SURAT

પાંડેસરામાં ફિલ્મી ઢબે ચાલુ ટેમ્પામાંથી રોકડા ભરેલી બેગની ચોરી, જુઓ સીસીટીવી

સુરત: સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી (Theft) કરતા ઈસમો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલુ ટેમ્પોમાંથી રોકડાની બેગ ચોરી કરતા ઈસમો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ પહેલા સુરતમાંથી ચાલુ ટેમ્પામાંથી કાપડના ટાકા ચોરી કરતા ફોટા અને વીડિયો વાયરલ થયા હતાં.

મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા ડી-માર્ટ પાસે રસ્તા પરથી પસાર થતા ટેમ્પોમાં ચઢી જઈને રોકડરકમની ચોરી કરતો ઈસમ ઝડપાયો હતો. પાંડેસરા ડી-માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક ઈસમ 2.16 લાખ રોકડની બેગ લેવા માટે ચાલુ ટેમ્પામાં ચઢી ગયો હતો અને રોકડ ભરેલી બેગ લઈ ચાલુ ટેમ્પામાંથી નીચે ઉતરી અન્ય 2 સાગરિતો સાથએ બાઈક પર નાસી છૂટ્યો હતો. પાંડેસરા પોલીસે આ ઘટના મામલે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં જ ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતાં.

સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણેય આરોપીએ ત્રણ-ચાર દિવસ રેકી કર્યા બાદ ટેમ્પાને નિશાનો બનાવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લાલગેટ રાણીતળાવ ખાતે સનાબિલ એપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઈ કાગઝી ચોકલેટ, સિગારેટ અને બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે 8 ડિસેમ્બરના ઓફિસમાંથી 5 લાખનો સામાન ટેમ્પામાં ભરી ચાલક હુસેન અને ડિલીવરીમેન મુહમ્મદ આરીફ મનસુરી માલ-સામાનની ડિલવીરે માટે નીકળ્યા હતા. પાંડેસરા અને ભટારમાં સામાન ડિલિવરી થયા બાદ માલની રોકડ 2.16 લાખ બેગમાં મુકી હતી. ત્યારે જ આ ત્રણેય ઈસમોએ મોપેડ પર આવી ચાલુ ટેમ્પામાંથી રોકડ ભરેલી બેગ લઈ નાસી છૂટ્યા હતા. ડ્રાઈવર અને ડિલીવરીમેન કઈ સમજે તે પહેલા જ ઈસમે બેગ લઈ તેના સાથીઓને આપી ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા.

રેકી કરી ચોરી કરતા હોવાનું સામે આવ્યું
સીસીટીવીના આધારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકમાં જ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે નિતીન ઉર્ફે શીખડો કવરસેન વર્મા, મયુર વલ્લભ રાઠોડ, અતુલ નાથુભાઇ પરમારને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 2 લાખ અને મોપેડ કબ્જે લીધું છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય અગાઉ રાંદર, અમરોલી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે ચોરીના ગુનામાં પકડાયેલા છે અને છેલ્લા ચાર દિવસથી રેકી કર્યા બાદ બેગ તફડાવી હતી.


Most Popular

To Top