India

યુપી પોલીસ ભરતી બોર્ડનો મોટો નિર્ણય:

પરીક્ષા દરમિયાન ન કપાશે કલાવો, ન ઉતરાવાશે મંગળસૂત્ર

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB) દ્વારા ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોની ધાર્મિક લાગણીઓ અને પરંપરાઓને માન આપતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા કેન્દ્રોમાં ચેકિંગ (ફ્રિસ્કિંગ) દરમિયાન ઉમેદવારોને કલાવો (પવિત્ર દોરો), મંગળસૂત્ર અથવા અન્ય ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીકો ઉતારવા માટે મજબૂર કરવામાં નહીં આવે. આ અંગે તમામ પરીક્ષા કેન્દ્રો અને સુરક્ષા કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે

અગાઉ કેટલીક ભરતી પરીક્ષાઓ દરમિયાન મહિલાઓને મંગળસૂત્ર, કડા, દોરા સહિતની વસ્તુઓ ઉતારવા કહેવામાં આવતા વિવાદો સર્જાયા હતા. આ પ્રકારની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારોની ધાર્મિક માન્યતાઓનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે અને કોઈ કર્મચારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું રહેશે.
પ્રવેશદ્વાર પરીક્ષા શરૂ થવાના અંદાજે 30 મિનિટ પહેલાં બંધ કરી દેવામાં આવશે.
એડમિટ કાર્ડ સાથે માન્ય ફોટો ઓળખપત્ર ફરજિયાત રાખવું પડશે.

સુરક્ષા ચેકિંગ ઝડપી બને તે માટે ઉમેદવારોને ચંપલ અથવા સેન્ડલ પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે.જૂતા અને મોજાં પહેરીને આવવાથી ચેકિંગમાં વધુ સમય લાગી શકે છે.મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી નહીં હોય.

ભરતી બોર્ડના આ નિર્ણયને કારણે લાખો ઉમેદવારો, ખાસ કરીને મહિલાઓ અને ધાર્મિક પ્રતીકો ધારણ કરનાર ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરક્ષા અને પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખતાં ઉમેદવારોની ધાર્મિક લાગણીઓનું પણ સંપૂર્ણ સન્માન કરવામાં આવશે.

Most Popular

To Top