહિ કહીએ તો ધર્મેન્દ્રજી ખીજાય..!) નાં પગે પણ પ્લાસ્ટર આવે. શ્રીશ્રી ભગો એટલે અખંડ ખેલૈયો. મજબુરીથી પાયમાલ થયેલો. મીઠાઈમાં ભલે ભલીવાર નહિ હોય, પણ પેકિંગ આકર્ષક જોઈએ. લોકોને મીઠાઈને બદલે પેકિંગ જોઇને પણ પાણી છૂટતા હોય.વેચાણનું વેલ્યુ વધી જાય યાર..!

એમ ગરબામાં એકલાં ‘સ્ટેપડા’નહિ ચાલે, કપડે-લતે પણ રંગરોગાનવાળો હોવો જોઈએ. નિર્ણાયકને ઊંચા ઘરાનાનો લાગવો જોઈએ. અમારો શ્રીશ્રી ભગો, એવો ભૂખડી બારસ કે, એમાં જ ઉખ્ખડ થઇ ગયેલો. આવાં કડકાબાલુસની પછી તો ગર્લફ્રેન્ડ બનવા પણ કોણ તૈયાર થાય? સુર્પણખાંની કોઈ સગી પણ ‘હાય’ કહેવા નહિ આવે..! ગર્લફ્રેન્ડ વગર ચકરડાં તો ઝામે જ નહિ..! છમકારો લાવવો કેમનો? પસીનો સાફ કરવાવાળું કોઈ હમદર્દ તો જોઈએ ને..? ‘સ્ટેપડા’નાં તાલ પણ બે-તાલ થઇ જાય. આ જ કારણથી તો બિચારો ગરબામાં બાળપોથીથી આગળ વધીને બારમા સુધી કરી શક્યો નથી..! બધી ઉપાધિ જ છે યાર..! એના કરતાં તો બરમૂડા પહેરીને ટીવામાં ગરબા જોવા સારાં..! ગુણિયલ નહિ તો ફાલ્ગુની..! શું કહો છો રતનજી..?
‘તુંડે તુંડે તાગડધિન્ના’જેવું છે યાર..! રાવણનાં દશ માથાં હતાં, છતાં ચાલચલગત અને ભાષા એક જ હતી.

કોનું સાંભળે ને કોનું રહેવા દે, એટલે રાવણ કહે એ સવા-વીસ..! સાલું આત્માનું સાંભળવા જાય, શરીરનું સાંભળવા જાય કે, રસ્તે ભટકતા જનહિતધારીનું..? ( એવાંને લુખ્ખા નહિ કહેવાય, માનવ દોષ લાગે..!) મારી જ વાત કરું તો, શરદ ઋતુની કુમળી સવારમાં ચાલવા નીકળ્યો તો, બની બેઠેલો દાઢી વગરનો એક બીનભગવો બાવો મને મળ્યો, ને મારી ખેંચવા લાગ્યો. મને કહે “ચરબા ઉતારવાને નીકલે હૈ કા..? શરીર તો મીટ્ટીકા ખેલ હૈ..! આત્માકો સંભાલો ભાઈ..! આત્મા નિકલ ગયા તો શરીરકો કોઈ બાપ નહિ રખનેવાલા..! કુછ માલા જપો, ભગવાનકો ભજો..! શરીરકો તો લોગ જલા દેંગે, આત્મા તો અમર હૈ..!

ઇસકે લીએ કુછ કરો..! મેં જેવી દશની નોટ પકડાવી એટલે તરત બોલ્યો, ‘જા બેટા ! તેરા કલ્યાણ હોગા..! દશ રૂપિયામાં મારું એણે તત્કાળ કલ્યાણ કરી નાંખ્યું..! ક્યારે કોના નાકમાં કેવા પ્રકારની કીડી ઘૂસે છે, એ જ નહિ સમજાય..! ચાલવા નીકળીએ તો બની બેઠેલા બાવા ભટકાય અને ઘરમાં રહીએ તો ઘરવાળી ખીજાય..! માણસ જાય ક્યાં યાર..! ચાલવા નીકળો એટલે, આવી હરતી-ફરતી વિદ્યાપીઠ એવાં ‘મગજ-ફાડ’પ્રશ્નપત્રો કાઢે કે, ભેજાંનું રાયતું કરી નાખે..! (જો સ્ટોકમાં હોય તો..! ) જે દિવસે વાહન યોગ નહિ હોય ને ચાલતા નીકળ્યા તો, અમુક તો આપણને જોઇને નાક જ ખંખેરે કે, ‘જો પેલો રાવણ રસ્તા ઘસવા નીકળ્યો.!’એના કપાળમાં કાંદા ફોડું, આવાં ભૂખડીબારસો ખાધા વગર જ ઢેકાર ખાતાં હોય..!

નાકની ટોચ ઉપર નાક સાચવવા ભમરો બેસાડ્યો હોય તેમ સામે મળે તેની તેની સામે નાકનાં ટોચકાં જ ચઢાવતાં હોય..! રસ્તા ઉપર ગાવડાં સીધાં ચાલે, પણ હરામ બરાબર જો આવાં ફરફરિયાં સખણાં રહેતાં હોય તો..! ગમે તેની સાથે શીંગડાં જ ભેરવે..! ચૂંટણી જો આવે તો આ વખતે તો કહેવું જ છે કે, આવાં લોકો માટે ‘એટેચ્ડ બાથરૂમ’ની માફક ‘એટેચ્ડ સ્મશાન’બનાવવાના હોય તો જ તમને મત આપીએ. જેથી સ્મશાનમાં પણ ભેગા નહિ થાય..! નહિ તો બાબાજીનું ઠુંલ્લું..! (મને ખાતરી છે કે, ફેફરીવાલ મારી વાત માનશે..!)

