Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતના આ આદિવાસી વિસ્તારમાં બાળકોને ભારતનુ બંધારણ ભણાવવાનો નવતર પ્રયોગ

વલસાડ: ભારતના બંધારણથી (Indian constitution) આપણે સૌ વાકેફ છીએ. પરંતુ બંધારણમાં આવેલા કાયદા (Laws) અને અધિકારો (Rights) વિશે લોકો પાસે ઉંડાણપૂર્વકની માહિતી હોતી નથી. ભારતના બંધારણ અંગે લોકોમાં જાગૃતિના (Awareness) અર્થે ગુજરાતના આદિવાસી સમાજમાં નવી શરૂઆત કરવામાં આવી છે. બાળકો નાનપણથી જ બંધારણનું શિક્ષણ મેળવે તે માટે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો પહેલીવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ભારતીય બંધારણમાં આદિવાસી સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી માહિતગાર થાય. તેમજ તેઓ પોતાના હક માટે જાગૃત થઇ શકે.

આદિવાસી પેઢીને અધિકારોથી વાકેફ કરવા મોટી ઢોલડુંગરી ગ્રામસભાએ ઠરાવ કર્યો હતો અને હાલ એ ભણતર શાળામાં અપાઇ રહ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી ભારતનું બંધારણ ભણાવવામાં આવી રહ્યુ છે. આદિવાસી સમાજને મળેલા હકો વિશે તેઓ સજાગ થઇ શકે તે માટે આ સરકારી પ્રાથમિક શાળામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ મોટી ઢોલડુંગરીની ગ્રામ પંચાયતે રૂઢિગત ગ્રામસભામાં આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. સંપૂર્ણ બહુવિધ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકાના અન્ય શાળાઓમાં પણ આ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આમ કરી તેમણે એક ઉદાહરણ મુક્યુ છે કે જેથી અન્ય શાળાઓ પણ તેને અમલમાં લાવી શકે. આ અંગે મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પટેલે કહ્યુ છે કે શાળામાં ધોરણ 1 થી 8માં ભણતા તમામ બાળકોને અઠવાડિયામાં માત્ર એક દિવસ, એક જ કલાક ભારતીય બંધારણ ભણાવવામાં આવી રહ્યુ છે.

બંધારણ ભણાવવા પર આદિવાસી નેતા કલ્પેશ પટેલે ગામના સાહસ વિશે જણાવ્યુ છે કે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં આદિવાસી સમાજના હક માટે અનેક બાબતોનો સમાવેશ કર્યો છે અને અનેક લાભકારી કાયદાઓ બનાવ્યા છે, તેનાથી લોકો આજદિન સુધી પરિચિત ન હતા. મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયતે 14 માર્ચ, 2021 ના રોજ રૂઢિગત ગામસભામાં ઠરાવ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસી સમાજની આવનારી પેઢી અત્યારથી જ બંધારણમાં મળેલા અધિકારો અને પોતાના હક પ્રત્યે જાગૃત થાય અને તેઓને સંપૂર્ણ જાણકારી મળી રહે. તે જ પ્રમાણેનુ હવે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. હાલ બાળકો બંધારણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આ બાદ આ પ્રયોગ અંતર્ગત 10 જેટલા ગામોમાં ઠરાવ પસાર કરીને બંધારણના અભ્યાસ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

Most Popular

To Top