Gujarat

ગુજરાતમાં વાવાઝોડાની અસર: શહેરોમાં વૃક્ષો પડવાની સાથે હોર્ડિગ્સ અને સોલાર પેનલો પણ હવામાં ઉડી

અમદાવાદ: આગામી તા.૭મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું (Storm) આકાર પામે તો તે ગુજરાત (Gujarat) તેમજ મહારાષ્ટ્ર (Maharastra) માટે ખતરો બને તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ત્યારે રવિવારની વહેલી સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં ગાજવીર અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડ્યા છે. ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવા અને જાહેરાતોના હોર્ડિંગ્સ તૂટવા અને કાચ તૂટ્યાના બનાવો સામે આવ્યા છે. આ ઉપરાંત ઈંડિગો BOM AMD & LKO AMD ફ્લાઈટને વાવાઝોડાના કારણે ડાઈવર્ટ કરી હોવાના સમાચાર પણ સામે આવ્યાં છે.

વાવાઝોડાની અસરના કારણે અનેક ગામોમાં તેમજ શહેરોમાં પણ વીજળી ડૂલ થયાના અહેવાલ પણ મળી આવ્યાં છે. છેલ્લા બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારે સરેરાશ 70થી 80 કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડા અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે વૃક્ષો પડી થઇ ગયા હતા. જાણકારી મુજબ વડોદરામાં હોર્ડિગ્સ તેમજ સોલાર પેનલો ભારે પવનના કારણે ઉડી ગઇ હતી. મેઘરાજાના આગમન પહેલા આવેલા વાવાઝોડએ હાહાકાર મચાવી મૂક્યો હતો.

રવિવારની સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે જોરદાર પવન (Wind) સાથે વરસાદ (Rain) પડ્યો હતો. ગાજવીજ સાથે અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રવિવારે સવારના 6થી 8 વાગ્યા સુધી 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે મહેમદાબાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા અને નડિયાદમાં 1.7 ઈંચ. પાટણમાં 1.5 ઈંચ, ફડી, વિજાપુર,મોડાસામાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસા, દોહાદ અને અમદાવાદમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે  વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

વાવાઝોડામાં પ્રતિ કલાકના ૩૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. ખાસ કરીને જૂનના પ્રથમ સપ્તાહમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર પામે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ ઉપરાંત ચક્રવાતી હવાના દબાણની જુદી જુદી ત્રણેક સિસ્ટમ સક્રિય થયેલી છે. જેના પગલે ગુજરાત પણ તેના પ્રભાવ ક્ષેત્ર હેઠળ આવી ગયુ છે. એક સિસ્ટમ પશ્વિમી હિમાલય પરથી પસાર થઈ રહી છે. બીજી સિસ્ટમ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર ગુજરાતને અડીને આવેલી છે. અન્ય એક સિસ્ટમ ઓરિસ્સા ઉપર છે. આ ઉપરાંત વધુ એક ચોથી સિસ્ટમ બંગાળના અખાતમાં પૂર્વ – મધ્ય ભાગમાં આવેલી છે.

Most Popular

To Top