Dakshin Gujarat

વાપીમાં 6 વર્ષની બાળકીના અપહરણ બાદ નદી કિનારેથી તેની લાશ મળતા ચકચાર

વાપી: (Vapi) વાપી નજીકના ડુંગરી ફળિયામાં રહેતા પરિવારની 6 વર્ષીય બાળકી ઘરેથી પિતાના (Father) ભંગારના ગોડાઉન તરફ જવા નીકળી હતી. તે દરમિયાન કોઈ અજ્ઞાત વ્યક્તિ તેનું અપહરણ (Kidnapping) કરી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ પિતાએ વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ટીમે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં આખી ઘટના સામે આવી હતી.

  • વાપીમાં અપહરણ બાદ 6 વર્ષીય બાળકીની હત્યા
  • બાળકીનું અપહરણ તેમજ હત્યા કોણે અને શા માટે કરી તેની તપાસ પોલીસે શરૂ કરી

જેમાં એક અજ્ઞાત વ્યક્તિ નજરે પડતા પોલીસ ટીમ તપાસ કરી રહી હતી ત્યારે મોડી રાત્રીના ડુંગરી ફળિયા નજીકથી પસાર થયેલી દમણગંગા નદી કિનારેના ઘાસમાંથી અપહૃત બાળકીની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીનું અપહરણ કોણે અને શા માટે કર્યુ અને કેમ તેની હત્યા કરાઈ તેની તપાસ પોલીસ ટીમ કરી રહી છે.

વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી નજીકના ડુંગર ફળિયામાં રહેતા એક પરિવારની 6 વર્ષીય બાળકી ગઈકાલે સવારના સવા અગિયારેક વાગ્યાની આસપાસ ઘરેથી પિતાના ભંગારના ગોડાઉન તરફ જવા નીકળી હતી. તે સમયગાળા દરમિયાન કોઈ અજ્ઞાત વ્યક્તિએ બાળકીનું કોઈક રીતે તેનું અપહરણ કરી ગયો હતો. બાળકી નિયત સમયે ઘરે નહીં પહોંચતા તેની શોધખોળ આદરી હતી અને તે બાદ પિતાએ વાપી ડુંગરા પોલીસ મથકમાં પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈ એલસીબી-એસઓજી સહિત પોલીસ ટીમ દ્વારા બાળકીની શોધખોળ આદરી હતી અને ઘટનાની આસપાસના સીસીટીવી કેમેરાઓ તપાસ કરવામાં આવ્યા હતાં. જેમાં એક અજ્ઞાત વ્યક્તિ બાળકીને ડુંગરી ફળિયા નજીક આવેલા દમણગંગા નદી કિનારે તરફ લઈ જતા નજરે પડ્યો હતો અને તે બાદ તે અજ્ઞાત વ્યક્તિ એકલો પરત આવતા નજરે પડ્યો હતો. જે બાદ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક રાત્રીના સમયે જ મોટા વાહનમાં જનરેટર લઈને બાળકીની શોધખોળ આદરી હતી. જેમાં અપહૃત બાળકીની લાશ મળી આવતા ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીનું અપહરણ કોણે અને શા માટે કર્યુ અને કેમ તેની હત્યા કરાઈ તેની વધુ તપાસ વાપી ડુંગરા પોલીસ ટીમ કરી રહી છે.

Most Popular

To Top