Gujarat

ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું

અમદાવાદ : અમદાવાદ શહેરના વટવા કુતુબનગર વિસ્તારમાં ૩૪ વર્ષ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. ૧૯૯૨માં થયેલી આ હત્યાનો પર્દાફાશ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. વટવાના કુતુંબનગર ચોક પાસે આવેલા એક મકાનના કૂવાને ખોદીને ક્રાઈમ બ્રાન્ચે મહિલાના અવશેષો બહાર કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને એફ.એસ.એલ. (FSL) અધિકારીઓની હાજરીમાં જે.સી.બી. મશીન દ્વારા ખોદકામ કરતા જમીનની નીચે ૧૮ ફૂટની ઉંડાઈએથી કૂવામાંથી માનવ શરીરના હાડકા (કંકાલ) મળી આવ્યા હતા. આ અવશેષોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અને ડી.એન.એ. તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.ચાર આરોપીઓએ ભેગા મળીને ફરઝાના ધોળકાવાળાની ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. ડે હાડપિંજર મળ્યુ છે તે મૃતક મહિલા ફરઝાના ધોળકાવાળાના છે, આ ફરઝાનાના પહેલા લગ્ન સુરતમાં થયા હતા. તે પછી તેણી સુરત છોડીને અમદાવાદ આવી ગઈ હતી. વર્ષ ૧૯૯૨માં ફરઝાના ઉર્ફે શબનમ નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા ‘ક્રાઈમ ઓફ પેશન’ એટલે કે લગ્નેતર સંબંધોની શંકા અથવા વિવાદને કારણે કરવામાં આવી હતી. મુખ્ય આરોપી શમશુદ્દીને પોતાની પત્નીની હત્યા કર્યા બાદ લાશને બહાર ક્યાંય ફેંકવાને બદલે ઘરના જ કૂવામાં દાટી દીધી હતી અને ઉપરથી કૂવો પૂરી દીધો હતો. આ ગુપ્ત ગુનો છેલ્લા ત્રણ દાયકાથી તે જ ઘરની નીચે દબાયેલો રહ્યો હતો.

કોણ હતી મૃતક મહિલા ?

ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ પોલીસ અધિકારીની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલાનું નામ ફરઝાના ધોળકાવાળા હતું, જે મૂળ ધોળકાની રહેવાસી હતી. તેના લગ્ન સુરત ખાતે થયા હતા, પરંતુ થોડા દિવસોમાં તે પરત આવી ગઈ હતી અને ત્યારબાદ અમદાવાદ રહેવા આવી હતી. અહીં તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો હતો અને બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, મનમેળ ન રહેતા બંનેએ છૂટાછેડા લીધા હતા, તેમ છતાં તેમની વચ્ચે સંબંધો ચાલુ રહ્યા હતા.

સમસુદ્દીન અને ફરઝાના વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હોવાથી સમસુદ્દીને તેના મિત્ર અબ્દુલકરીમ છીપા, મોટાભાઈ ઈકબાલભાઈ અને સાલીયાબીબી સાથે મળીને ફરઝાનાને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. ૩૫ વર્ષ પહેલા જ્યારે ફરઝાના સાલીયાબીબીના મકાનમાં રોકાયેલી હતી, ત્યારે આ ચારેય જણાએ મોડી રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેઓએ લાશને મકાન આગળ અગાઉથી તૈયાર કરેલા ખાળકુવામાં નાખી દઈ ઉપરથી સિમેન્ટનો સ્લેબ ભરી દીધો હતો.

​’પ્રેતાત્મા’નો ડર અને તાંત્રિક વિધિએ ખોલ્યું રહસ્ય

​આટલા વર્ષો સુધી આ રહસ્ય અકબંધ રહેવા પાછળનું કારણ આરોપીનો ડર હતો, પરંતુ કુદરતનો ન્યાય અનોખો હોય છે. મળતી માહિતી મુજબ, આરોપી શમશુદ્દીનના પરિવારના સભ્યોને છેલ્લા કેટલાક સમયથી ઘરમાં કોઈ ‘ પ્રેતાત્માનો આભાસ’ થવા લાગ્યો હતો. પરિવારને સતત એવું લાગતું હતું કે મૃતક ફરઝાનાનો આત્મા ત્યાં જ ઘરમાં જ છે અને તેમને હેરાન કરી રહ્યો છે. ​આ માનસિક તણાવ અને ડરમાંથી મુક્તિ મેળવવા માટે પરિવારે ભુવા અને તાંત્રિક વિધિઓનો સહારો લીધો હતો. આ વિધિઓ દરમિયાન જ હત્યાની વાત ભૂલેચૂકે બહાર આવી ગઈ અને આ કડીઓ ક્રાઈમ બ્રાન્ચના કાને પહોંચી ચઈ હતી.

Most Popular

To Top