Sports

આખરે અટકળોનો અંત: લિયોનલ મેસી અમેરિકાની મેજર લીગમાં ઇન્ટર મિયામી વતી રમશે

મિયામી: આર્જેન્ટિનાના સોકર સ્ટાર લિયોનેલ મેસીએ (Lionel Messi) બુધવારે જાહેર કર્યું હતું કે તે અમેરિકામાં (America) મેજર લીગ સોકરમાં ઇન્ટર મિયામી (Inter Miami) માટે રમશે, તેની આ જાહેરાતને પગલે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. તાજેતરમાં પેરિસ સેન્ટ-જર્મન સાથેના કરારમાંથી બહાર આવેલો મેસી સાઉદી અરેબિયાની એક ક્લબમાં જોડાવાની અફવા હતી.

મિયામીમાં જોડાનાર મેસી વિશ્વનો બીજો સ્ટાર ફૂટબોલર હશે. તેના પહેલા ઈંગ્લેન્ડનો ડેવિડ બેકહામ પણ અમેરિકાની આ ક્લબ તરફથી રમી ચૂક્યો છે અને હાલમાં બેકહામ આ ક્લબમાં સહ માલિકી ધરાવતો હોવાના અહેવાલ છે. બેકહામની સહ-માલિકીની અને 2018 માં સ્થપાયેલી ઇન્ટર મિયામીએ પણ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી હતી.
મેસ્સીએ કહ્યું હતું કે વર્લ્ડ કપ જીત્યા બાદ અને બાર્સેલોના સાથે ફરી જોડાઇ ન શક્યા પછી હવે અમેરિકન લીગમાં રમીને ફૂટબોલને નવી રીતે જીવવાનું હું વિચારું છું. બુધવારે સ્પેનિશ અખબારો ડાયરિયો સ્પોર્ટ અને મુંડો ડિપોર્ટિવોએ મેસીને ટાંકીને જણાવ્યું હતું કે, મેં નક્કી કર્યું છે કે હું મિયામી જઈ રહ્યો છું, મારી સાથે 100 ટકા કોન્ટ્રાક્ટ નક્કી નથી અને હજુ કેટલીક અંતિમ વિગતો પર કામ ચાલુ છે, પણ હું એ માર્ગે આગળ ચાલવા માગુ છું. સાત વખતનો બેલોન ડી’ઓર વિજેતા મેસીએ કતાર ખાતે ડિસેમ્બર 2022માં કેપ્ટન તરીકે આર્જેન્ટિના સાથેની તેની કેરિયરમાં પહેલીવાર વર્લ્ડકપ જીત્યો હતો.

બાર્સિલોના ન જવા માટે મેસીએ કારણો જાહેર કર્યા
મેસ્સીએ સ્પેનિશ અખબારને કહ્યું હતું કે હું ખરેખર પાછો બાર્સિલોના આવવા માંગતો હતો, હું રાહ જોઈ રહ્યો હતો, પરંતુ, બીજી બાજુ, હું જેમાંથી પસાર થયો તે પછી, ફરી એ પરિસ્થિતિમાંથી પસાર થવા માંગતો ન હતો. હું મારું ભવિષ્ય બીજાના હાથમાં છોડવા માંગતો ન હતો. કોઈક રીતે, હું મારા માટે, મારા પરિવાર માટે મારો નિર્ણય લેવા માંગતો હતો. મેં જે સાંભળ્યું તે અનુસાર તેઓએ કહ્યું હતું કે મારા માટે તેઓએ ખેલાડીઓ વેચવા પડશે અથવા અન્ય ખેલાડીઓના પગારમાં કાપ મૂકવો પડશે અને સત્ય એ છે કે હું તેમાંથી પસાર થવા માંગતો ન હતો.

Most Popular

To Top