અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની તીવ્રતા યથાવત્ રહેતાં અનેક શહેરોમાં તાપમાન 40 ડિ.સે.થી ઉપર નોંધાયું છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ 43 ડિ.સે. તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ વધ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર , રાજ્યના અન્ય શહેરોમાં પણ ઉંચું તાપમાન નોંધાયું છે. ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 38 ડિ.સે., કંડલા પોર્ટમાં 39 ડિ.સે. અને કંડલા એરપોર્ટમાં 41 ડિ.સે. નોંધાયું છે. જ્યારે અમરેલીમાં 42 ડિ.સે., ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 40 ડિ.સે., કેશોદમાં 39 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે. અને ગાંધીનગરમાં 42 ડિ.સે. તાપમાન નોંધાયું છે.તટિય વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહ્યું છે. પોરબંદર અને સુરતમાં 34 ડિ.સે., મહુવામાં 33 ડિ.સે. અને દમણમાં 36 ડિ.સે. તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે.હાલ ઉત્તર પાકિસ્તાન અને કાશ્મીર આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પરિબળો યથાવત્ છે, જ્યારે રાજ્યમાં નીચલા સ્તરે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન 40 ડિ.સે.થી ઉપર જ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 42 ડિ.સે. રહે તેવી આગાહી કરવામાં આવી છે.ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે બહાર જવાથી બચવા, પૂરતું પાણી પીવાનું અને આરોગ્યની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.