Gujarat

નલિયામાં તાપમાન ગગડીને 7 ડિગ્રી સુધી પહોંચી ગયો, રાજ્યમાં ઠંડી હજી વધશે

ગાંધીનગર: (Gandhinagar) અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરથી સરકીને આવેલી સાયક્લોનિક સર્ક્યૂલેશનની સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ હવે ઉત્તર ભારત તરફ સરકી જતાં આજે ગુજરાતમાં આકાશ સ્વચ્છ થઈ ગયું હતું. જેના પગલે શીત લહેરની અસર તીવ્ર બની હતી. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં આગામી 72 કલાક માટે કોલ્ડ વેવની (Cold Wave) ચેતવણી આપવામાં આવી છે. જેમાં કચ્છમાં હાજા ગગડાવતી ઠંડી (Winter) પડશે. ખાસ કરીને ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડી જાય તેવી ચેતવણી આપવામાં આવી છે. આજે કચ્છના નલિયામાં કોલ્ડ વેવની અસર જોવા મળી હતી. નલિયામાં 7 ડિગ્રી ઠંડી (Cold) નોંધાઈ હતી. રાજયમાં ઠંડી વધતાં જનજીવનને અસર થવા પામી હતી.

નલિયામાં તો લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો. જયારે રાજયભરમાં લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી રક્ષણ મેળવ્યુ હતું. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 7 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 12 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

સુરતનું લઘુતમ તાપમાન 18.9 ડિગ્રી અને મહતમ 27.2 ડિગ્રી નોધાયું

સુરત: સુરત શહેરમાં વાતાવરણમાં સતત વેર્સ્ટન ડિસ્ટબન્સની અસરો જોવા મળી છે. જેના પગલે વાતાવરણમાં ફેરફારને પગલે ઠંડક ફેલાયેલી જોવા મળી છે. હવામાન વિભાગે આપેલી વિગતો અનુસાર શહેરમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી વધીને 18.9 ડિગ્રી જ્યારે મહતમ તાપમાનમાં બે ડિગ્રી વધીને 27.2 ડિગ્રી નોધાયું હતું. પરંતુ સાંજ પડતા ફરી ઠંડા પવનોને કારણે ટાઢક અનુભવાતી હતી. દિવસ દરમિયાન આઠ કિલોમીટરની ઝડપે દરિયાપારના પવનો ફુંકાયા હતા. આજે ભેજનું પ્રમાણ 35 ટકા નોંધાયું છે.

વાદળછાયુ વાતાવરણ અને પવન ફૂંકાતા ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા

નવસારી, વલસાડ : નવસારીમાં શનિવારે લઘુત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાન વધુ 4 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો હતો. જયારે વાદળછાયું વાતાવરણ રહેતા ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું હતું.
નવસારીમાં ગત ગુરૂવારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગત રોજ મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી ગગડ્યું હતું. જેથી ઠંડીમાં થોડો વધારો થયો હતો. આજે શનિવારે મહત્તમ તાપમાન વધુ 4 ડિગ્રી ગગડતા ગત બે દિવસમાં મહત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડ્યું છે. જેના પગલે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા દિવસે ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. શનિવારે મહત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડતા 26 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન નહિવત ગગડતા 16.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 94 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 53 ટકા થયું છે. જયારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

Most Popular

To Top