Gujarat

ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તથા પ્રભારી પણ બદલાશે : નજીકના દિવસોમાં જાહેરાત

ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) વિધાનસભાની ચૂંટણીમાં (Election) કોંગ્રેસને (Congress) મળેલા વિજય બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં (Gujarat) લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કવાયત શરૂી કરી દેવાઈ છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા ગુજરાત કોંગીના પ્રભારીને પણ બદલી દેવાશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે તથા સંગઠ્ઠન મહામંત્રી સાથેની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓએ પોતાનો અભિપ્રાય વ્યકત્ત કરી દીધો છે, જેના પગલે હવે નવી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા હતા. જેમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે. આ પરિણામ બાદ જગદીશ ઠાકોરે પોતાનું પદ છોડવાની તૈયારી દર્શાવી છે. વિધાનસભાની ચૂંટણી વખથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને સ્પે. પ્રભારી તથા ડૉ રઘુ શર્માને ગુજરાતના પાર્ટીના પ્રભારી બનાવાયા હતા. હાલમાં તેઓને હટાવી દેવાયા છે. જો કે ગુજરાત કોંગ્રેસમાં ભારે જુથવાદ તથા આંતરિક ટાંટિયાખેંચ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત કોંગીના પદોની એકબીજાને વહેંચણી કરી લેતા હોય તેવું દ્રશ્ય પેદા થયું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠ્ઠનમાં ધરમૂળથી ફેરફાર કરાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

35 ટિકિટો વેચાઈ હોવાનો આક્ષેપ: કેટલાકને ભરપૂર ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ!
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે ગુજરાત કોંગ્રેસના પરાજયનું પોસ્ટ મોર્ટમ કરવા જે કમિટી બનાવી હતી. તેના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હોવાની વિગતો બહાર આવી છે. નવી દિલ્હીમાં ગઈકાલે હાઈકમાન્ડ સાથે થયેલી બેઠકમાં આ રિપોર્ટની ચર્ચા હાથ ધરાઈ હતી. આ ચર્ચા દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ , 35 ટિકિટ વેચી હોવાની વાત બાહર આવી છે. પાર્ટીની કેન્દ્રિય નેતાગીરી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે જે ફંડ મોકલવામાં આવ્યુ હતું , તેની વહેંચણીમાં અનિયમિતતાથી હોવાની પણ વાત બહાર આવી છે. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા મળ્યા હતા.

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભરત ઠક્કરે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મામલે ઊભી કરેલી વાતો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં રૂપીયા લઈ 35 ટિકિટ વેચવાની વાતનો કોઈ ઉલ્લેખ થયો નથી. આ બધી હવા ચલાવીને કરવામાં આવેલ વાતો છે. ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે એવો આક્ષેપ કર્યો હતો કે , 35 જેટલા ઉમેદવારોને મોટો વહીવટ કરીને ટિકીટ વેચી છે. તેવા આરોપો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં થયા છે, તે સાચા છે. પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે કહયું હતું કે આ રીતે ટિકિટો વેચવાથી કોંગીનો વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો છે. એટલું જ નહીં પ્રદેશ સમિતિના નેતાઓ પૈકી પ્રદેશ પ્રમુખ , પ્રભારી, યુવા કોંગીના પ્રમુખ સહિતના તમામ લોકોએ મોટા મોટા વહીવટ ટિકિટ વેચવામાં કર્યા છે.

ગ્યાસુદ્દિન શેખે પ્રદેશ પ્રમુખને બદલવા મામલે ટવીટ્ટ કર્યું
એક તરફ કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખને બદલવાની કવાયત ચાલી રહી છે ત્યારે હવે કોંગીના અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે ટ્વિટ કરીને લખ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડે પોતાની વિવેક બુદ્ધિ અને સર્વેના આધાર પર કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ, પાયાના કાર્યકરને સન્માન આપનારા, લોકની સમસ્યાને લઈને સંઘર્ષ કરવાની ક્ષમતાવાળી વ્યક્તિને ગુજરાતના અધ્યક્ષ બનાવવા જોઈએ. શેખે આ ટવિટ્ટ કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધી , પ્રિયંકા ગાંધી તથા કે. સી. વેણુગોપાલને ટેગ પણ કર્યા છે.

Most Popular

To Top