રાજ્યમાં લોકરક્ષક દળની 10,459 જગ્યાઓ માટે અરજી સ્વીકારવાનું શરૂ, આ નિયમો બદલાયા

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં પોલીસ વિભાગની (Gujarat Police Department) ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત શનિવારથી લોક રક્ષક દળની 10459 ભરતી પ્રક્રિયા માટે અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ભરતી માટે ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકશે. આ ભરતીમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી (Recruitment) થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેંબર, 2021 છે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 10,459 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓએ અલગથી અરજી કરવાની રહેશે. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે.

PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે. શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહેશે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમ જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે.

આ રીતે અરજી કરવાની રહેશે

લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩ ઓક્ટોબર, 2021 (બપોર 3 કલાકે  થી તારીખ 9 નવેમ્બર, 2021 (રાત્રે 11.59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

Related Posts