ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે ગુજરાતના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે. ૧૫ મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તે માટે ભાજપે ‘મિશન નિમણૂક’ તેજ કર્યું છે. ૧ થી ૩ મે દરમિયાન ભાજપના નિરીક્ષકો દરેક મહાનગરો અને જિલ્લામાં જઈને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે રાજકીય પ્રવૃત્તિઓનો કેન્દ્રબિંદુ પદાધિકારીઓની પસંદગી તરફ વળ્યો છે. મહાનગરોથી લઈને તાલુકા સ્તર સુધી સત્તા સ્થાપવા માટે વ્યૂહરચનાઓ, લોબિંગ અને સામાજિક સમીકરણોનો જોરદાર ખેલ શરૂ થયો છે. આવનારા દિવસોમાં ભાજપ દ્વારા લેવાતા નિર્ણયો રાજ્યની સ્થાનિક રાજનીતિમાં મહત્વપૂર્ણ દિશા નક્કી કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે ભાજપમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત તેજ બની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે.
પ્રદેશ ભાજપ દ્વારા 1 થી 3 મે દરમિયાન નિરીક્ષકોને વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં મોકલીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓની સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવતઃ 10 મે પહેલા તમામ જગ્યાએ નવા પદાધિકારીઓ સત્તા સંભાળી લે તેવી શક્યતા છે.
અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત હોવાથી હિતેશ બારોટ પ્રબળ દાવેદાર
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મેયર અને ચેરમેન પદ માટે કોર્પોરેટરોમાં લોબિંગ તેજ બન્યું છે. અનામતના ધોરણે પદોની વહેંચણી થવાને કારણે દાવેદારો વચ્ચે સ્પર્ધા વધુ વધી છે. રાજ્યના મહાનગરોમાં નવા પદાધિકારીઓની વરણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર પદ OBC પુરુષ માટે અનામત હોવાથી હિતેશ બારોટ પ્રબળ દાવેદાર મનાય છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ડો. ચાંદની પટેલ કે અંજુબેન શાહ જેવા મહિલા ચહેરાઓની ચર્ચા છે. સુરતમાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી નેન્સી શાહ, પ્રતિભા દેસાઈ કે ઉર્વશી પટેલ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. વડોદરામાં પ્રથમ ટર્મ માટે SC પુરુષ મેયર બનવાના હોવાથી સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારના નામો મોખરે છે. રાજકોટમાં મેયર પદ સામાન્ય હોવાથી પાટીદાર અથવા બ્રાહ્મણ સમાજમાંથી પરેશ ઠાકર, મનીષ ભટ્ટ કે કેતન પટેલની પસંદગી થઈ શકે છે. ભાવનગર અને જામનગરમાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી વર્ષાબા પરમાર અને મોનિકાબેન વ્યાસ જેવા નામ ચર્ચામાં છે. મહેસાણામાં OBC મહિલા મેયર માટે નયના પ્રજાપતિ અને ગીતા ચૌધરી સહિત ૮ મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી જામી છે. આમ, જ્ઞાતિગત સમીકરણો અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં આખરી નામોની જાહેરાત કરવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ અનુભવી નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, કારણ કે આ પદને મેયર કરતાં પણ વધુ અસરકારક માનવામાં આવે છે.
તાલુકા પંચાયતોમાં રાજકીય સમીકરણો બદલાયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે 80 ટકાથી વધુ કબજો મેળવ્યો હોવા છતાં કેટલીક જગ્યાએ અનામત અને સંખ્યાબળના કારણે રાજકીય ગણિત બદલાયું છે.
- મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં અનુસૂચિત જનજાતિ અનામતને કારણે કોંગ્રેસ ઉમેદવારને પ્રમુખ બનવાની શક્યતા છે.
- બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ સમાન સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ભાજપને બહુમતી હોવા છતાં કોંગ્રેસને પ્રમુખપદ આપવું પડે તેવી સ્થિતિ છે.
- નેત્રંગ તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જોડતોડની રાજનીતિ તેજ બની છે.
- તાલાલા અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટક્કરજનક સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કોંગ્રેસ અને અન્ય પક્ષો કિંગમેકર બની રહ્યા છે.
- કોડીનાર અને વસોમાં અપક્ષ ઉમેદવારો સત્તા નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
- વલભીપુરમાં અપક્ષ ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળ્યું છે.