જેમ સુરજને રોજ ઊગવાની આદત, એમ સવારમાં મને ટોકિંગ વગર વોકિંગ કરવાની આદત. પણ ચાલવા નીકળીએ ત્યારે એકાદ-બે પાણીચા અથાણાં તો એવાં મળે જ કે, આપણા મનસૂબા ઉપર ભમરડા ફેરવી નાંખે..! આપણું ફીઈઈણ નહિ કાઢે ત્યાં સુધી તેનું જોગીંગ પૂરું નહિ થાય. ‘ગુડ મોર્નિંગ’થી સ્ટાર્ટ લઈને એવી ફેણ કાઢે કે, ‘આ તે કોઈ સાલી સરકાર છે..? ઊંટના ઢેકા ઉપર બેઠાં હોય એમ ચાલીએ તો પણ ‘હિલા’ લાગે..! મારા બેટા રસ્તાના ખાડા પૂરતા જ નથી. જવાબ આપવામાં પ્રોબ્લેમ એ વાતનો આવે કે, ‘તારી વાત સાચી છે એમ કમને પણ કહેવું જ પડે.’

નહિ કહીએ તો, આપણને બગડેલા દૂધપાક જેવો સમજે..! ને ‘હા મા હા’કરીએ તો, વગર હેલ્મેટે બાઈક સાથે ‘વન-વે’માં ઘુસી ગયા હોય એવું લાગે..! આવાં ખડબુચાને કારણે વોકિંગ તો છોડાય નહિ, વળી એક જ કરોડરજ્જુની માફક ચાલવાનો રસ્તો પણ નસીબમાં એક જ હોય..! નહિ રસ્તો બદલાય, નહિ ચાલ ફાસ્ટ થાય, ને ઘરે પાછા વળીએ તો ઘરવાળી ખીજાય..! દુ:ખના ભારા કંઈ ઓછા છે..? આજકાલ તો કમા જેવાં પણ સમા થઇ ગયા. એ પણ જાણતા થઇ ગયા કે, ધરતી ઉપર ‘સિઝેરિયન’વગર કોઈ આવતું નથી ને ‘વેન્ટીલેટર’વગર રીટર્ન થતું નથી. એટલે ચાલતા રહેવામાં જ સાર.! અમારા જીમવાળા શની સર ખાસ કહેતા કે, ‘કસરત એ શરીરનો ખોરાક છે. શરીર છે તો આત્મા છે.

શરીર ના હોય તો મર્યા પછી આત્માનું બીજું Posting નહિ થાય ત્યાં સુધી, આત્મા ભટકતો થઇ જાય..!’વળી આપણો આત્મા એટલે એવો સ્વચ્છંદી કે, , ‘વોકિંગની વાત આવે ને ‘ઓકીંગ’(ઉલટી) કરતો થઇ જાય..! ચાલવા કરતાં, ફાફડા-જલેબી ચાવવામાં જ એને વધારે રસ..! ચલાવી તો મુદ્દલે નહિ લેવાય, ડીફણું પડે ને ભેંસ દોડવા માંડે, એમ સવાર પડે એટલે ચાલવા માટે ગૃહત્યાગ કરવો જ પડે.

આ તો જસ્ટ તમારા નોલેજ માટે વાત કરું કે, આ વોકિંગના પણ અલગ ટેસ્ટ અને અલગ પ્રકાર હોય..! YOU KNOW ? વાઈફ કહે ને વોકિંગ માટે નીકળીએ, એને ‘ફાયરીંગ વોક’કહેવાય. ડોકટર કહે ને ચાલવા નીકળો, એને ‘મોર્નિંગ વોક’કહેવાય. ચાલવામાં જો કોઈ ‘ગર્લ-ફ્રેન્ડ’નો રસ્તે નેહો લાગ્યો તો એ, ‘ડાર્લિંગ વોક’કહેવાય. ને કોઈ વાર વાઈફ સાથે ચાલવાનો કાળ-યોગ આવ્યો, તો પેલી ‘ગર્લ ફ્રેન્ડ’ત્યકતા બનીને રસ્તે રખડતી થઇ જાય. એની બળતરા તો થવાની જ, એટલે પાછળ ફરીને એને જોયા કરીએ, એને ‘ટર્નીંગ વોક’કહેવાય. ન કરે નારાયણ ને વાઈફ સાથે વોકીંગ કરતા હોય, ને પેલી ગર્લફ્રેન્ડ સામે ભટકાઈ જાય, તો એને ‘બર્નિંગ વોક’કહેવાય..!

લાસ્ટ ધ બોલ
૧ અને ૧ મળીને બે થાય એ ગણિત….
૧ ને ૧ મળીને ૧૧ થાય તો એ સંગઠન..
૧ સાથે ૧ મળીને ૧ જ થાય તો એ પ્રેમ..
૧ સાથે ૧ મળીને શૂન્ય થાય તો એ અધ્યાત્મ..
૧ ને ૧ સાથે મળવા દેવામાં નહિ આવે તો એ કૂટનીતિ
અને
૧ ની વિરુદ્ધમાં ૧ ને ઊભો કરવામાં આવે તો તે રાજનીતિ…
એના કપાળમાં કાંદા ફોડું..!
મારી સલાહ તો એવી કે,
સાચું સુખ અને શાંતિ તો ૧ ની આગળ શૂન્ય બનીને રહેવામાં જ છે..!
પછી તો પસંદ અપની અપની ખયાલ અપના અપના..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top