Gujarat

રાજ્યમાં ત્રણ વર્ષમાં સાડા બાર લાખથી વધુ લોકોને કૂતરાએ બચકા ભર્યાં, 8નાં મોત

ગાંધીનગર: તાજતેરમાં અમદાવાદની (Ahmedabad) સીમમાં વાઘ બકરી ગ્રુપના ડિરેકટર પરાગ દેસાઈનું રખડતાં કૂતરાએ કરેલા હુમલાના કારણે નીચે પડી જવાથી બ્રેઈન હેમરેજ થઈ જતાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતું. હવે બીજી બાજુ રાજ્ય સરકારે ગુજરાત (Gujarat) વિધાનસભામાં તાજેતરના બે દિવસીય ટૂંકા સત્ર દરમ્યાન એક અતાંરાકિત પ્રશ્નના જવાબમાં આપેલી વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 3 વર્ષની અંદર ઓછામાં ઓછા 12,55,066 જેટલા લોકોને રખડતાં કૂતરાએ બચકા (Dog Bite) ભરીને ઈજા પહોચાડી છે. હવે ગુજરાતમાં રખડતા કૂતરાઓનો આતંક જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં કૂતરાઓએ કેટલા લોકોને બચકા ભર્યા હોવાની તથા ઈજા થઈ હોવાની વિગતો સરકાર પાસે માંગી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે આપેલી વિગતો ચોંકાવનારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2020-21માં 46,436 વર્ષ 2021-22માં 50,397 અને વર્ષ 2022-23માં 60330 લોકોને રખડતા કૂતરા કરડી ગયા હોવાની ઘટના સામે આવી છે.

આમ ફક્ત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં 3 વર્ષમાં 1,57,163 નાગરિકોને કૂતરાએ કરડી ખાધા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 લોકોના મોત પણ નીપજ્યા છે. અમદાવાદમાં કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે 1.17 લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે 10 કરોડથી વધુની રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. 2022-23માં રાજ્યના વિવિધ જિલ્લાઓ પૈકી આણંદમાં 27,605, ગાંધીનગરમાં 19,874 , જૂનાગઢમાં 25,528 , ખેડામાં 24,333, મહેસાણામાં 20,994, અને પાટણમાં 2854 જેટલી કૂતરા કરડવાની ઘટના બની છે.

વર્ષ 2022-23માં કૂતરા કરડવાની કેટલી ઘટના બની?

  • અમદાવાદ મનપા – 60,630
  • રાજકોટ મનપા – 3962
  • સુરત મનપા – 20,609
  • વડોદરા મનપા – 7166
  • જૂનાગઢ મનપા – 6108
  • જામનગર મનપા – 11,326
  • ભાવનગર મનપા – 76
  • ગાંધીનગર મનપા – 5222

Most Popular

To Top